શેરોમાં ધબડકો : સેન્સેક્સ 633 પોઈન્ટના કડાકા બાદ અંતે 286 ઘટીને 65226

- નિફટી ૯૩ પોઈન્ટ તૂટીને ૧૯૪૩૬ : બેંકિંગ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં

- હવે અમેરિકામાં સંકટ : અમેરિકી બોન્ડ યીલ્ડ ૧૬ વર્ષની ટોચે : FIIની રૂ.૪૪૨૪ કરોડની વેચવાલી

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
શેરોમાં ધબડકો : સેન્સેક્સ 633 પોઈન્ટના કડાકા બાદ અંતે 286 ઘટીને 65226 1 - image


મુંબઈ : અમેરિકામાં હાઉસ સ્પિકર કેવિન મેકેર્થિની એક્ઝિટ અને રોજગારીમાં મજબૂત વૃદ્વિના આંકડા અને અમેરિકી ડોલરની સતત મજબૂતી સાથે અમેરિકી બોન્ડ યીલ્ડ વધતાં રહી ૧૬ વર્ષની ટોચે પહોંચવાના અને ફુગાવામાં ફરી વૃદ્વિના સંકેતે વ્યાજ દરો વધવાની સંભાવના વચ્ચે ફરી વૈશ્વિક આર્થિક સંકટના એંધાણે  આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં સાર્વત્રિક ગાબડાં  પડયા હતા. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક સાથે ખાનગી બેંક શેરોમાં  કડાકો બોલાતાં અને મેટલ-માઈનીંગ શેરો તેમ જ ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ મોટું  હેમરિંગ કરતાં સેન્સેક્સ એક તબક્કે ૬૩૩.૩૩ પોઈન્ટના  કડાકે નીચામાં ૬૪૮૭૮.૭૭ સુધી ખાબક્યા બાદ એચડીએફસી બેંક તેમ જ એફએમસીજી હેવીવેઈટ નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં લેવાલીએ ઘટાડો પચાવતો જઈ અંતે ૨૮૬.૦૬ પોઈન્ટ ઘટીને ૬૫૨૨૬.૦૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ ૧૯૫.૧૫  પોઈન્ટના કડાકે નીચામાં ૧૯૩૩૩.૬૦  સુધી આવી અંતે ૯૨.૬૫ પોઈન્ટ ઘટીને ૧૯૪૩૬.૧૦ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ધોવાણે બેંકેક્સ ૬૬૬ તૂટયો 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ વૈશ્વિક મોટા આર્થિક સંકટના એંધાણ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગ શરૂ થઈ હોઈ આ વખતે  વ્યાજ દર યથાવત રહેવાની પૂરી શકયતા છતાં  આગામી દિવસોમાં ફુગાવાની સ્થિતિએ વ્યાજ દર વધારાનો સંકેત મળવાની ધારણાએ ફંડોની આજે મોટાપાયે વેચવાલી થઈ હતી. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૬૫.૬૭ પોઈન્ટ ગબડીને ૪૯૩૪૨.૧૦ બંધ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૪૫.૬૦ તૂટીને રૂ.૯૯૪.૪૦, કેનેરા બેંક રૂ.૧૧.૩૫ તૂટીને રૂ.૩૭૩.૧૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૭ તૂટીને રૂ.૫૮૫.૯૫ રહ્યા હતા. 

ઓટો શેરોમાં સતત ઓફલોડિંગ 

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે સતત બીજા દિવસે ફંડોએ મોટાપાયે નફારૂપી વેચવાલી કરતાં બીએસઈ ઓટો ૩૯૫.૬૬ પોઈન્ટ તૂટીને ૩૫૭૮૮.૪૭ બંધ રહ્યો હતો. મધરસન સુમી રૂ.૩.૦૨ ઘટીને રૂ.૯૨.૭૫, અશોક લેલેન્ડ રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૭૩.૦૫, ટીવીએસ મોટર રૂ.૩૩.૪૦ ઘટીને રૂ.૧૪૯૬.૫૫, બજાજ ઓટો રૂ.૯૭.૭૦ ઘટીને રૂ.૪૯૦૮, મારૂતી સુઝુકીને આઈટીની રૂ.૨૧૦૦ કરોડની નોટીસ મળ્યાના અહેવાલે શેર સતત બીજા દિવસે વેચવાલીએ રૂ.૧૯૬.૫૦ ઘટીને રૂ.૧૦,૧૪૪.૪૦, એમઆરએફ રૂ.૧૨૨૩.૭૦ તૂટીને રૂ.૧,૦૬,૯૩૭, ટાટા મોટર્સ રૂ.૬.૮૦ ઘટીને રૂ.૬૧૩.૫૦ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૩૯ પોઈન્ટ તૂટયો 

કેપિટલ ગુડઝ શેરોમાં  ફંડોએ આજે મોટું ઓફલોડિંગ કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૩૯.૧૧ પોઈન્ટ તૂટીને ૪૭૫૭૦.૦૧ બંધ રહ્યો હતો. પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮.૯૫ તૂટીને રૂ.૫૭૯.૭૫, સીજી પાવર રૂ.૧૩.૨૦ તૂટીને રૂ.૪૩૧.૪૦, ભેલ રૂ.૩.૫૫ ઘટીને રૂ.૧૨૭.૫૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૨.૭૫ ઘટીને રૂ.૫૦૨.૧૫  રહ્યા હતા.

DIIની શેરોમાં રૂ.૧૭૬૯ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં જંગી રૂ.૪૪૨૪.૦૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૮૪૮.૫૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૨૭૨.૫૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૭૬૯.૪૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૦,૦૫૦.૦૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૨૮૦.૫૯ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની  સંપતિ રૂ.૨.૫૫ લાખ કરોડ ઘટી

શેરોમાં આજે વ્યાપક ગાબડાં પડતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૫૫ લાખ કરોડ ઘટીને રૂ.૩૧૬.૬૬ લાખ કરોડ રહી ગયું છે.

એશીયાના બજારોમાં ગાબડાં 

વૈશ્વિક બજારોમાં અમેરિકાની કટોકટીની અસરે ગાબડાં પડતાં જોવાયા હતા. એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૭૧૧.૦૬ પોઈન્ટ તૂટીને ૩૦૫૨૬.૬૬, હોંગકોંગનો હેંગસેંગ ૧૩૫.૩૬ પોઈન્ટ તૂટીને ૧૭૧૯૫.૮૪, ચાઈનાનો સીએસઆઈ ૧૧ પોઈન્ટ ઘટીને ૩૬૮૯ રહ્યા હતા. યુરોપના બજારોમાં સાધારણ રિકવરી રહી હતી.

Sensex

Google NewsGoogle News