સેન્સેક્સમાં તેજીનો આખલો દોડ્યો, નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો, શેરબજારમાં રોકાણકારોને લ્હાણી
Sensex Nifty50 All Time High: શેરબજારમાં આકર્ષક ઉછાળા સાથે સપ્તાહની શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ 467.45 પોઈન્ટ ઉછળી 81800.17 અને નિફ્ટી 25000 નજીક 24980.45ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સ પેકની કુલ 30 પૈકી 17 શેર્સ ગ્રીન ઝોનમાં અને 13 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ગત સપ્તાહે બેન્કિંગ અને પીએસયુ શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ બાદ આજે ખરીદી વધતાં શેરબજારમાં વોલ્યૂમ વધ્યું છે. સેન્સેક્સમાં 3954 શેર્સ પૈકી 2540માં સુધારો અને 1247માં ઘટાડે કારોબાર થઈ રહ્યા હતા. આજે સમાચાર લખાયા ત્યાં સુધીમાં 346 શેર્સ વર્ષની ટોચે અને 17 શેર્સ વર્ષના તળિયે, જ્યારે 387 શેર્સમાં અપર સર્કિટ અને 170 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.
માર્કેટ કેપ પ્રથમ વખત 460.50 લાખ કરોડ પાર
બીએસઈ માર્કેટ કેપએ આજે સાર્વત્રિક ઉછાળા સાથે પ્રથમ વખત 460.50 લાખ કરોડની સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. રોકાણકારોની મૂડીમાં આજે 4 લાખ કરોડ વધી છે. સેક્ટરોલ ઈન્ડેક્સમાં બેન્કેક્સ 1.50 ટકા, સ્મોલકેપ 1.40 ટકા, પીએસયુ 1.64 ટકા, રિયાલ્ટી 1.81 ટકા, ઓઈલ એન્ડ ગેસ 1.41 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, હેલ્થકેર, ટેક્નોલોજી, આઈટી શેર્સમાં પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો જોવા મળ્યો છે.
સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોના સથવારે તેમજ કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોની મજબૂતાઈ શેરબજાર માટે તેજીના સિગ્નલ આપી રહ્યા છે. એલટીસીજી, એસટીસીજી અને એસટીટીમાં વધારો થયા બાદ ગત સપ્તાહે શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યુ હતું. પરંતુ આ અંગે નાણા મંત્રી અને નિષ્ણાતોની સ્પષ્ટતાથી રોકાણકારો ફરી પાછા બજારમાં સક્રિય બન્યા છે.
NSE ખાતે ટ્રેડેડ શેર્સની સ્થિતિ
(સ્રોતઃ NSE, ભાવ સમાચાર લખાયા ત્યાંસુધીના)
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.