સેન્સેક્સ અને નિફ્ટી વિવિધ પડકારો વચ્ચે આકર્ષક રિટર્ન આપવામાં મોખરે, ટૂંક સમયમાં 80 હજાર થવાની શક્યતા
Stock Market Outlook: ભારતીય શેરબજાર સતત નવી ટોચ નોંધાવી રહ્યા છે. આજે સેન્સેક્સ 75 હજાર તો નિફ્ટી50 22700નું લેવલ વટાવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. સેન્સેક્સ બે દાયકામાં 1400 ટકાથી વધુ વધ્યો છે. જે 2004માં રૂ. 5 હજાર આસપાસ હતો. સેન્સેક્સ અને નિફ્ટીએ વિવિધ પડકારોનો મજબૂત સામનો કરતાં આકર્ષક રિટર્ન સાથે રોકાણકારોને માલામાલ કર્યા છે. આ તેજીના માહોલમાં એનએસઈ ઝડપથી વિશ્વના ટોચના પાંચ સ્ટોક એક્સચેન્જની યાદીમાં સામેલ થશે. 2023માં તે છઠ્ઠા ક્રમે હતો.
રોકાણકારોની મૂડી એક વર્ષમાં 138 લાખ કરોડ વધી
સેન્સેક્સે છેલ્લા એક વર્ષમાં 25.52 ટકા રિટર્ન આપવાની સાથે રોકાણકારોની મૂડીમાં 138.51 લાખ કરોડનો વધારો કર્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સ રેકોર્ડ હાઈ સાથે 3.92 ટકા વધ્યો છે. ગઈકાલે બીએસઈ માર્કેટ કેપએ રેકોર્ડ 400.88 લાખ કરોડની સપાટી નોંધાવી હતી.
આર્થિક મંદી, કોરોના જેવા પડકારોમાં સેન્સેક્સ અડીખમ
2008માં આર્થિક મંદી, 2020-21માં કોરોનાની મહામારી જેવા સંકટોમાંથી ઝડપથી ઉભરી સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઉંચાઈઓ હાંસલ કરી છે. 2004માં સેન્સેક્સ 5000 હતો, જે 2006માં 10 હજાર થયો હતો. બાદમાં એક વર્ષમાં જ 20000ની સપાટી મેળવી હતી. પરંતુ ત્યારબાદ 2008માં આર્થિક મંદીના પગલે સેન્સેક્સ તૂટ્યો હતો. જો કે, મોદીના શાસનકાળમાં શેરબજારો આકર્ષક તેજી સાથે આગળ વધ્યા છે.
એનડીએના શાસનકાળમાં આકર્ષક તેજી
2014માં 25 હજાર, 2017માં 30000, 2019માં 40000, અને 2021માં 50000ની સપાટી વટાવી હતી. ત્યારબાદ માત્ર 158 દિવસમાં 24 સપ્ટેમ્બર, 2021ના રોજ 60 હજારની સપાટી નોંધાવી હતી.60 હજારથી 70 હજાર થવામાં 548 ટ્રેડિંગ સેશન થયા હતા. નિષ્ણાતો હવે ઝડપથી 80 હજારનું લેવલ ક્રોસ કરવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
ઝડપી રિકવરીના કારણે રોકાણકારોમાં ઉત્સાહ
2008ની આર્થિક મંદીના માહોલમાં સેન્સેક્સ 20325ના લેવલથી 10678 પોઈન્ટ તૂટી 31 ડિસેમ્બર, 2008માં 9647 થયો હતો. કોરોના મહામારી દરમિયાન પણ સેન્સેક્સ 52 હજારની સપાટીએથી અડધો થઈ 25 હજાર આસપાસ પહોંચ્યો હતો. આજે સેન્સેક્સ 75124.28ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ 1.55 વાગ્યે 12.95 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 74730.46 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 22768.40ની ઓલટાઈમ હાઈ પહોંચ્યા બાદ 22653.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો.