શેરબજાર સળંગ ત્રીજા દિવસે કડડભૂસ, રોકાણકારોએ 11 લાખ કરોડ ગુમાવ્યા
Stock Market Today: શેરબજાર સળંગ ત્રીજા દિવસે કડડભૂસ થયા છે. સેન્સેક્સ આજે વધુ 77099.55ની લો સપાટી નોંધાવાની સાથે આ સપ્તાહમાં 2973.44 પોઈન્ટ તૂટ્યો છે. નિફ્ટીએ પણ 23500નું લેવલ તોડ્યું છે. PSU અને પાવર સેગમેન્ટના શેર્સમાં વેચવાલીનું પ્રેશર વધ્યું છે. પરિણામે રોકાણકારોએ છેલ્લા ત્રણ દિવસમાં રૂ. 11 લાખ કરોડ ગુમાવ્યા છે.
301 શેરમાં લોઅર સર્કિટ
શેરબજારમાં સાર્વત્રિક ઘટાડાના માહોલ વચ્ચે 301 શેરમાં લોઅર સર્કિટ વાગી છે. જ્યારે 220 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3748 શેર પૈકી 3027 શેર તૂટ્યા છે. જ્યારે માત્ર 599 શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 10.45 વાગ્યે સેન્સેક્સ પોઈન્ટ 223.03 તૂટી 77399.59 પર અને નિફ્ટી 94.15 પોઈન્ટ તૂટી 23432.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
TCSના રિઝલ્ટ બાદ આઈટી શેર્સમાં તેજી
દેશની ટોચની આઈટી કંપનીએ ત્રીજા ત્રિમાસિકમાં આકર્ષક પ્રદર્શન નોંધાવતાં આઈટી સેક્ટરનો ગ્રોથ પોઝિટિવ રહેવાની શક્યતાઓ વધી છે. પરિણામે ઈન્ડેક્સ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં ટીસીએસ 5 ટકા સુધી ઉછાળા સાથે ટોપ ગેનર રહ્યો છે. આ સિવાય ટેક મહિન્દ્રા 2.54 ટકા, ઈન્ફોસિસ 1.17 ટકા, એચસીએલ ટેક 1.11 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. ટીસીએસએ ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 12380 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 11058 કરોડ સામે 12 ટકા વધ્યો છે. આવક પણ 6 ટકા વધી રૂ. 63973 કરોડ નોંધાઈ છે. કંપનીએ રોકાણકારોને શેરદીઠ રૂ. 66 પેટે વચગાળાનું ત્રીજુ ડિવિડન્ડ આપવાની જાહેરાત પણ કરી છે. જેની રેકોર્ડ તારીખ 17 જાન્યુઆરી છે.
સેક્ટરોલ ઈન્ડેક્સમાં હેલ્થકેર 1.49 ટકા, ઓટો 1.09 ટકા, કેપિટલ ગુડ્સ 1.32 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.28 ટકા, પાવર 2.07 ટકા, રિયાલ્ટી 1.38 ટકા ઘટાડે કારોબાર થઈ રહ્યા છે. જ્યારે આઈટી ઈન્ડેક્સ 2 ટકા અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.44 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.