શેરબજારની અવિરત તેજીને આજે વિરામ, સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે બંધ, જાણો શેરબજારની સ્થિતિ
Stock Market Closing: ભારતીય શેરબજારની સળંગ ત્રણ દિવસની તેજીને આજે વિરામ લાગ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 50એ આજે સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે બંધ રહ્યા હતા. રોકાણકારોની મૂડી આજે 1.67 લાખ કરોડ વધી છે.
સેન્સેક્સ આજે 77079.04ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ 699.31 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 203.28 પોઈન્ટ ઘટાડે 76490.08 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 30.95 પોઈન્ટ ઘટાડે 23259.20 પર બંધ રહ્યો હતો. નિફ્ટી ઈન્ટ્રા ડે 23411.90ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ 425.08 લાખ કરોડ નોંધાયુ હતું.
માર્કેટ કોન્સોલિડેશન મોડમાં
છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 5000 પોઈન્ટથી વધુ ઉછળો નોંધાવ્યો છે. જેથી હવે માર્કેટ કોન્સોલિડેશન તબક્કામાં પ્રવેશતુ નજરે ચડ્યું છે. રોકાણકારો પોતાનો પ્રોફિટ બુક કરવા પર ફોકસ કરી રહ્યા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે. બીએસઈ ખાતે આજે ટ્રેડેડ 4129 શેર્સ પૈકી 2631માં સુધારો અને 1360માં ઘટાડો નોંધાયો હતો. 316 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 31 સ્ક્રિપ્સ વર્ષના તળિયે પહોંચી હતી.
આઈટી ઈન્ડેક્સ 2 ટકા તૂટ્યો
અમેરિકાના રોજગાર ડેટાં મજબૂત નોંધાયા બાદ ફેડ દ્વારા વ્યાજદરોમાં કોઈપણ સમયે ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2 ટકા તૂટ્યો છે. નિફ્ટી50માં સામેલ ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસના શેર્સે આજે ખરાબ પ્રદર્શન કર્યું હતું. માર્કેટ નિષ્ણાતોએ નિફ્ટી માટે 23500-23870નું રેઝિસ્ટન્સ લેવલ આપ્યું છે. જ્યારે 23160-23200 સપોર્ટ લેવલ નિર્ધારિત કર્યો છે.
સ્મોલકેપ અને મીડકેપ સુધર્યા
સ્મોલકેપ અને મીડકેપ પણ આજે સર્વોચ્ચ ટોચે નોંધાયા બાદ ટ્રેડિંગ સેશનના અંતે 1 ટકાથી વધુ ઉછાળે બંધ રહ્યા હતા. જ્યારે મેટલ, ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલીનું પ્રેશર વધ્યું હતું. ઓટો ઈન્ડેક્સ પણ ઘટ્યો હતો.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
નિફ્ટી50 ખાતે આજે અલ્ટ્રાટેક સિમેન્ટ 3.26 ટકા, ગ્રાસિમ 2.43 ટકા, હિરો મોટોકોર્પ 2.30 ટકા, સિપ્લા 2.12 ટકા, અને પાવરગ્રીડ 2.09 ટકા ઉછાળે બંધ આપી ટોપ ગેનર્સ રહ્યા હતા, જ્યારે ટેક્ મહિન્દ્રા 2.66 ટકા, ઈન્ફોસિસ 2.31 ટકા, વિપ્રો 1.88 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 1.59 ટકા અને બજાજ ફાઈનાન્સ 1.53 ટકા ઘટાડે બંધ આપી ટોપ લૂઝર્સ રહ્યા હતા.
રોકાણકારોએ ધ્યાનમાં રાખવાના પરિબળો
- એનડીએ સરકારની મહત્ત્વના 100 દિવસની કામગીરી
- નવી સરકારના મંત્રી મંડળની ફાળવણી અને આગામી યોજનાઓ
- ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરો મામલે નિર્ણય
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.