રિલાયન્સ પાછળ પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 82201

- નિફટી સ્પોટ ૫૪ પોઈન્ટ ઘટીને ૨૫૧૪૫ : સ્મોલ, મિડ કેપ, આઈટી, ફાર્મા, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી

- ફોરેન ફંડોની ખરીદી અટકી : DIIની રૂ.૨૯૭૧ કરોડની ખરીદી

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
રિલાયન્સ પાછળ પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 82201 1 - image


મુંબઈ : અમેરિકાના આર્થિક આંકડા પૂર્વે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે ઈન્ડેક્સ બેઝડ ફોરેન ફંડોએ તેજીના નવા વેપારથી દૂર રહી ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું વલણ અપનાવ્યું હતું. વૈશ્વિક મોરચે ઈઝરાયેલ, રશીયા યુદ્વના મોરચેથી પીછેહઠ કરવા તૈયાર હોવાના મળી રહેલા પોઝિટીવ સંકેત સામે ચાઈનાના આંકડા એકંદર નબળા આવી રહ્યા હોવા સાથે ક્રુડ ઓઈલના  આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો ડિફલેશનનો સંકેત આપવા લાગ્યા હોઈ તેજીના વેપારમાં ઉંચા મથાળે સાવચેતી જોવાઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ૧:૧ શેર બોનસ ઈસ્યુને બોર્ડની મંજૂરી વચ્ચે આજે પ્રોફિટ બુકિંગ થતાં અને ટાટા મોટર્સ, ભારતી એરટેલ, લાર્સન સહિતના ફ્રન્ટલાઈન શેરોમાં નરમાઈએ સેન્સેક્સ, નિફટી સતત નેગેટીવ ઝોનમાં રહ્યા હતા. ઓટો, કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૧૫૧.૪૮ પોઈન્ટ ઘટીને ૮૨૨૦૧.૧૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૫૩.૬૦ પોઈન્ટ ઘટીને ૨૫૧૪૫.૧૦ બંધ રહ્યા હતા. જો કે આઈટી, કન્ઝયુમર ડયુરેબલ્સ ફ્રન્ટલાઈન શેરો, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું ખરીદીનું આકર્ષણ રહ્યું હતું.

ટાઈટન રૂ.૧૧૨ ઉછળી રૂ.૩૭૨૧ : વીઆઈપી રૂ.૨૩ વધીને રૂ.૫૧૪ : કન્ઝયુમર ઈન્ડેક્સ ૫૨૪ ઉછળ્યો

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના ફ્રન્ટલાઈન શેરોમાં આજે સતત લેવાલી રહી હતી. વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૨.૭૫ વધીને રૂ.૫૧૩.૬૫, ટાઈટન કંપની રૂ.૧૧૨.૪૦ ઉછળી રૂ.૩૭૨૧.૪૦, આદિત્ય બિરલા ફેશન રૂ.૪.૨૦ વધીને રૂ.૩૧૫, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૩.૨૫ વધીને રૂ.૨૯૬.૫૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૭.૩૫ વધીને રૂ.૨૨૩૫.૯૫, વોલ્ટાસ રૂ.૪.૯૦ વધીને રૂ.૧૭૮૪.૮૦ રહ્યા હતા. જ્યારે ડિક્સન ટેકનોલોજી રૂ.૩૬૨.૨૫ ઘટીને રૂ.૧૨,૪૧૪.૪૦ રહ્યો હતો. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૨૩.૯૮ પોઈન્ટ વધીને ૬૪૩૯૬.૦૧ બંધ રહ્યો હતો.

રિલાયન્સમાં ૧:૧ શેર બોનસને બોર્ડની મંજૂરી : શેર રૂ.૪૩ ઘટીને રૂ.૨૯૮૭ : ઓઈલ ઈન્ડિયા ઘટયો

ઓઈલ-ગેસ શેરોમાં આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા શેરધારકોને એક શેર દીઠ એક શેર બોનસ ઈસ્યુ કરવાને મંજૂરી આપવામાં આવ્યાના ડેવલપમેન્ટ વચ્ચે પ્રોફિટ બુકિંગે શેર રૂ.૪૨.૬૫ ઘટીને રૂ.૨૯૮૭.૧૫ રહ્યો હતો. ઓઈલ ઈન્ડિયા રૂ.૨૭.૪૦ ઘટીને રૂ.૬૫૪.૯૫, અદાણી ટોટલ ગેસ રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૮૪૩.૮૦, ઓએનજીસી રૂ.૨.૯૦ ઘટીને રૂ.૩૧૧.૪૫ રહ્યા હતા. જ્યારે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડા વચ્ચે ઓઈલ માર્કેટીંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. આઈઓસી રૂ.૪.૧૫ વધીને રૂ.૧૮૧.૨૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૭.૭૫ વધીને રૂ.૫૫૬.૫૫, એચપીસીએલ રૂ.૪.૪૫ વધીને રૂ.૪૪૮.૯૫, બીપીસીએલ રૂ.૩.૫૦  વધીને રૂ.૩૬૦.૭૦ રહ્યા હતા. 

