શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે ગાબડું, ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના સંકેતો વચ્ચે ઓટો શેર્સ ધડામ, સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: ફેબ્રુઆરી મહિનો શેરબજાર માટે આકરો રહ્યો છે. ભારે વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી સળંગ ત્રીજા દિવસે તૂટ્યા છે. સેન્સેક્સ 123 પોઈન્ટના ઘટાડે ખૂલ્યા બાદ 535.87 પોઈન્ટ તૂટ્યો હતો. જેના લીધે રોકાણકારોને આજે વધુ રૂ. 3 લાખ કરોડનું નુકસાન થયું છે. નિફ્ટી પણ 22800નું સપોર્ટિંગ લેવલ તોડી 22733.30 થયો હતો.
સેન્સેક્સ પેકમાં આજે 22 શેર 5 ટકા સુધી તૂટ્યા છે. જ્યારે આઠ શેર એક ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. હેલ્થકેર, મીડકેપ, ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટમાં વેચવાલી વધી છે.
ઓટો શેર્સ ધડામ
દેશની ટોચની બીજા ક્રમની ઈવી ઉત્પાદક ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના અહેવાલો વચ્ચે ઓટો શેર્સમાં મોટાપાયે વેચવાલી નોંધાઈ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શેર્સ છેલ્લા સાત દિવસમાં 15 ટકા સુધી તૂટ્યો છે. આજે વધુ 5.07 ટકાના ઘટાડે ટ્રેડ થવા સાથે ટોપ લૂઝર રહ્યો છે. ટીવીએસ મોટર્સ, ટાટા મોટર્સના શેર્સમાં પણ વેચવાલીના કારણે બીએસઈ ઓટો ઈન્ડેક્સ આજે 1200 પોઈન્ટ સુધી તૂટ્યો છે. ટાટા મોટર્સ 2.16 ટકા, ટીવીએસ મોટર્સ 3.34 ટકા, મધરસન સુમી 3.68 ટકાના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. મારૂતિનો શેર 1.19 ટકા તૂટ્યો છે.
ઈલોન મસ્ક આ વર્ષે 25000 ડોલરથી ઓછી કિંમતની ઈ-કાર ભારતમાં લાવવા માગે છે. ટેસ્લાનો અફોર્ડેબલ ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશ ટોચની સ્થાનિક ઓટો કંપનીઓ માટે માથાનો દુઃખાવો બની શકે છે. બીજી તરફ કેન્દ્ર સરકાર પણ વિદેશી કાર મેકર્સને આકર્ષવા માટે ઈવી પોલિસીમાં સુધારાઓ કરવાની યોજના બનાવી રહી છે.
એફઆઈઆઈની રેકોર્ડ વેચવાલી
ફેબ્રુઆરી મહિનો શેરબજાર માટે આકરો રહ્યો છે. વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં રેકોર્ડ રૂ. 64.78 લાખ કરોડનું રોકાણ પાછું ખેંચી ચૂકી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં જ એફઆઈઆઈએ રૂ. 1.07 લાખ કરોડની વેચવાલી નોંધાવી છે. વિદેશી રોકાણકારો એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, કેપિટલ ગુડ્સ સેક્ટરમાં મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે.ફેબ્રુઆરીમાં એફઆઈઆઈએ ફાઈનાન્સિયલ સેગમેન્ટમાંથી રૂ. 5344 કરોડ, એફએમસીજીમાં 4336 કરોડ, અને કેપિટલ ગુડ્સમાંથી રૂ. 3200 કરોડની વેચવાલી નોંધાવી છે.
ફેબ્રુઆરીમાં 3364 પોઈન્ટની વેચવાલી
શેરબજારમાં કોવિડ બાદ સૌથી મોટી મંદી જોવા મળી છે. તેમાં પણ ફેબ્રુઆરી મહિનો નિરાશાજનક રહ્યો છે. સેન્સેક્સમાં રૂ. 3364 પોઈન્ટની ઉથલપાથલ જોવા મળી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સ 3 ટકા તૂટ્યો છે. સ્મોલકેપ શેર્સમાં રોકાણકારો રાતા પાણીએ રોયા છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ચાલુ કેલેન્ડર વર્ષમાં 9125.66 પોઈન્ટ તૂટ્યો છે.