શેરબજારમાં બે દિવસની તેજીને બ્રેક, આઈટી-ટેક્નો શેર્સમાં પ્રોફિટ બુકિંગ, ડોલર સામે રૂપિયો ગગડ્યો
Stock Market Today: શેરબજારમાં આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં સળંગ બે દિવસની રેલીને બ્રેક વાગતાં સેન્સેક્સ અને નિફ્ટી આજે ઘટ્યા છે. સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ અને નિફ્ટી પણ 24000ની સપાટી ગુમાવવાની તૈયારીમાં છે.
વૈશ્વિક શેરબજારમાં પણ રોકાણકારો હજુ ન્યૂ યર મૂડમાં જોવા મળ્યા છે. ચીનની સેન્ટ્રલ બેન્કે પણ વ્યાજના દરોમાં ઘટાડાનો સંકેત આપતાં એશિયન બજારો રેડ ઝોનમાં ખૂલ્યા છે. જેની અસર પણ ભારતીય શેરબજાર પર જોવા મળી છે. ખાનગી બેન્કો અને આઈટી-ટેક્નોલોજી શેર્સમાં આજે પ્રોફિટ બુકિંગ નોંધાતા ઈન્ડેક્સ 1 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
સ્મોલકેપ શેર્સમાં ખરીદી વધી
સ્મોલકેપ શેર્સમાં આજે આકર્ષક ખરીદી જોવા મળી છે. 12 ડિસેમ્બરે સ્મોલકેપ ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ થયા બાદ સતત ઘટ્યો હતો. જો કે, કરેક્શનનો માહોલ હવે ખતમ થતો જોવા મળી રહ્યો છે. આજે ઈન્ડેક્સ 300 પોઈન્ટથી વધુના ઉછાળે કારોબાર થઈ રહ્યો છે. મીડકેપ ઈન્ડેક્સ 0.15 ટકા સુધારે ટ્રેડ છે. બીજી તરફ સેન્સેક્સ 10.30 વાગ્યે 514.41 પોઈન્ટ તૂટી 79429.30 પર અને નિફ્ટી 146.80 પોઈન્ટ ઘટી 24041.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
રૂપિયો ગગડ્યો
ડોલર સામે રૂપિયો આજે વધુ 5 પૈસા તૂટી 85.80 પર ખૂલ્યો હતો. આ સાથે છેલ્લા એક સપ્તાહમાં રૂપિયો ડોલર સામે 0.28 ટકા તૂટ્યો છે. ગઈકાલે રેકોર્ડ તળિયે 85.75 પર બંધ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ સતત મજબૂત બની રહ્યો છે. જેની સામે રૂપિયો છેલ્લા ઘણા સમયથી રોજ નવું રેકોર્ડ તળિયું નોંધાવી રહ્યું છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ તેમજ ફેડના વ્યાજદર મુદ્દે નિવેદન બાદ ડોલરની માગ સતત વધી છે.