Get The App

સેન્સેક્સ 242 પોઈન્ટ ઘટીને 67597

- નિફટી સ્પોટ ૫૯ પોઈન્ટ ઘટીને ૨૦૧૩૩ : FPI/FIIની કેશમાં રૂ.૧૨૩૬ કરોડની ચોખ્ખી વેચવાલી

- ચાઈનામાં પ્રોપર્ટી કટોકટીની ચિંતાએ હોંગકોંગમાં ચાઈનીઝ શેરોમાં કડાકા

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
સેન્સેક્સ 242 પોઈન્ટ ઘટીને 67597 1 - image


 આજે ગણેશ ચતુર્થીના શેરબજારો બંધ રહેશે

મુંબઈ : ચાઈનામાં ફરી પ્રોપર્ટી કટોકટી વકરી રહ્યાના અહેવાલો  વચ્ચે હોંગકોંગ શેર બજારોમાં ચાઈનીઝ કંપનીઓના શેરોમાં કડાકો  બોલાઈ ગયા સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં સતત વૃદ્વિએ  ફુગાવાની સ્થિતિ ફરી વૈશ્વિક અર્થતંત્ર માટે સમસ્યા બનવાના સંકેતો વચ્ચે આજે એશીયા, યુરોપના બજારોમાં ધોવાણની સાથે ભારતીય શેર બજારોમાં પીછેહઠ જોવાઈ  હતી. ફુગાવાની સ્થિતિને  લઈ  ચાલુ સપ્તાહમાં મળનારી યુ.એસ. ફેડરલ રિઝર્વ અને બેંક ઓફ જાપાનની મીટિંગમાં વ્યાજ દરમાં કેવા સંકેત મળે છે એના પર નજરે આજે ફંડો સાવચેત રહ્યા હતા. ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ સામે ફંડોની આઈટી-સોફટ્વેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, બેંકિંગ ફ્રન્ટલાઈન  શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૨૪૧.૭૯ પોઈન્ટ ઘટીને ૬૭૫૯૬.૮૪ અને નિફટી ૫૦ સ્પોટ  ઈન્ડેક્સ ૫૯.૦૫ પોઈન્ટ ઘટીને ૨૦૧૩૩.૩૦ બંધ રહ્યા હતા. આ  સાથે સેન્સેક્સમાં ૧૧ દિવસના સળંગ સુધારાને બ્રેક લાગી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે વ્યાપક  નફારૂપી વેચવાલી કરી હતી. ગણેશ ચતુર્થીના આજે-મંગળવારે ૧૯,સપ્ટેમ્બર ૨૦૨૩ના શેર બજારો બંધ રહેશે.

આઈટી ઈન્ડેક્સ ૨૬૧ પોઈન્ટ ઘટયો : એક્સિસકેડ્સ, બિરલાસોફ્ટ, ઝેનસાર, પર્સિસ્ટન્ટ, કેપીઆઈટી ગબડયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે મોટાપાયે વેચવાલી નીકળી હતી. એક્સિસકેડ્સ ટેકનો રૂ.૧૯.૫૫ તૂટીને રૂ.૫૨૦, બિરલાસોફ્ટ રૂ.૧૫.૫૦ તૂટીને રૂ.૪૮૮.૭૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૩૧.૪૦ તૂટીને રૂ.૧૧૩૯.૪૦,  ડાટામેટિક્સ ગ્લોબલ રૂ.૧૫.૪૦ ઘટીને રૂ.૫૮૦.૪૦, સિએન્ટ રૂ.૩૭.૭૫ ઘટીને રૂ.૧૬૭૪.૩૦, પર્સિસ્ટન્ટ રૂ.૧૧૮.૮૦ તૂટીને રૂ.૫૮૪૩.૯૦, બ્લેક બોક્સ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૯૨.૯૫, ક્વિક હિલ રૂ.૩.૨૫ ઘટીને રૂ.૨૨૨, ઈન્ફોસીસ રૂ.૨૦.૨૫ ઘટીને રૂ.૧૪૯૨, કોફોર્જ રૂ.૭૪.૬૫ ઘટીને રૂ.૫૫૩૮.૯૦, વિપ્રો રૂ.૪.૬૫ ઘટીને રૂ.૪૩૬.૪૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૬૧.૧૧ પોઈન્ટ ઘટીને ૩૩૨૦૭.૧૯ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ચાઈના પાછળ નરમાઈ : હિન્દાલ્કો, જિન્દાલ, નાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ ઘટયા

