શેરોમાં સાર્વત્રિક ધબડકો : સેન્સેક્સ 821 પોઈન્ટ તૂટીને 78675 : સ્મોલ, મિડકેપમાં પેનીક સેલિંગ
- ટ્રમ્પની યોજના પાછળ ચાઈનીઝ શેરો, યુઆનમાં ધોવાણે વૈશ્વિક બજારો પાછળ નિફટી સ્પોટ ૨૫૮ પોઈન્ટ ખાબકી ૨૩૮૮૩
- ઓટો, પાવર, કન્ઝયુમર, બેંકિંગ શેરોમાં ધબડકો : FPIs/FIIની કેશમાં રૂ.૩૦૨૪ કરોડની વેચવાલી
મુંબઈ : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સત્તારૂઢ થતાં પૂર્વે ટ્રમ્પ દ્વારા નવા નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે માઈક વોલ્ટ્ઝની નિમણૂક માટે પસંદગી થતાં ચાઈના વિરૂધ્ધની ટ્રમ્પની નીતિ રહેવાના સંકેત અને ટેરિફ વોર પણ શરૂ થવાના એંધાણે આજે ચાઈનાના શાંઘાઈ શેર બજારમાં કડાકા અને યુઆન પણ તૂટતાં વૈશ્વિક બજારોમાં ધોવાણ થયું હતું. ભારતીય શેર બજારોમાં પણ આજે શેરોમાં ઓલ રાઉન્ડ ફંડોએ સેલીંગ કરતાં જોતજોતામાં અનેક શેરોના ભાવો સાથે સેન્સેક્સ, નિફટીમાં કડાકો બોલાઈ ગયો હતો. ટ્રમ્પ ભારત પર પણ આંકરા ટેરિફ લાગુ કરશે એવી આશંકાએ મહારથીઓ, ફંડોએ ઘણા શેરોમાં તેજીનો વેપાર ખંખેરી લીધો હતો. આઈટી શેરોમાં સિલેક્ટિવ મજબૂતી સિવાય ઓટોમોબાઈલ, બેંકિંગ, પાવર શેરોમાં હેમરિંગ થતાં સેન્સેક્સ એક તબક્કે ૯૪૮.૩૧ પોઈન્ટના કડાકે નીચામાં ૭૮૫૪૭.૮૪ સુધી આવી જઈ અંતે ૮૨૦.૯૭ પોઈન્ટ તૂટીને ૭૮૬૭૫.૧૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ એક તબક્કે ૩૦૨.૧૫ પોઈન્ટના કડાકે નીચામાં ૨૩૮૩૯.૧૫ સુધી આવી અંતે ૨૫૭.૮૫ પોઈન્ટ ગબડીને ૨૩૮૮૩.૪૫ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સમાં ૧૪૮૦ પોઈન્ટનું ગાબડું : ફિનોલેક્ષ રૂ.૬૦, હિન્દ એરોનોટિક્સ રૂ.૨૦૪ તૂટયા
કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ મોટાપાયે હેમરીંગ કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૪૮૦.૦૭ પોઈન્ટ તૂટીને ૬૭૭૬૭.૫૩ બંધ રહ્યો હતો. ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૫૯.૫૫ તૂટીને રૂ.૧૧૪૬.૧૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૦૩.૮૦ તૂટીને રૂ.૪૨૪૦.૩૫, સુઝલોન રૂ.૨.૭૬ તૂટીને રૂ.૫૯.૩૯, વેલકોર્પ રૂ.૩૧ તૂટીને રૂ.૭૩૪.૪૦, ભારત ફોર્જ રૂ.૫૪.૫૫ તૂટીને રૂ.૧૩૪૨, ભેલ રૂ.૯.૦૫ તૂટીને રૂ.૨૩૦.૧૫, એબીબી ઈન્ડિયા રૂ.૨૭૨.૮૦ તૂટીને રૂ.૬૯૬૧.૨૫, સિમેન્સ રૂ.૨૫૧.૧૦ તૂટીને રૂ.૬૭૯૬.૪૦, પોલીકેબ રૂ.૨૦૩.૧૫ તૂટીને રૂ.૬૪૯૯.૫૦, ટીટીગ્રહ વેગન રૂ.૩૫.૯૦ તૂટીને રૂ.૧૧૪૮.૫૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૩૬.૮૦ ઘટીને રૂ.૩૫૯૦.૫૫ રહ્યા હતા.
