બે વર્ષમાં સેન્સેક્સ એક લાખને પાર થવાની શક્યતા : નિષ્ણાતોનો દાવો

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
બે વર્ષમાં સેન્સેક્સ એક લાખને પાર થવાની શક્યતા : નિષ્ણાતોનો દાવો 1 - image


- ટોચની 500 કંપનીઓનો કુલ નફો ત્રણ વર્ષમાં ત્રણ ગણો વધ્યો

- સેન્સેક્સ-નિફટી વધવાની સાથે કંપનીઓનો નફો તેના કરતા પણ વધારે ઝડપથી વધી રહ્યો છે 

મુંબઇ : ઘરેલુ ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સ સતત વધી રહ્યું છે અને આજે  તેણે ઇન્ટ્રા ડેમાં ૭૦ હજારનું લેવલ પાર કર્યુ હતું. નિષ્ણાતોના મતે આગામી બે વર્ષમાં એટલે કે ૨૦૨૫ની ક્રિસમસમાં એક લાખનું લેવલ પાર કરે તો નવાઇ નહીં. એટલે કે બે વર્ષમાં સેન્સેકસ લગભગ ૪૩ ટકા વધી શકે છે એટલે કે વાર્ષિક ૧૯.૫ ટકાનો વિકાસ. જે ૨૦ વર્ષની સરેરાશ વાર્ષિક ગ્રોથ ૧૩ ટકાથી ખૂબ જ વધારે છે. 

નિષ્ણાતોના મતે આગામી નાણાકીય વર્ષમાં બજારમાં સૌથી મજબૂત ટેકો બેંકો અને આઇટી કંપનીઓ તરફથી મળશે. કેટલાક રોકાણકારોને એ વાતની ચિંતા છે કે વેલ્યુએશન ખૂબ વધારે તો નથી. જે અંગે નિષ્ણાતોનું માનવું છે કે સેન્સેક્સ-નિફટી રેકોર્ડ હાઇ પર હોવા છતાં ઐતિહાસિક વેલ્યુએશનના હિસાબે મોઘું નથી.છેલ્લા ત્રણ વર્ષોમાં બજાર જેટલી ઝડપથી વધ્યું છે તો બીજી તરફ કંપનીઓના નફાનો ગ્રોથ પણ તેનાથી વધુ ઝડપથી વધ્યો છે. આ હકીકતને ધ્યાનમાં રાખીએ તો વેલ્યુએશન વધારે નથી. 

ઉલ્લેખનીય છે કે નિફટી અને સેન્સેકસમાં લગભગ બે તૃતિયાંશ કંપનીઓ બેકિંગ અને આઇટી સેક્ટરની છે. આઇટી કંપનીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઝડપથી વધતા માર્કેટથી સર્પોટ મળશે. બીજી તરફ બેંકોનો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન એનઆઇએમ આગામી વર્ષે સારું રહેશે. 

કોરોના મહામારી પહેલા ૨૦૨૦માં દેશની સૌથી મોટી ૫૦૦ કંપનીઓનો કુલ નફો ચાર લાખ કરોડ રૃપિયા હતો અને હવે સપ્ટેમ્બર ૨૦૨૩માં આ કંપનીઓનો નફો વધી ૧૧-૧૨ લાખ કરોડ રૃપિયા થઇ ગયો છે. એટલે કે ત્રણ વર્ષમાં નફો ત્રણ ગણો વધી ગયો છે.


Google NewsGoogle News