ચાઈનામાં પ્રોપર્ટી કટોકટી પાછળ ફરી અનિશ્ચિતતાના માહોલે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની  ઓવરબોટ પોઝિશન હળવી થવા લાગી હતી. હિન્દાલ્કો રૂ.૧૩.૪૫ ઘટીને રૂ.૪૮૪.૦૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૦.૧૦ ઘટીને રૂ.૭૦૧.૯૦, નાલ્કો રૂ.૧.૧૯ ઘટીને રૂ.૯૬.૦૭, ટાટા સ્ટીલ રૂ.૧.૬૦ ઘટીને રૂ.૧૩૦.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪.૭૦ ઘટીને રૂ.૮૦૭.૭૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૦૯.૫૭ પોઈન્ટ ઘટીને ૨૩૨૭૦.૬૧ બંધ રહ્યો હતો.

પીએસયુ બેંક શેરોમાં તેજી : આઈઓબી, યુકો બેંક વધ્યા : એચડીએફસી બેંક, કોટક, ફેડરલમાં વેચવાલી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે પીએસયુ બેંક શેરોમાં ફંડોની વ્યાપક તેજી રહી હતી. જ્યારે ખાનગી બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. આઈઓબી રૂ.૭.૦૫ ઉછળીને રૂ.૪૬.૫૫, યુકો બેંક રૂ.૬.૦૬ ઉછળીને રૂ.૪૬.૪૮, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૬૭ વધીને રૂ.૫૧.૭૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૫૫ વધીને રૂ.૬૦૩.૯૫ રહ્યા હતા. જ્યારે એચડીએફસી બેંક રૂ.૩૨.૮૫ ઘટીને રૂ.૧૬૨૯.૦૫, ફેડરલ બેંક રૂ.૨.૧૦ ઘટીને રૂ.૧૪૬.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૮.૪૫ ઘટીને રૂ.૧૭૯૭.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૩૩.૫૫ પોઈન્ટ ઘટીને ૫૧૬૧૧.૩૬ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સની ૩૧૨ પોઈન્ટની છલાંગ : મહિન્દ્રા રૂ.૪૨ વધીને રૂ.૧૬૪૩ : ટીવીએસ, બજાજ વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોની પસંદગીની મોટી ખરીદી રહી હતી. તહેવારોની  સીઝને વાહનોની ખરીદી વધવાની અપેક્ષાએ કંપનીઓની નફાશક્તિ વધવાના અંદાજોએ ફંડો લેવાલ રહ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૨.૩૫ વધીને રૂ.૧૬૪૩.૨૫, ટીવીએસ મોટર રૂ.૨૧.૨૫ વધીને રૂ.૧૫૨૩, હીરો મોટોકોર્પ રૂ.૪૧.૨૫ વધીને રૂ.૩૧૦૫, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૭.૩૫ વધીને રૂ.૩૩૪૨.૮૦, ટાટા મોટર્સ રૂ.૬.૪૫ વધીને રૂ.૬૪૦.૬૦, બજાજ ઓટો રૂ.૪૫.૦૫ વધીને રૂ.૫૧૭૭.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૧૧.૬૩ પોઈન્ટ વધીને ૩૭૪૭૨.૬૪ બંધ રહ્યો હતો.

રિલાયન્સ પ્રોફિટ બુકિંગે રૂ.૨૪ ઘટીને રૂ.૨૪૩૬ : ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ પણ ગબડયા

સેન્સેક્સ હેવીવેઈટ, ફ્રન્ટલાઈન શેરોમાં આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની નફારૂપી વેચવાલીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૪.૦૫ ઘટીને રૂ.૨૪૩૬, ભારતી એરટેલ રૂ.૧૬.૦૫ ઘટીને રૂ.૯૨૦.૪૦, અલ્ટ્રાટેક સિમેન્ટ રૂ.૧૧૮.૬૦ ઘટીને રૂ.૮૬૦૯.૧૦ રહ્યા હતા.

સ્મોલ કેપ, મિડ કેપ, રોકડાના શેરોમાં પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૧૪૩ શેરો નેગેટીવ બંધ

ફંડોએ આજે સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી તેજીને બ્રેક લગાવ્યા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૦૪  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૪૨ અને ઘટનારની સંખ્યા ૨૧૪૩ રહી હતી.

FPI/FIIની રૂ.૧૨૩૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની શેરોમાં રૂ.૫૫૨ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૧૨૩૬.૫૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૫૨૦.૩૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૭૫૬.૮૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૫૫૨.૫૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૦૯૭.૦૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૫૪૪.૫૩ કરોડની વેચવાલી થઈ હતી.

Sensex

Google NewsGoogle News