ઓટો, હેલ્થકેર શેરોમાં કડાકો : સેન્સેક્સ 495 પોઈન્ટ તૂટી 81006
- હ્યુન્ડાઈના ઐતિહાસિક ભરણાંની સેકન્ડરી બજાર પર લિક્વિડિટીની અસર
- નિફટી ૨૨૧ પોઈન્ટ તૂટી ૨૪૭૫૦ : FPIs/FIIની કેશમાં રૂ.૭૪૨૧ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી
મુંબઈ : ભારતની બીજી સૌથી મોટી પેસેન્જર કાર મેન્યુફેકચરર હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ઐતિહાસિક રૂ.૨૭,૮૭૦ કરોડના આઈપીઓને ભરણાંના અંતિમ દિવસે એક કલાકમાં જ બમણો ૧૦૦ ટકાથી વધુ પ્રતિસાદ મળી ભરણું ૨.૩૭ ગણું છલકાઈ જતાં સેકન્ડરી માર્કેટમાંથી લિક્વિડિટી ખેંચાઈ જતાં અને બીજી તરફ ચાઈનામાં વધુ સ્ટીમ્યુલસની અનિશ્ચિતતાએ એશીયાના બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહેતાં અને કોર્પોરેટ પરિણામોની અસરે આજે સેન્સેક્સ, નિફટી બેઝડ સતત ધોવાણ થયું હતું. ખાસ હ્યુન્ડાઈના આઈપીઓમાં એલોકેશન માટે ફંડોએ ઓટો શેરો બજાજ ઓટો સહિતમાં મોટું ઓફલોડિંગ કર્યાની ચર્ચા વચ્ચે ઓટો શેરોમાં ગાબડાં પડયા હતા. આ સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલી થઈ હતી. સેન્સેક્સ ૪૯૪.૭૫ પોઈન્ટ તૂટીને ૮૧૦૦૬.૬૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૨૧.૪૫ પોઈન્ટ ગબડીને ૨૪૭૪૯.૮૫ બંધ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સ ૨૦૪૭ પોઈન્ટ તૂટયો : બજાજ ઓટો રૂ.૧૪૯૫, બોશ રૂ.૧૭૭૨, મહિન્દ્રા રૂ.૧૦૨ તૂટયા
હ્યુન્ડાઈના આઈપીઓમાં નાણા ખેંચાઈ જતાં અને આ આઈપીઓ માટે ફંડોએ જોગવાઈ કરવા અન્ય ઓટો શેરોમાં ઓફલોડિંગ કરતાં કડાકો બોલાઈ ગયો હતો. બજાજ ઓટો રૂ.૧૪૯૫.૨૫ તૂટીને રૂ.૧૦,૧૨૨.૩૦, બોશ રૂ.૧૭૭૧.૯૦ ગબડીને રૂ.૩૬,૪૫૯.૯૫, સુંદરમ રૂ.૫૦.૨૦ તૂટી રૂ.૧૪૧૭.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૦૨.૪૦ તૂટીને રૂ.૨૯૬૩, હીરો મોટોકોર્પ રૂ.૧૭૯.૩૫ તૂટીને રૂ.૫૨૧૮.૧૦, ટીવીએસ મોટર રૂ.૮૪.૬૫ તૂટીને રૂ.૨૬૮૩, મારૂતી સુઝુકી રૂ.૨૨૯.૭૫ તૂટીને રૂ.૧૨,૧૪૩.૭૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૦૪.૨૦ તૂટીને રૂ.૩૬૯૨.૦૫, અપોલો ટાયર્સ રૂ.૧૪.૭૫ ઘટીને રૂ.૫૦૪.૫૫, ટાટા મોટર્સ રૂ.૧૫.૪૦ ઘટીને રૂ.૮૯૧.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૦૪૭.૩૦ પોઈન્ટ તૂટીને ૫૬૭૮૧.૬૪ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૫૧૧ પોઈન્ટ તૂટયો : હવેલ્સ રૂ.૧૧૩, વોલ્ટાસ રૂ.૪૮, ટાઈટન રૂ.૬૯ તૂટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે મોટું ઓફલોડિંગ કર્યું હતું. હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૧૩.૨૦ તૂટીને રૂ.૧૮૨૬.૩૫, આદિત્ય બિરલા ફેશન રૂ.૧૨.૭૦ ઘટીને રૂ.૩૩૧, ટાઈટન કંપની રૂ.૬૯ ઘટીને રૂ.૩૪૦૦.૧૫, સીજી કન્ઝયુમર રૂ.૭.૭૦ ઘટીને રૂ.૪૧૪.૮૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૬૮.૩૫ ઘટીને રૂ.૧૫,૧૪૧.૫૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૫૧૧.૦૮ પોઈન્ટ તૂટીને ૬૪૬૮૫.