સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો, ઓટો શેર્સમાં આકર્ષક તેજી, નિફ્ટી 24000 નજીક
Stock Market Today: શેરબજારમાં છેલ્લા બે સપ્તાહથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસ માર્કેટ વોલેટિલિટી સાથે ઘટાડે બંધ રહ્યા બાદ આજે સેન્સેક્સે 500 પોઈન્ટ ઉછાળા સાથે 79000નું લેવલ પાછું મેળવ્યું છે. નિફ્ટી 175 પોઈન્ટથી વધુ ઉછળી 24000 તરફ આગેકૂચ કરતો જોવા મળ્યો છે.
બેન્કિંગ અને ઓટો શેર્સમાં ખરીદીનો બજારને ટેકો મળ્યો છે. આજે લિસ્ટેડ DAM કેપિટલ દ્વારા વિવિધ ઓટો સ્ટોકના રેટિંગ અપગ્રેડ કરવામાં આવતાં ઓટો ઈન્ડેક્સમાં તેજી જોવા મળી છે. ટાટા મોટર્સ, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આયશર મોટર્સ, મારૂતિ સુઝુકીના શેર્સ 3 ટકા સુધી ઉછળ્યા છે. જો કે, સ્ટોક સ્પેસિફિક વોલ્યૂમ નબળા રહ્યા છે. જે ડિસેમ્બર એન્ડિંગ વેકેશનનો મૂડ દર્શાવે છે.
11.00 વાગ્યે સેન્સેક્સ 493.80 પોઈન્ટ ઉછળી 78966.28 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 152.30 પોઈન્ટ ઉછાળી 23902.50 પોઈન્ટ પર કારોબાર થઈ રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ 1 લાખ કરોડ વધી 443.52 લાખ કરોડ નોંધાયુ હતું. 126 શેર્સ વર્ષની ટોચે અને 51 વર્ષના તળિયે પહોંચ્યો હતો. 177 શેર્સમાં અપર સર્કિટ અને 238 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.
પાંચ આઈપીઓના આકર્ષક લિસ્ટિંગ
મેઈન બોર્ડ ખઆતે આજે પાંચ આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં મમતા મશીનરીએ 147 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને મોજ કરાવી છે. આ સિવાય DAM કેપિટલનો ઈશ્યૂ 39 ટકા પ્રીમિયમે, સનાથન ટેક્સટાઈલ 29.64 ટકા, ટ્રાન્સરેલ લાઈટિંગ 35.45 ટકા અને કોનકર્ડ એન્વારો 18.69 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો હતો.