શેરબજાર સળંગ પાંચ દિવસ તૂટ્યું, સેન્સેક્સમાં 1800 પોઈન્ટની વોલેટિલિટી, રોકાણકારોના રૂ. 4 લાખ કરોડ ડૂબ્યાં
Stock Market Closing: મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવની સ્થિતિની માઠી અસર ભારતીય શેરબજારો પર થઈ છે. આ સપ્તાહે સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર રેડઝોનમાં બંધ રહ્યા છે. સેન્સેક્સ ઈન્ટ્રા ડે 400 પોઈન્ટથી વધુ વધતાં રોકાણકારોને હાશકારો અનુભવ્યો હતો, પરંતુ ઈરાનના સુપ્રીમ નેતાના નિવેદનો દરમિયાન શેરબજારમાં મોટુ ગાબડું નોંધાયું હતું.
ઈન્ટ્રા ડે 1800 પોઈન્ટની વોલેટિલિટી
સેન્સેક્સમાં આજે ઈન્ટ્રા ડે 1835.64 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 808.65 પોઈન્ટના ઘટાડે 81688.45 પર બંધ રહ્યો હતો. નિફ્ટી ઈન્ટ્રા ડે 25000નું લેવલ તોડી 24966.80ના તળિયે પહોંચ્યો હતો. જે અંતે 235.50 પોઈન્ટ તૂટી 25014.60 પર બંધ રહ્યો હતો. શેરબજારના મોટા કડાકા વચ્ચે રોકાણકારોએ રૂ. 4.36 લાખ કરોડ ગુમાવ્યા છે.
સેક્ટોરલ ઈન્ડેક્સમાં સાર્વત્રિક વેચવાલીના પગલે એનર્જી ઈન્ડેક્સ 1 ટકા, એફએમસીજી 1.67 ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિઝ 1.05 ટકા, ટેલિકોમ્યુનિકેશન 1.25 ટકા, ઓટો 1.50 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.35 ટકા, પાવર 1.12 ટકા, રિયાલ્ટી 1.60 ટકા તૂટ્યો હતો. મધ્ય-પૂર્વમાં વધતા જતાં સંઘર્ષ અંગેની ચિંતાના કારણે ટોચના ક્રૂડ ઉત્પાદક પ્રદેશમાંથી ક્રૂડના પુરવઠામાં સંભવિત વિક્ષેપની આશંકા ઊભી થઈ છે, જેના કારણે કિંમતો વધી છે. આ પરિસ્થિતિમાં ભારત જેવા ચોખ્ખા આયાતકારોને માઠી અસર થઈ શકે છે. ઓક્ટોબરમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો 9 ટકા વધી 78 ડોલર પ્રતિ બેરલ થયો હતો.