Sensex અને Nifty50એ ઓલટાઈમ હાઈ નોંધાવ્યા બાદ નજીવા ઘટાડે બંધ, જાણો કારણ
Stock Market Closing Bell: ભારતીય શેરબજારોમાં આજે બીજા દિવસે પણ તેજીનો દોર જળવાઈ રહેતાં ઈન્ટ્રા ડે 75124.28ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ સેન્સેક્સ અંતે 58.80 પોઈન્ટ ઘટાડે 74683.70 પર બંધ રહ્યો હતો. નિફ્ટી50 પણ 23.55 પોઈન્ટ ઘટાડે 22642.75 પર બંધ રહ્યો હતો. નિફ્ટી50એ 22768.40ની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવી છે.
શેરબજારમાં ઓવરઓલ તેજીને ધ્યાનમાં લેતાં રોકાણકારો વેચાણ કરી પ્રોફિટ બુક કરી રહ્યા હતા. પ્રોફિટ બુકિંગના પગલે સેન્સેક્સ અને નિફ્ટી50 તેના ઓલટાઈમ હાઈ લેવલથી તૂટ્યા હતા. સેન્સેક્સમાં આજે 520.91 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. વોલ્યૂમ સંકડાતા માર્કેટ કેપ 95 હજાર કરોડ ઘટી 399.93 લાખ કરોડ રહી હતી.
માર્કેટ બ્રેડ્થ સાવચેતીની
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3951માંથી 1612 સ્ક્રિપ્સમાં સુધારો અને 2220માં ઘટાડો નોંધાયો હતો. 239 સ્ક્રિપ્સ વર્ષની ટોચે જ્યારે 10 સ્ક્રિપ્સ 52 વીક લો સપાટીએ બંધ રહી હતી. સેન્સેક્સ પેકની ટ્રેડેડ 30 પૈકી 12 સ્ક્રિપ્સ સુધારા સાથે અને 18 ઘટાડે બંધ રહી હતી. જે ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ સાવચેતીનું દર્શાવે છે. માર્કેટમાં ટૂંકાગાળા માટે કરેક્શન શરૂ થશે.
સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓટો, કેપિટલ ગુડ્સ, એફએમસીજી, એનર્જી, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ, ફાર્મા ઈન્ડાઈસિસ 0.3-1 ટકા ઘટ્યા હતા, જ્યારે બેન્ક, મેટલઅને રિયાલ્ટી ઈન્ડેક્સ 0.3થી 1 ટકા સુધર્યા હતા. બીએસઈ મિડકેપ આજે ફરી નવી સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 0.5 ટકા ઘટાડે અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.2 ટકા ઘટાડે બંધ રહ્યો હતો.
નિફ્ટીમાં તાત્કાલિક સપોર્ટ લેવલ 22600 અને ત્યારબાદ 22400 હોવાનો નિષ્ણાતો જણાવી રહ્યા છે. રેઝિસ્ટન્સ લેવલ 22770 આપ્યું છે. શેરબજાર રેકોર્ડ સ્તરે પહોંચતા પ્રોફિટ બુકિંગ વધ્યું છે. પરંતુ ફંડામેન્ટલ્સ મજબૂત જણાઈ રહ્યા છે. જો કે, એકાદ કરેક્શન આવવાની શક્યતા છે. બીજી તરફ ક્રૂડના ભાવ વધ્યા છે.