શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે કડાકો, પાવર-ફાઈનાન્સિયલ શેર્સમાં ગાબડું, જાણો માર્કેટની સ્થિતિ
Stock Market Today: શેરબજાર સળંગ ત્રીજા સેશનમાં ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના પગલે વિદેશી રોકાણકારોની વેચવાલી છે. રોકાણકારો અમેરિકાની ફેડ રિઝર્વનું આગામી પગલું તેમજ ઈકોનોમિક આઉટલૂક પર નજર રાખી રહ્યા છે. સેન્સેક્સ આજે ઘટાડા તરફી ખૂલ્યા બાદ 371.43 પોઈન્ટ તૂટી 80313.02 થયો હતો. વિદેશી રોકાણકારોએ ગઈકાલે 6409.86 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું.
સેન્સેક્સ 10.33 વાગ્યે 194.72 પોઈન્ટ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24286.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 7 સુધારા તરફી જ્યારે 23માં 2 ટકા સુધીનું ગાબડું જોવા મળ્યું હતું.
પાવર અને કેપિટલ ગુડ્સમાં ભારે વેચવાલી
શેરબજારમાં પાવર અને કેપિટલ ગુડ્સ શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી છે. હેલ્થકેર, આઈટી અને ટેલિકોમ્યુનિકેશન્સ ઈન્ડેક્સ ઘટાડે ખૂલ્યા બાદ 10.40 વાગ્યે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બીએસઈ ખાતે 250 શેર્સમાં અપર સર્કિટ અને 170 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 197 શેર્સ વર્ષની ટોચે અને 23 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. માર્કેટ કેપ 452.83 લાખ કરોડ નોંધાયું છે.
હેલ્થકેર શેર્સમાં ઉછાળો
રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય હેલ્થકેર સેક્ટર આગામી ગાળામાં મજબૂત ગ્રોથ કરવાની સંભાવનાઓ દર્શાવવામાં આવતાં આજે હેલ્થકેર શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. ડો. રેડ્ડીઝ 2.39 ટકા, સિપલા 1.53 ટકા, સન ફાર્મા 1.37 ટકા ઉછાળા સાથે નિફ્ટી-50ના ટોપ ગેનર તરીકે પર્ફોર્મ કરી રહ્યા છે. જ્યારે પાવરગ્રીડ 1.96 ટકા, ટાટા મોટર્સ 1.75 ટકા, ભારત ઈલેક્ટ્રોનિક્સ 1.61 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.