બોશ રૂ.૧૫૭૧, કમિન્સ રૂ.૧૨૬, ટાટા મોટર્સ રૂ.૨૦, મારૂતી રૂ.૨૫૯, બજાજ ઓટો રૂ.૨૨૫ તૂટયા
ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ આજે નવેસરથી મોટાપાયે વેચવાલી કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૪૬.૯૬ પોઈન્ટ ગબડીને ૫૨૬૩૦.૩૯ બંધ રહ્યો હતો. મધરસન સુમી રૂ.૮.૫૫ તૂટીને રૂ.૧૬૬.૨૦, બોશ રૂ.૧૫૭૧.૩૦ તૂટીને રૂ.૩૩,૩૯૪, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૨૬ તૂટીને રૂ.૩૪૭૪.૮૦, ટાટા મોટર્સ રૂ.૧૯.૮૦ તૂટીને રૂ.૭૮૪.૯૫, અપોલો ટાયર્સ રૂ.૧૧.૭૫ તૂટીને રૂ.૪૭૧.૪૦, મારૂતી સુઝુકી રૂ.૨૫૯.૩૫ તૂટીને રૂ.૧૧,૧૪૫.૬૦, બજાજ ઓટો રૂ.૨૨૫.૧૫ તૂટીને રૂ.૯૬૮૯.૦૫, એમઆરએફ રૂ.૨૧૨૫.૧૫ તૂટીને રૂ.૧,૨૦,૮૯૫.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૪.૮૫ તૂટીને રૂ.૨૮૯૫.૩૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૩.૨૫ તૂટીને રૂ.૨૭૩૧, આઈશર મોટર્સ રૂ.૬૦.૬૫ તૂટીને રૂ.૪૭૨૮.૧૫ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધોવાણ : વોલ્ટાસ રૂ.૫૬, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૯૮, હવેલ્સ રૂ.૩૫ તૂટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો વેચવાલ રહેતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૫૮.૬૯ પોઈન્ટ તૂટીને ૬૦૬૭૨.૫૫ બંધ રહ્યો હતો. વોલ્ટાસ રૂ.૫૬.૩૫ તૂટીને રૂ.૧૬૯૬.૫૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૯૮.૪૫ તૂટીને રૂ.૧૪,૯૮૫, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૬.૪૫ ઘટીને રૂ.૨૪૬.૧૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૩૮.૪૦ ઘટીને રૂ.૧૬૦૪.૧૫, બ્લુ સ્ટાર રૂ.૩૫.૨૦ ઘટીને રૂ.૧૭૬૦.૪૦ રહ્યા હતા.
