Sensex અને Nifty50 રેકોર્ડ હાઈએ બંધ, મિડકેપ, ઓટો, રિયાલ્ટી સહિત 10 ઈન્ડેક્સ પણ ટોચે પહોંચ્યા
Stock Market Closing Bell: શેરબજાર આજે સર્વોચ્ચ ટોચ સાથે બંધ રહ્યા છે. લોકસભા ચૂંટણી 2024ના અપેક્ષિત પરિણામોની પ્રબળ શક્યતાઓ તેમજ આર્થિક સ્થિતિમાં વૃદ્ધિના સંકેતો સાથે આજે સેન્સેક્સ 621.08 પોઈન્ટ ઉછાળા સાથે 74869.30ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ અંતે 494.28 પોઈન્ટના સુધારા સાથે 74742.50નું રેકોર્ડ બંધ આપ્યું છે. નિફ્ટી50 (Nifty50) 183.60 પોઈન્ટ ઉછળી 22700 ભણી (22697.30 રેકોર્ડ ટોચ) વધ્યો હતો. અંતે 152.60 પોઈન્ટના ઉછાળા સાથે 22666.30 પર બંધ રહ્યો હતો.
માર્કેટ કેપ રૂ. 400.88 લાખ કરોડે પહોંચી હતી. ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટીવ રહ્યા હતા. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 22માં સુધારો અને 8 ઘટાડે બંધ રહી હતી. 266 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 12 સ્ક્રિપ્સ વર્ષના તળિયે પહોંચી હતી.
સેક્ટોરલ ઈન્ડેક્સમાં મિડકેપ, ઓટો, ટેલિકોમ્યુનિકેશન્સ, ફાઈનાન્સ, બેન્કિંગ શેરો પણ ઓલટાઈમ હાઈ રહ્યા છે. જ્યારે રિયાલ્ટી ઈન્ડેક્સ પણ વર્ષની ટોચે પહોંચ્યો છે. 15 સેક્ટોરલ ઈન્ડેકસમાંથી 12 ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. ઓઈલ એન્ડ ગેસ તથા રિયાલ્ટી ઈન્ડેક્સ 1 ટકા ઉછાળા સાથે બંધ રહ્યો હતો.
સ્મોલ કેપ ઘટાડે બંધ
સ્મોલ કેપ શેરોમાં આજે મોટાપાયે વોલેટિલિટી અને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સ્મોલ કેપ 28.85 પોઈન્ટ ઘટી 46003.86 પર બંધ રહ્યો હતો. સરકારી બેન્કોના શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ વધતાં નિફ્ટી પીએસયુ ઈન્ડેક્સ રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. આ સિવાય ઈન્ફ્રા શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો.
અમેરિકી અર્થતંત્ર અને શ્રમ મંત્રાલય દ્વારા સકારાત્મક આંકડાઓ જારી કરવામાં આવતાં વ્યાજદરોમાં ઘટાડાની શક્યતાઓ વધી છે. બીજી બાજુ સ્થાનિક સ્તરે પણ પોઝિટીવ વલણ સાથે શેરબજારમાં તેજી જોવા મળી છે. નાણાકીય વર્ષ 2023-24ના અંતિમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો જારી કરવાની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે. જેને લઈને આઈટી, બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેરોમાં ફોકસ વધ્યું છે.