સેન્સેક્સ 494 પોઈન્ટના આંચકાને પચાવી કામકાજના અંતે પોઝિટીવ બંધ
- વોલેટાલીટી બાદ નિફટી સ્પોટ ૨૬ પોઈન્ટ ઘટીને ૨૩૪૮૨
મુંબઈ : મોદી ૩.૦ સરકારના પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬ના રજૂ કરાયેલા કેન્દ્રિય બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને દેશના મોંઘવારી સામે ઝઝુમતા મધ્યમ વર્ગને આવક વેરામાં મોટી રાહત આપીને કરદાતાઓના હાથમાં એક લાખ કરોડના નાણા ખર્ચ માટે ઉપલબ્ધ કરાવતાં અને કેપિટલ ગેઈન ટેક્ષ કે પછી સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં કોઈ વધારો નહીં કરીને નો નેગેટીવ, મહત્તમ પોઝિટીવ બજેટ રજૂ કરતાં આજે રોકાણકારો, ખેલાડીઓ, ફંડોએ ભારતીય શેર બજારોમાં બજારને ઘટાડે ટેકો આપ્યો હતો. પ્રિ-બજેટ ચાર દિવસની તેજી બાદ આજે ઈન્ટ્રા-ડે આંચકા આપ્યા બાદ ફંડો, મહારથીઓ ફરી તેજીમાં આવી જઈ સારા શેરો ખરીદી ગયા હતા. ઈન્સ્યોરન્સ ક્ષેત્રે એફડીઆઈને ૭૪ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરવાની જોગવાઈ લાવીને સરકાર આર્થિક ઉદ્દારીકરણને આગળ વધારવા મક્કમ હોવાને અને એફોર્ડેબલ હાઉસીંગ સહિત અનેક યોજનાઓ પાછળ ખર્ચ જાળવીને લોક કલ્યાણના મિશનને આગળ વધારવાની જોગવાઈએ કરાતાં બજારે બજેટને આવકાર્યું હતું.
કન્ઝયુમર ઈન્ડેક્સની છલાંગ
આવક વેરામાં મધ્યમ વર્ગને મોટી રાહત આપીને ખર્ચપાત્ર આવકમાં વધારો કરવામાં આવતાં આગામી દિવસોમાં લોકોની કન્ઝયુમર ડયુરેબલ્સ સહિતની ખરીદી વધવાની અપેક્ષાના પોઝિટીવ ડેવલપમેન્ટે આજે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી આવી હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૪૩૧.૧૭ પોઈન્ટ ઉછળીને ૫૯૨૮૩.૦૬ બંધ રહ્યો હતો. બ્લુ સ્ટાર રૂ.૨૩૯.૫૫ ઉછળી રૂ.૨૦૫૭.૮૫, ક્રોમ્પ્ટન રૂ.૨૬.૫૦ વધીને રૂ.૩૬૯.૪૫, હવેલ્સ રૂ.૮૯.૮૫ વધીને રૂ.૧૬૫૬.૫૦, વોલ્ટાસ રૂ.૬૪.૪૦ વધીને રૂ.૧૩૨૫.૩૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૯૪૮ પોઈન્ટ તૂટયો
આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રને ખાસ સીધા કોઈ પ્રોત્સાહનો નહીં અપાતાં અને પાવર ક્ષેત્રે ખાસ નવી જોગવાઈના અભાવમાં ફંડોએ કેપિટલ ગુડઝ શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૯૪૮.૦૪ પોઈન્ટ તૂટીને ૬૨૫૮૧.૭૩ બંધ રહ્યો હતો. રેલ વિકાસ નિગમ રૂ.૪૩ તૂટી રૂ.૪૩૩.૪૫, ટીટાગ્રહ રૂ.૬૪.૯૫ તૂટી રૂ.૯૫૪.૯૫, એબીબી ઈન્ડિયા રૂ.૩૭૨.૩૦ ઘટીને રૂ.૫૫૦૩.૪૫, સિમેન્સ રૂ.૩૨૮.૨૫ ઘટીને રૂ.૫૭૫૧.૦૫, પાવર ઈન્ડિયા રૂ.૬૩૪.૯૦ ઘટીને રૂ.૧૨,૨૦૦, એનબીસીસી રૂ.૪.૪૪ ઘટીને રૂ.૯૫.૩૭, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૧૭.૮૦ ઘટીને રૂ.૨૭૯૮.૯૫, ભેલ રૂ.૮.૩૦ ઘટીને રૂ.૧૯૯.૮૫ રહ્યા હતા.
આઈટી શેરોમાં તેજી
બજેટમાં એઆઈ-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને વેગ આવા અને આઈઆઈટી વિસ્તાર સાથે પ્રોત્સાહક જોગવાઈએ આજે પસંદગીના આઈટી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. અલબત ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. ઝેનસાર ટેકનોલોજી રૂ.૯૮ વધીને રૂ.૯૬૭.૪૦, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૯૦.૪૦ વધીને રૂ.૯૧૫.૭૦, ઝેગલ પ્રિપેઈડ રૂ.૨૨ વધીને રૂ.૪૬૨.૯૦, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૨૧.૮૦ વધીને રૂ.૫૦૬ રહ્યા હતા. જ્યારે વકરાંગી રૂ.૧.૨૦ તૂટીને રૂ.૨૨.૮૩, સિગ્નિટી ટેકનોલોજી રૂ.૪૨.૨૦ ઘટીને રૂ.૧૪૩૯.૯૫, ૬૩ મૂન્સ રૂ.૨૧.૩૫ ઘટીને રૂ.૭૩૧.૧૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૨૮.૩૦ ઘટીને રૂ.૮૮૯૭.૬૫, વિપ્રો રૂ.૭.૦૫ ઘટીને રૂ.૩૦૪.૯૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૨.૨૦ ઘટીને રૂ.૧૬૯૩, ટેક મહિન્દ્રા રૂ.૨૮.૫૫ ઘટીને રૂ.૧૬૪૫.૯૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૯૮.૩૦ ઘટીને રૂ.૫૯૩૬.૧૦ રહ્યા હતા.
FIIની રૂ.૧૩૨૭ કરોડની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈઝની આજે શનિવારે કેશમાં રૂ.૧૩૨૭.૦૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૮૨૪.૩૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.