શેરબજારમાં અવિરત તેજી, સેન્સેક્સ ફરી નવી રેકોર્ડ ટોચે, નિફ્ટી 26000 નજીક, 455 શેર્સમાં અપર સર્કિટ
Stock Market All Time High: શેરબજારમાં તેજીનો અવિરત દોર જારી છે. આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટીએ નવી રેકોર્ડ ટોચ નોંધાવી હતી. ટ્રેડિંગના અંતિમ સેશનમાં સેન્સેક્સ 436.22 પોઈન્ટ ઉછળી 84980.53ના ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો, નિફ્ટી 26000 નજીક 25956ની ઓલટાઈમ હાઈ સપાટીએ સ્પર્શ્યો હતો.
અંતે સેન્સેક્સ 384.30 પોઈન્ટ ઉછળી 84928.61 પર, જ્યારે નિફ્ટી 148.10 પોઈન્ટ ઉછળી 25939.05 પર બંધ રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ પણ રેકોર્ડ ટોચે 475.94 પર પહોંચી હતી. એક રિપોર્ટ અનુસાર, દેશનું રિયલ એસ્ટેટ માર્કેટ આર્થિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે તેવા આશાવાદ સાથે 2047 સુધી 10 લાખ કરોડ ડોલરનું થવાનો અંદાજ આપતાં રિયાલ્ટી શેર્સમાં તેજી જોવા મળી હતી.
માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4233 શેર્સ પૈકી 2387 શેર્સ સુધારા તરફી અને 1725 શેર્સ ઘટાડા તરફી બંધ રહ્યા હતા. 455 શેર્સમાં અપર સર્કિટ અને 275 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 345 શેર્સ વર્ષની ટોચે અને 40 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ દર્શાવે છે. આઈટી શેર્સ સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. બીએસઈમાં ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 2.23 ટકા, રિયાલ્ટી ઈન્ડેક્સ 2.07 ટકા, ટેલિકોમ્યુનિકેશન્સ 1.93 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.39 ટકા ઉછાળે બંધ રહ્યો હતો.
અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવતાં વૈશ્વિક શેરબજારોમાં તેજી જોવા મળી છે. જેના લીધે ભારતીય શેરબજારમાં પણ વિદેશી રોકાણકારોએ રોકાણ વધાર્યું છે. શુક્રવારે રેકોર્ડ રૂ. 14064.05 કરોડની ખરીદી એફઆઈઆઈએ નોંધાવી હતી. તમામ સકારાત્મક પરિબળોના પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી છે. જો કે, માર્કેટ ઓવરવેલ્યૂડ હોવાથી માર્કેટ નિષ્ણાતો નાના રોકાણકારોને સાવચેતી સાથે આગળ વધવા સલાહ આપી રહ્યા છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.