શેરબજારમાં ધૂમ તેજીઃ સેન્સેક્સ 76000 ક્રોસ, નિફ્ટીએ 23100નું લેવલ વટાવ્યું, મિડકેપ સ્મોલકેપ શેરોમાં મોટો ઉછાળો
Stock Market Today Updates: વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પોઝિટીવ પરિબળો વચ્ચે શેરબજારમાં ધૂમ ખરીદી જોવા મળી છે. સેન્સેક્સ આજે બપોરના સેશનમાં 76000નું લેવલ ક્રોસ કરી 76009.68ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. 1.17 વાગ્યે 484.10 પોઈન્ટ ઉછાળા સાથે 75894.49 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
રોકાણકારોની મૂડીમાં વધારો
સાર્વત્રિક તેજીના માહોલમાં રોકાણકારોની મૂડી 1.32 લાખ કરોડ વધી છે. નિફ્ટી50એ પણ 23110.80ની સર્વોચ્ચ ટોચ નોંધાવી 121.95 પોઈન્ટના ઉછાળા સાથે 23079.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્કિંગ અને આઈટી શેરોમાં ધૂમ લેવાલીના સથવારે રેકોર્ડબ્રેક તેજી જોવા મળી છે. ઉછાળામાં એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને લાર્સન એન્ડ ટ્રુબોનું યોગદાન વધુ રહ્યું છે.
વોલેટિલિટીમાં વધારો
ચૂંટણી પરિણામો વચ્ચે વોલેટિલિટીનુ પ્રમાણ ઉંચુ હોવાનો સંકેત ઈન્ડિયા VIX આપી રહ્યો છે. આજે ઈન્ડિયા VIX ઈન્ડેક્સ 5.3 ટકા ઉછાળા સાથે 22.9 પર પહોંચ્યો હતો.
આ ઘટનાઓ પર માર્કેટની આગામી ચાલ
માર્કેટની આગામી ચાલ વિશે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, 1 જૂન એક્ઝિટ પોલ તેમજ 30 મેના રોજ F&O એક્સપાયરી તેમજ 30 અને 31 મેના રોજ દેશના જીડીપી આંકડા આવવાના છે. તેમજ અમેરિકાનો PCE ફુગાવો પણ 31 મેના રોજ જારી થશે. ત્યારબાદ 1 જૂને ઓટો સેલ્સના આંકડાઓ જારી થશે. આ તમામ ઘટનાઓ પર માર્કેટની આ સપ્તાહની ચાલ નિર્ધારિત થશે.
ટેક્નિકલ વ્યૂહ
નિફ્ટી માટે નવુ સપોર્ટ લેવલ 22900 અને ત્યારબાદ 22850-2800 આપવામાં આવ્યું છે. રેઝિસ્ટન્સ લેવલ 23100-23200 રહેશે. જો નિફ્ટી સપોર્ટ લેવલ જાળવશે તો તેમાં તેજીનો દોર જારી રહેવાની સંભાવના છે.
S&P BSE Midcap ઈન્ડેક્સમાં સામેલ 74 શેરોમાં 3થી 10 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. IOB 8.95 ટકા, ગ્લેનમાર્ક 7.02 ટકા, યુકો બેન્ક 6.80 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. મીડકેપ શેરોમાં આકર્ષક ઉછાળાના કારણે ઈન્ડેક્સ આજે નવી રેકોર્ડ 43936.72ની ટોચે પહોંચ્યો છે. જે 431.82 પોઈન્ટ ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે. ઘણા સ્મોલકેપ શેરોમાં 20 ટકા સુધીની અપર સર્કિટ વાગી છે.