Get The App

સેન્સેક્સ 75000ને પાર : સોનું ઊછળી 74200 અને ચાંદી 82000એ પહોંચી

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
સેન્સેક્સ 75000ને પાર : સોનું ઊછળી 74200 અને ચાંદી 82000એ પહોંચી 1 - image


- નિફ્ટી ઇન્ટ્રાડે 22768ની  વિક્રમી સપાટીને સ્પર્શી અંતે 23 પોઇન્ટ તુટી 22643

- લાર્જકેપ શેરોમાં નફારૂપી વેચવાલીના દબાણે સેન્સેક્સ 75124ની ઓલટાઈમ હાઈથી 440 પોઇન્ટ તુટયો

અમદાવાદ : ચૈત્રી નવરાત્રીના આજના પ્રથમ દિવસે મુંબઇ શેરબજાર ખાતે એક નવો ઇતિહાસ રચાયો હતો. સામાન્ય ચૂંટણીમાં સ્થિર સરકાર રચાવાની પ્રબળ આશા તેમજ આગામી કોર્પોરેટ પરિણામોની સિઝન અપેક્ષાથી સારી રહેવાના અહેવાલો પાછળ આજે મુંબઇ શેરબજારનો સેન્સેક્સ ઇતિહાસમાં પ્રથમ વખત ૭૫૦૦૦ની સપાટી કુદાવી ગયો હતો. જો કે, ઊંચા મથાળે લાર્જકેપ શેરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ આવતા તેમાં ઝડપી પીછેહઠ થવા સાથે કામકાજના અંતે બજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. બીજી તરફ વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓમાં ઉદ્ભવેલ તેજી પાછળ આજે અમદાવાદ સોનાએ રૂ. ૭૪૦૦૦ અને ચાંદીએ રૂ. ૮૨,૦૦૦ની સપાટી હાંસલ કરી હતી.

વૈશ્વિક મોરચે ઇઝરાયલ ગાઝા યુદ્ધમાં વિરામના અહેવાલો સહિતના અન્ય સાનુકુળ અહેવાલો પાછળ આજે સ્થાનિક ફંડોની તેમજ ખેલાડીઓની હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ મુંબઇ શેરબજાર ખાતે સેન્સેક્સ, ઇન્ટ્રાડે ઉછળીને ૭૫૦૦૦ની વિક્રમી સપાટી કુદાવીને ૭૫૧૨૪ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો હતો. બીજી તરફ એનએસઈનો નિફ્ટી પણ નવી લેવાલીએ ઇન્ટ્રાડે વધીને ૨૨૭૬૮ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ વધીને પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યાના અહેવાલો તેમજ લાર્જકેપ શેરોમાં મોટા પાયે નફારૂપી વેચવાલીનું દબાણ આવતાં બજારમાં ઝડપી પીછેહઠ થઈ હતી. જેમાં સેન્સેક્સ ઓલટાઈમ હાઈ સપાટીથી ૪૪૦ પોઇન્ટ તૂટયો હતો. જે કામકાજના અંતે ૫૮.૮૦ પોઇન્ટ ઘટીને ૭૪૬૮૩.૭૦ની સપાટીએ નરમ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૨.૧૦ તૂટીને ૨૨૬૪૨.૭૫ની સપાટીએ નરમ રહ્યો હતો.

વૈશ્વિક બજારોમાં ઉદ્ભવેલ તેજી પાછળ આજે અમદાવાદ શેરબજારમાં સોના ચાંદીએ નવો વિક્રમ રચ્યો હતો. વૈશ્વિક સોનું આજે ઉછળીને ૨૩૬૬ ડોલર થઇ મોડી સાંજે ૨૩૪૭ ડોલર બોલાતો હતો. જ્યારે ચાંદી ૨૭.૯૭ ડોલર રહી હતી. આ અહેવાલો પાછળ અમદાવાદ સોનું રૂપિયા ૭૦૦ ઉછળીને ૭૪૦૦૦ની સપાટી કુદાવીને ૭૪૨૦૦ની નવી ટોચે પહોંચ્યું હતું. જ્યારે ચાંદી રૂપિયા ૧૦૦૦ ઉછળીને ૮૨૦૦૦ની ટોચે પહોંચી હતી.


Google NewsGoogle News