એચડીએફસી બેંક રૂ.૪૮ તૂટી રૂ.૧૭૧૮ : સ્ટેટ બેંક રૂ.૨૧ તૂટી રૂ.૮૨૬ : બેંકેક્સ ૮૫૬ પોઈન્ટ તૂટયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ મોટું પ્રોફિટ બુકિંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૮૫૫.૯૯ પોઈન્ટ તૂટીને ૫૮૩૨૮.૧૧ બંધ રહ્યો હતો. એચડીએફસી બેંક રૂ.૪૮.૨૫ તૂટીને રૂ.૧૭૧૮.૩૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૧.૪૦ તૂટીને રૂ.૮૨૬.૪૦, કેનેરા બેંક રૂ.૨.૪૫ ઘટીને રૂ.૧૦૧.૪૫, બેંક ઓફ બરોડા રૂ.૫.૮૦ ઘટીને રૂ.૨૫૨.૫૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૪ ઘટીને રૂ.૧૭૨૦.૪૫, એક્સિસ બેંક રૂ.૧૨.૨૦ ઘટીને રૂ.૧૧૫૮.૫૦ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ : ગ્લોબસ સ્પિરીટ રૂ.૧૩૭ તૂટયો : બજાજ કન્ઝયુમર, બ્રિટાનીયા ગબડયા
એફએમસીજી શેરોમાં પણ આજે ફંડોએ પ્રોફિટ બુકિંગ વધારતાં બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૩૪૦.૪૯ પોઈન્ટ ગબડીને ૨૦૮૭૬.૩૮ બંધ રહ્યો હતો. ગ્લોબસ સ્પિરીટ રૂ.૧૩૬.૬૫ તૂટીને રૂ.૯૩૧.૮૦, બજાજ કન્ઝયુમર રૂ.૧૮.૨૦ તૂટીને રૂ.૨૦૪.૮૦, જયોતી લેબ રૂ.૩૫.૭૦ તૂટીને રૂ.૪૪૧.૬૫, બ્રિટાનીયા રૂ.૩૯૭.૦૫ તૂટીને રૂ.૫૦૨૮.૨૫, ગોપાલ સ્નેક્સ રૂ.૨૮.૨૦ તૂટીને રૂ.૪૫૨, એટીએફએલ રૂ.૫૬.૫૦ તૂટીને રૂ.૧૦૨૫, દાલમિયા સુગર રૂ.૨૨.૬૦ તૂટીને રૂ.૪૨૭.૯૦, એડીએફ ફૂડ્સ રૂ.૧૧.૧૫ તૂટીને રૂ.૨૮૩.૦૫, ગોદરેજ કન્ઝયુમર રૂ.૪૪.૭૫ ઘટીને રૂ.૧૧૭૬.૨૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૯.૬૫ ઘટીને રૂ.૩૬૮૮ રહ્યા હતા.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૫.૩૦ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૩૭.૨૪ લાખ કરોડ
સેન્સેકસ, નિફટીમાં કડાકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધૂમ વેચવાલી ચાલુ રહી આજે વ્યાપક પેનિક સેલિંગ આવતાં ઘણા શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે એક દિવસમાં રૂ.૫.૩૦ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૪૩૭.૨૪ લાખ કરોડ રહ્યું હતું.
પેનીક સેલિંગે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઓછા વોલ્યુમે ગાબડાં : ૨૭૯૧ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટીમાં કડાકો બોલાઈ જવા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના અનેક શેરોમાં આજે પેનીક સેલિંગ શરૂ થતાં સામે ખરીદદાર નહિંવત રહેલા અનેક શેરોના ભાવો ઓછા વોલ્યુમે તૂટતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૩૭થી વધીને ૨૭૯૧ અને વધનારની સંખ્યા ૧૪૮૮થી ઘટીને ૧૧૮૧ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૩૦૨૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૮૫૪ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૩૦૨૪.૩૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૫૪૨.૭૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૫૬૭.૦૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૮૫૪.૪૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૦,૩૩૦.૨૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૪૭૫.૮૨ કરોડની વેચવાલી થઈ હતી.
હેંગસેંગ ૫૮૦, ચાઈનાનો સીએસઆઈ ઈન્ડેક્સ ૪૫ પોઈન્ટ તૂટયા : યુરોપના બજારોમાં મોટું ધોવાણ
અમેરિકામાં ટ્રમ્પ સરકારની સંભવિત ચાઈના વિરૂધ્ધ નીતિની અટકળોએ આજે ચાઈનાના શાંઘાઈ શેર બજારમાં કડાકા સાથે સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧.૧૦ ટકા એટલે કે ૪૫.૩૯ પોઈન્ટ ઘટીને ૪૦૮૫.૭૪ રહ્યો હતો. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૧૫૭ પોઈન્ટનો ઘટાડો અને હોંગકોંગનો હેંગસેંગ ૫૮૦ પોઈન્ટ ઘટયા હતા. યુરોપના બજારોમાં પણ સાંજે ચાલુ બજારે ધોવાણ થતું રહી જર્મનીનો ડેક્ષ ૧૯૪ પોઈન્ટનો ઘટાડો, લંડનનો ફુત્સી ૭૫ પોઈન્ટનો ઘટાડો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૯૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.