છેલ્લા બે દાયકામાં આયોજિત કુંભ મેળા સમયે સેન્સેક્સમાં હંમેશા ઘટાડો થયો
- સેન્સેક્સમાં 1015 અને નિફ્ટીમાં 345 પોઈન્ટનો ગાબડુ
- 2004 થી આયોજિત છેલ્લા છ કુંભ મેળામાં સેન્સેક્સનું સરેરાશ નુકસાન 3.42 ટકા રહ્યું
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજમાં મહાકુંભ શરૂ થઇ ગયો છે. જે ૨૬ ફેબુ્રઆરી સુધી ચાલશે. આજે પ્રથમ દિવસે લાખો શ્રદ્ધાળુઓએ ગંગામાં સ્નાન કર્યુ હતું. જો કે શેરબજારમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
ડોલર સામે રૂપિયાનો એકધારા પતન તેમજ વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલ ઉછળવા સાથેના અન્ય પ્રતિકુળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં આજથી શરૂ થયેલા નવા સપ્તાહમાં પણ નરમાઈની ચાલ વેગીલી બનતા આજે સેન્સેક્સમાં ૧૦૧૫ અને નિફ્ટીમાં ૩૪૫ પોઈન્ટનો ગાબડું નોંધાયું હતું. વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ વેચવાલીના દબાણે સપ્તાહના પ્રથમ દિવસે જ સેંસેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેંસેક્સ આજે ૧૦૪૮.૯૦ પોઇન્ટ (૧.૩૬ ટકા)ના ઘટાડા સાથે ૭૬૩૩૦.૦૧ સપાટી પર બંધ રહ્યો હતો. નિફ્ટી ૩૪૫.૫૫ (૧.૪૭ ટકા)ના ઘટાડા સાથે ૨૩૦૮૫.૯૫ સપાટી પર બંધ રહ્યો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોના ૧૨ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
બજારની ઐતિહાસિક પેટર્નથી જાણવા મળે છે કે આ વખતે ૪૫ દિવસ સુધી ચાલનારા કુંભ દરમિયાન સેંસેક્સમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. છેલ્લા બે દાયકાઓમાં આયોજિત કુંભ મેળા દરમિયાન સેંસેક્સે ક્યારેય પણ સકારાત્મક રિટર્ન આપ્યું નથી.
એક વિશ્લેષણ અનુસાર ૨૦૦૪થી આયોજિત છેલ્લા છ કુંભ મેળા દરમિયાન સેંસેક્સનું સરેરાશ નુકસાન ૩.૪૨ ટકા રહ્યું છે. આ દરમિયાન દરેક વખતે બજારમાં ઘટાડો નોંધાયો છે. કુંભ મેળા દરમિયાન સૌથી વધુ ઘટાડો ૧૪ જુલાઇથી ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ દરમિયાન જોવા મળ્યો હતો. નાસિકમાં થયેલા આ કુંભ દરમિયાન સેંસેક્સમાં ૮.૨૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આવી જ રીતે ૧ એપ્રિલથી ૧૯ એપ્રિલ, ૨૦૨૧ સુધી હરિદ્વારમાં આયોજિત છેલ્લા કુંભના ૧૮ દિવસ દરમિયાન સેંસેક્સમાં ૪.૧૬ ટકાનો ઘટાડો થયો હતો. ૫ એપ્રિલથી ૪ મે, ૨૦૦૪ સુધી ઉજ્જૈનમાં આયોજિત કુંભ દરમિયાન સેંસેક્સમાં ૩.૨૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.