શેરબજાર રિકવરી મોડમાં, સેન્સેક્સ 600 પોઈન્ટ સુધર્યો, આઈટી-ટેક્નોલોજી શેરોમાં આકર્ષક ખરીદી
Stock Market Closing: ભારતીય શેરબજાર ગઈકાલે મોટા કડાકા સાથે સાત માસના તળિયે નોંધાયા બાદ આજે સુધર્યા છે. આઈટી અને ટેક્નોલોજી શેરોમાં મોટાપાયે લેવાલીના પગલે સેન્સેક્સ ઈન્ટ્રા ડે 624.77 પોઈન્ટ ઉછળ્યો હતો. જે અંતે 566.63 પોઈન્ટ ઉછળી 76404.99 પર અને નિફ્ટી 130.70 પોઈન્ટ ઉછળી 23155.35 પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સ પેકમાં સામેલ આઈટી શેર ઈન્ફોસિસ 3.17 ટકા, ટીસીએસ 2.89 ટકા અને ટેક મહિન્દ્રા 2.28 ટકા ઉછળા સાથે બંધ રહ્યો હતો. એચસીએલ ટેક. 1.35 ટકા ઉછળ્યો હતો. આઈટી સેગમેન્ટના અમુક શેરોમાં આકર્ષક ખરીદીના પગલે ઈન્ડેક્સ 1.88 ટકા ઉછળ્યો હતો. જો કે, આઈટી ઈન્ડેક્સમાં સામેલ 20 શેરમાં સુધારો અને 36 શેરમાં ઘટાડો નોંધાયો હતો.
માર્કેટ બ્રેડ્થ નેગેટિવ
બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 4059 શેર પૈકી 1159 શેર સુધર્યા હતા, જ્યારે 2786 શેર ઘટાડે બંધ રહ્યા હતા. 81 શેર વર્ષની ટોચે અને 155 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. આ સિવાય 313 શેરમાં લોઅર સર્કિટ અને 182 શેરમાં અપર સર્કિટ નોંધાઈ હતી. જે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સાવચેતીનું વલણ રાખવા સંકેત આપે છે.
આ પણ વાંચોઃ કોમ્પોઝિશન સ્કીમનો લાભ લેતાં વેપારીઓને મોટી રાહત, હવે ભાડાની મિલકત પર 18% GST રદ
સ્મોલકેપમાં ગાબડું, રિયાલ્ટી શેરોમાં મંદી
શેરબજારમાં આજે સ્મોલકેપ શેરોમાં 15 ટકા સુધીનું ગાબડું જોવા મળ્યું હતું. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં લિસ્ટેડ 937 સ્ક્રિપ્સ પૈકી 761માં મોટા કડાકા સાથે ઈન્ડેક્સ 807.86 પોઈન્ટ તૂટ્યો હતો. બીજી તરફ રિયાલ્ટી શેરોમાં મંદીનુ જોર વધ્યું છે. લોધા ડેવલપર્સ 5.85 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 5.18 ટકા, ઓબેરોય રિયાલ્ટી 5.00 ટકા તૂટ્યો છે. છેલ્લા ત્રણથી ચાર ટ્રેડિંગ સેશનમાં રિયાલ્ટી શેરો સતત તૂટી રહ્યા છે.
એનર્જી, મેટલ, અને પીએસયુ શેરોમાં પ્રોફિટ બુકિંગના પગલે સેન્ટિમેન્ટ ખરડાયા હતા. એફઆઈઆઈની સતત વેચવાલી તેમજ આર્થિક મંદીની ભીતિ વચ્ચે રોકાણકારો સાવચેત બન્યા છે. રોકાણકારો ટ્રમ્પની નીતિ અને આગામી બજેટમાં રજૂ થનારી જાહેરાતો મુદ્દે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.