૬૩ મૂન્સ ટેકનો રૂ.૧૯ ઉછળી રૂ.૩૯૭ : નેલ્કો રૂ.૪૯ ઉછળી રૂ.૧૨૮૫ : ક્વિક હિલ, કોફોર્જ, ન્યુજેનમાં તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે આકર્ષણ રહ્યું હતું. એનએસઈએલ ઈન્વેસ્ટર્સ ફોર્મ તરફથી કંપની અને એનએસઈએલ ટ્રેડરો સાથે વન-ટાઈમ સેટલમેન્ટ પર અને વિચારણા કરી રહ્યાની જાણ કંપનીને મળ્યાનું ૬૩ મૂન્સ ટેકનોલોજીસે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવતાં શેરમાં સતત બીજા દિવસે ખરીદીએ રૂ.૧૮.૮૫ ઉછળી રૂ.૩૯૬.૭૫ રહ્યો હતો. આ સાથે નેલ્કો રૂ.૪૮.૯૦ ઉછળી રૂ.૧૨૮૫, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૨૬.૪૦ વધીને રૂ.૭૩૧.૦૫, કોફોર્જ રૂ.૨૧૧.૩૫ વધીને રૂ.૬૫૪૨.૩૦, ઈન્ફોબિન્સ રૂ.૧૨.૨૫ વધીને રૂ.૪૫૦.૯૦, ન્યુજેન સોફટવેર રૂ.૨૮.૫૦ વધીને રૂ.૧૦૮૨.૪૦, ટાટા ટેકનોલોજી રૂ.૧૮.૫૦ વધીને રૂ.૧૦૭૫.૧૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૮૪.૮૯ પોઈન્ટ વધીને ૪૩૩૦૦.૯૮ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ, ભેલ, રેલ વિકાસ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, લક્ષ્મી મશીન ઘટયા

કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ નફારૂપી વેચવાલી ચાલુ રાખી હતી. ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૮.૩૦ ઘટીને રૂ.૨૯૦.૬૦, ભેલ રૂ.૫.૨૦ ઘટીને રૂ.૨૭૩.૫૫, રેલ વિકાસ રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૫૮૧.૬૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૭૦.૯૦ ઘટીને રૂ.૪૭૯૨.૨૦, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૨૩૧.૧૦ ઘટીને રૂ.૧૬,૦૧૬.૮૦, સિમેન્સ રૂ.૭૩.૮૫ ઘટીને રૂ.૬૬૮૮.૫૦, હનીવેલ ઓટોમેશન રૂ.૫૪૦.૭૦ ઘટીને રૂ.૪૯,૭૬૯.૧૦, પોલીકેબ રૂ.૫૭.૯૦ ઘટીને રૂ.૬૬૫૮.૮૦, ટીમકેન રૂ.૩૧.૭૫ ઘટીને રૂ.૩૮૦૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૨૯.૨૦ ઘટીને રૂ.૩૬૨૩.૩૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૪૪.૭૦ પોઈન્ટ ઘટીને ૭૨૩૭૫.૫૧ બંધ રહ્યો હતો. અલબત શેફલર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨૯.૫૦ વધીને રૂ.૩૯૫૭.૧૫, સુઝલોન એનજીૅ રૂ.૧.૮૨ વધીને રૂ.૭૬, જીએમઆર એરપોર્ટ રૂ.૨.૫૦ વધીને રૂ.૯૫.૮૫ રહ્યા હતા.

ટાટા મોટર્સ રૂ.૧૨ ઘટીને રૂ.૧૦૬૮ : ટીઆઈ ઈન્ડિયારૂ.૬૧, બજાજ ઓટો રૂ.૧૨૨ ગબડયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. ટીઆઈ ઈન્ડિયા રૂ.૬૧.૨૦ ઘટીને રૂ.૪૦૬૧.૬૦, બજાજ ઓટો રૂ.૧૨૧.૯૫ ઘટીને રૂ.૧૦,૮૪૬.૫૫, ટાટા મોટર્સ રૂ.૧૧.૬૫ ઘટીને રૂ.૧૦૬૮.૬૫, આઈશર મોટર્સ રૂ.૩૫.૯૦ ઘટીને રૂ.૪૮૦૩.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૮.૪૫ ઘટીને રૂ.૨૭૩૦.૧૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૨૫.૦૫ ઘટીને રૂ.૩૮૪૨.૯૦, મારૂતી સુઝુકી રૂ.૪૧ ઘટીને રૂ.૧૨,૨૯૪.૭૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી આકર્ષણે માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૨૪૯ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફરી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ઘટાડે મોટી ખરીદી નીકળતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૩૨થી વધીને ૨૨૪૯ અને ઘટનારની સંખ્યા ૨૦૧૯થી ઘટીને ૧૬૭૯ રહી હતી.

DIIની રૂ.૨૯૭૧ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૬૮૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશમાં શેરોમાં રૂ.૬૮૮.૬૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૭,૪૪૬.૮૭  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૧૩૫.૫૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૯૭૦.૭૪ કરોડની ચોખ્ખી ખરીદી  થઈ હતી. કુલ રૂ.૧૪,૮૦૩.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૮૩૨.૪૪ કરોડની વેચવાલી થઈ હતી.

Sensex

Google NewsGoogle News