Get The App

સેન્સેક્સ 1961 પોઇન્ટ ઉછળતાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.32 લાખ કરોડનો વધારો

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
સેન્સેક્સ 1961 પોઇન્ટ ઉછળતાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.32 લાખ કરોડનો વધારો 1 - image


- અદાણી મામલે કડાકાના બીજા દિવસે સ્થિતિ તદ્દન વિપરિત

- નિફ્ટી 557 પોઇન્ટ ઉછળીને 23907 : વિદેશી રોકાણકારોની 1278 કરોડની વેચવાલી : અદાણીના શેરોમાં તેજી

- પાંચ માસનો સૌથી મોટો ઉછાળો 

અમદાવાદ : અદાણી કેસમાં ગઈ કાલે ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યા બાદ આજે આ કેસમાં હાલ તુરંત કોઈ પ્રતિકૂળ અસર થવાની શક્યતા ઓછી હોવાના અહેવાલો તેમજ મહારાષ્ટ્ર તેમજ ઝારખંડમાં પુન: ભાજપની આગેવાની હેઠળની સરકાર સત્તા પર આવવાના વર્તારા પાછળ નીચા મથાળે નીકળેલ નવી લેવાલી પાછળ આજે મુંબઈ શેરબજારમાં શેરોની જાતેજાતમાં સુધારો થવા સાથે સેન્સેક્સમાં છેલ્લા પાંચ માસનો સૌથી મોટો ૧૯૬૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. જેના પગલે રોકાણકારોની સંપત્તિ (બી.એસ.ઇ. માર્કેટ કેપ)માં ૭.૩૨ લાખ કરોડનો વધારો થયો હતો.

અમેરિકાની કોર્ટ દ્વારા અદાણી જૂથ સામે દાખલ કરાયેલ કેસને પરિણામે ગઈકાલે શેરબજારો તૂટયા બાદ આજે આ કેસ સંદર્ભમાં તાત્કાલિક કોઈ પ્રતિકૂળ અસર થવાની શક્યતા નહીં જણાતા ખેલાડીઓ ઓપરેટરો તેમજ રોકાણકારો દ્વારા નીચા મથાળે નવી લેવાલી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર તેમજ ઝારખંડની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર પુન: રચાવાના આશાવાદે બજારની તેજીને ટેકો સાંપડયો હતો તેમજ અમેરિકા ખાતે રોજગારીના ડેટા સારા આવતા વિદેશના બજારોમાં સુધારો નોંધાતા તેની અત્રે સાનુકૂળ અસર જોવાઈ હતી.

ઉપરોક્ત અહેવાલો પાછળ આજે નીચા મથાળે નીકળેલ નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઝડપથી આગળ વધ્યો હતો અને કામકાજના અંતે ૧૯૬૧.૩૨ પોઇન્ટ ઉછળીને ૭૯,૦૦૦ની સપાટી કૂદાવી ૭૯૧૧૭.૧૧ની સપાટીએ મજબૂત રહ્યો હતો. આજે ઇન્ટ્રા-ડે સેન્સેક્સ ૨૦૬૨ પોઇન્ટ ઉછળ્યો હતો જે અંતે ૧૯૬૧ પોઇન્ટ નીવડયો હતો. જ્યારે નિફ્ટી આજે ઇન્ટ્રા-ડે ૫૫૭.૩૫ પોઇન્ટ ઉછળીને ૨૩,૯૦૭.૨૫ની સપાટીએ બંધ આવ્યો હતો.

શેરબજારમાં નોંધાયેલ ઉછાળા વચ્ચે પણ આજે વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહી હતી આજે વિદેશી રોકાણકારોએ રૂ. ૧૨૭૮ કરોડની નેટ વેચવાલી હાથ ધરી હતી તેની સામે સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૧૭૨૨.૧૫ કરોડની નેટ લેવાલી હાથ ધરી હતી.

સેન્સેક્સના ઉછાળા પાછળ આજે રોકાણકારોની સંપત્તિ (બી.એસ.ઇ. માર્કેટ કેપ) ૭.૩૨ લાખ કરોડ વધીને ૪૩૨.૩૧ લાખ કરોડ પહોંચી હતી. આજે સેન્સેક્સના તમામ ૩૦ શેરોમાં ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત પસંદગીના લાર્જકેપ શેરોમાં પણ તેજી આગળ વધી હતી.

સેન્સેક્સના મોટા ઉછાળા

તારીખ

ઉછાળો (પોઇન્ટમાં)

૩ જૂન, ૨૦૨૪

૨૫૦૭

૭ એપ્રિલ, ૨૦૨૦

૨૪૭૬

૧ ફેબ્રુ., ૨૦૨૧

૨૩૧૪

૫ જૂન, ૨૦૨૪

૨૩૦૩

૧૮ મે, ૨૦૦૯

૨૧૧૨

૨૨ નવે., ૨૦૨૪

૧૯૬૧

૨૦ સપ્ટે. ૨૦૧૯

૧૯૨૧


Google NewsGoogle News