૯૩ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફંડોનું સારા પરિણામોએ આકર્ષણ : ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, એમ્ફેસીસ, લેટેન્ટ વ્યુ ઉંચકાયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે ઈન્ફોસીસના અપેક્ષાથી સારા પરિણામ પાછળ ઘટાડે ખરીદી રહી હતી. ઈન્ફોસીસ રૂ.૪૯.૬૦ વધીને રૂ.૧૯૬૯.૫૦, એમ્ફેસીસ રૂ.૧૬૯.૬૦ વધીને રૂ.૩૦૮૦.૩૦, લેટેન્ટ વ્યુ રૂ.૧૪.૨૦ વધીને રૂ.૪૮૪.૬૫, બ્લેક બોક્સ રૂ.૧૨.૪૫ વધીને રૂ.૪૭૯, ટેક મહિન્દ્રા રૂ.૩૯.૬૦ વધીને રૂ.૧૬૯૯.૫૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૮ વધીને રૂ.૪૧૫.૯૦, માસ્ટેક રૂ.૪૫ વધીને રૂ.૨૯૮૬, ઝેગલ પ્રિપેઈડ રૂ.૬.૪૫ વધીને રૂ.૪૩૮ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૮૧.૪૧ પોઈન્ટ વધીને ૪૩૧૩૭.૫૪ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ : ન્યુલેન્ડ લેબ રૂ.૯૫૬ તૂટયો : મોરપેન લેબ., વોખાર્ટ, માર્કસન્સ તૂટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ન્યુલેન્ડ લેબ રૂ.૯૫૬.૪૦ તૂટીને રૂ.૧૫,૩૫૨.૧૫, મોરપેન લેબ રૂ.૪.૫૪ ઘટીને રૂ.૮૬.૨૫, વિજ્યા ડાયગ્નોસ્ટિક રૂ.૪૪.૦૫ ઘટીને રૂ.૧૦૦૦.૮૦, વોખાર્ટ રૂ.૪૬.૨૦ ઘટીને રૂ.૧૦૫૦.૫૦, માર્કન્સ ફાર્મા રૂ.૧૧.૯૫ ઘટીને રૂ.૨૮૩.૧૫, પિરામલ ફાર્મા રૂ.૮ તૂટી રૂ.૨૨૪.૪૫, અજન્તા ફાર્મા રૂ.૧૦૭.૭૦ ઘટીને રૂ.૩૨૩૦, ગ્લેનમાર્ક લાઈફ રૂ.૩૫.૮૦ ઘટીને રૂ.૧૧૩૦.૭૫ રહ્યા હતા. જ્યારે દિશમેન કાર્બોજેન રૂ.૭.૧૦ વધીને રૂ.૧૯૫.૪૫, બ્લિસ જીવીએસ રૂ.૩.૧૫ વધીને રૂ.૧૩૧, ફાઈઝર રૂ.૯૨.૬૦ વધીને રૂ.૫૭૮૭.૦૫, કોન્કોર્ડ બાયોટેક રૂ.૨૯.૮૦ વધીને રૂ.૨૦૧૭.૦૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૦૭.૪૩ પોઈન્ટ ઘટીને ૪૪૧૪૬.૨૫ બંધ રહ્યો હતો.
ભેલ રૂ.૧૫ તૂટી રૂ.૨૫૪ : સિમેન્સ રૂ.૨૫૫, હિન્દ. એરોનોટિક્સ રૂ.૧૩૮, ગ્રાઈન્ડવેલ રૂ.૬૭ ગબડયા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોના આજે પ્રોફિટ બુકિંગે વ્યાપક નરમાઈ રહી હતી. ભેલ રૂ.૧૫.૫૦ તૂટીને રૂ.૨૫૪.૦૫, સિમેન્સ રૂ.૨૫૫.૦૫ તૂટીને રૂ.૭૭૨૮, જીએમઆર એરપોર્ટસ રૂ.૨.૬૮ ઘટીને રૂ.૮૬.૫૭, ગ્રાઈન્ડવેલ નોટર્ન રૂ.૬૬.૮૫ ઘટીને રૂ.૨૪૩૬.૯૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૩૭.૮૦ ઘટીને રૂ.૪૫૧૬.૯૦, સુઝલોન એનજીૅ રૂ.૨.૦૪ ઘટીને રૂ.૭૩.૦૧ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં પરિણામો પાછળ વેચવાલી : નેસ્લે ઈન્ડિયા, બજાજ કન્ઝયુમર, દ્વારકેશ સુગર ઘટયા
એફએમસીજી કંપનીઓના શેરોમાં આજે નેસ્લે ઈન્ડિયા સહિતના પરિણામો પાછળ નફારૂપી વેચવાલી થઈ હતી. નેસ્લે ઈન્ડિયાનો ત્રિમાસિક ચોખ્ખો નફો નજીવો ઘટીને રૂ.૮૯૯ કરોડ થતાં શેરમાં વેચવાલીએ રૂ.૮૨.૫૫ ઘટીને રૂ.૨૩૭૯.૭૦ રરહ્યો હતો. પરાગ મિલ્ક ફૂડ રૂ.૧૦.૯૦ તૂટીને રૂ.૨૧૭.૫૫, ગુલશન પોલી રૂ.૧૧.૭૦ તૂટીને રૂ.૨૧૧.૫૫, ઉત્તમ સુગર રૂ.૧૩.૦૫ ઘટીને રૂ.૩૩૬.૬૦, કોલગેટ પામોલીવ રૂ.૧૨૯.૭૫ ઘટીને રૂ.૩૩૬૫.૪૦, દ્વારકેશ સુગર રૂ.૨.૫૯ ઘટીને રૂ.૬૯.૩૬, બજાજ કન્ઝયુમર રૂ.૮.૭૦ ઘટીને રૂ.૨૨૭.૧૦ રહ્યા હતા.
