Stock Market Closing: સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના અંતે તૂટ્યા, રોકાણકારોની મૂડી 2.51 લાખ કરોડ ઘટી
Stock Market Closing: શેરબજારમાં આજે ભારે વેચવાલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના અંતિમ દિવસે મોટા ઘટાડા સાથે બંધ રહ્યા છે. સેન્સેક્સ 793.25 પોઈન્ટ તૂટી 74244.90 અને નિફ્ટી50 234.40 પોઈન્ટ ઘટી 22519.40 પર બંધ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી રૂ. 2.51 લાખ કરોડ ઘટી છે.
સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી માત્ર 3માં જ સુધારો નોંધાયો હતો. બાકીના 27 શેરો 4 ટકા સુધી તૂટ્યા હતા. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3943 સ્ક્રિપ્સમાંથી 1466 ગ્રીન ઝોન અને 2373 રેડ ઝોનમાં બંધ રહી હતી. ચોથા ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સિઝન શરૂ થઈ ચૂકી છે. આજે સાંજે દેશની ટોચની આઈટી કંપની પરિણામ જારી કરશે. રોકાણકારોની નજર હવે કોર્પોરેટ પરિણામો પર રહેશે.
માર્કેટમાં કરેક્શનનો સંકેત
શેરબજારમાં મોટાભાગના તમામ સેક્ટરોલ ઈન્ડાઈસિસ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે. આજની ટ્રેન્ડિંગ સ્થિતિને ધ્યાનમાં લેતાં માર્કેટમાં ઓવરબોટ થઈ રહ્યુ હોવાથી કરેક્શનનો સંકેત મળી રહ્યો છે. મીડકેપ અને સ્મોલકેપમાં પ્રોફિટ બુકિંગ વધતાં 0.6 ટકા સુધી ઘટ્યા હતા. આ સિવાય નિફ્ટી ફાર્મા, પીએસયુ બેન્ક, એફએમસીજી સહિતના ઈન્ડેક્સ પણ ઘટાડે બંધ રહ્યા હતા.
ટ્રેઝરી યીલ્ડ પાંચ માસની ટોચે
અમેરિકી ડોલર અને 10 વર્ષની ટ્રેઝરી યીલ્ડ આજે પાંચ વર્ષની ટોચે પહોંચી હતી. જેમાં વૃદ્ધિ પાછળનું કારણ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડવામાં વિલંબનો આશાવાદ છે. અમેરિકાના ફુગાવાના આંકડા વધુ નોંધાતા ફેડ હાલ રેટમાં કોઈ ઘટાડો નહિં કરે તેવી સંભાવના રોકાણકારો દર્શાવી રહ્યા છે.
નિફ્ટી માટે ટેકાની સપાટી 22101
માર્કેટ નિષ્ણાતોએ નિફ્ટી50 માટે 22339-22101ને અતિ મહત્વની ટેકા સપાટી દર્શાવી છે. જ્યારે તેનુ રેઝિસ્ટન્સ લેવલ 22810-23100 નિર્ધારિત કર્યું છે. સ્થાનિક સ્તરે શેરબજાર માટે પોઝિટીવ વલણ છે, પરંતુ વૈશ્વિક પડકારો વધી રહ્યા છે. જેની અસર શેરબજાર પર જોવા મળી શકે છે.