એક્સિસ બેંકનો નફો ૧૮ ટકા વધ્યો : શેર ઘટયો : એચડીએફસી બેંક, કેનેરા બેંક ઘટયા : સ્ટેટ બેંક વધ્યો
બેંકિંગ શેરોમાં આજે એકંદર વેચવાલી રહી હતી. એક્સિસ બેંકનો ત્રિમાસિક નફો ૧૮ ટકા વધ્યા છતાં શેરમાં વેચવાલીએ રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૧૧૩૨.૧૫, કેનેરા બેંક રૂ.૧.૮૦ ઘટીને રૂ.૧૦૨.૫૦, એચડીએફસી બેંક રૂ.૨૬.૬૦ ઘટીને રૂ.૧૬૭૩.૩૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૦.૭૫ ઘટીને રૂ.૧૨૩૨.૩૦ રહ્યા હતા. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૦૫ વધીને રૂ.૮૧૦.૯૦ રહ્યો હતો. આ સાથે પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૬૫.૨૫ ઘટીને રૂ.૧૦૩૯, દૌલત અલ્ગોટેક રૂ.૭.૩૦ ઘટીને રૂ.૧૪૧.૧૫, પાવર ફાઈનાન્સ રૂ.૧૦ ઘટીને રૂ.૪૬૮.૯૦, એસબીઆઈ લાઈફ રૂ.૩૪.૮૫ ઘટીને રૂ.૧૬૯૮.૪૫, એન્જલ વન રૂ.૧૦૯.૧૦ ઘટીને રૂ.૩૧૨૫.૦૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૩૧.૩૦ ઘટીને રૂ.૯૩૦.૩૦ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧:૧ શેર ૨૮, ઓકટોબરના એક્સ-બોનસ થશે : શેર વધીને રૂ.૨૭૧૩
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં એક શેર દીઠ એક શેર બોનસ માટે ૨૮, ઓકટોબર રેકોર્ડ તારીખ જાહેર કરતાં શેરમાં આજે મજબૂતીએ રૂ.૫.૪૫ વધીને રૂ.૨૭૧૩.૪૫ રહ્યો હતો. ભારતી એરટેલ રૂ.૩૦.૭૦ ઘટીને રૂ.૧૭૦૨.૭૫, બજાજ ફિનસર્વ રૂ.૪૨.૩૦ ઘટીને રૂ.૧૮૧૫.૩૫, અલ્ટ્રાટેક સિમેન્ટ રૂ.૩૦૫.૭૫ ઘટીને રૂ.૧૧,૦૧૮.૬૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ : માર્કેટબ્રેડથ ખરાબ : ૨૭૫૪ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટીમાં આજે ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ, ફાર્મા, બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં મોટું ઓફલોડિંગ થવા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઈન્વેસ્ટરો વેચવાલ બનતાં માર્કેટબ્રેડથ ફરી નબળી પડી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૯૫થી ઘટીને ૧૨૧૯ અને ઘટનારની સંખ્યા ૧૯૮૭થી વધીને ૨૭૫૪ થઈ હતી.
DIIની રૂ.૪૯૮૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૭૪૨૧ કરોડના શેરોની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૭૪૨૧.૪૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૭૨૧.૧૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૧૪૨.૫૦ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૯૭૯.૮૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૬,૮૧૭.૦૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૮૩૭.૧૮ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૧૪લાખ કરોડ ઘટીને રૂ.૪૫૭.૨૫ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં સતત ઘટાડા સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે સેલિંગ થતાં અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે એક દિવસમાં રૂ.૬.૧૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૭.૨૫ લાખ કરોડ રહ્યું હતું.