Get The App

શેરબજારમાં આજે બ્લેક ફ્રાઈડે, મોટાપાયે વેચવાલીથી સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
શેરબજારમાં આજે બ્લેક ફ્રાઈડે, મોટાપાયે વેચવાલીથી સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો 1 - image


Stock Market Down: શેરબજાર માટે આજનો શુક્રવાર બ્લેક ફ્રાઈડે બન્યો છે. મોટાપાયે વેચવાલીના પગલે સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે.  10.55 વાગ્યે 707 પોઈન્ટના કડાકે 76335.18 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 189.60 પોઈન્ટ તૂટી 23122.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે મોર્નિંગ સેશનમાં કુલ ટ્રેડેડ 3745 પૈકી 1668 શેર સુધારા તરફી અને 1889 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 73 શેર વર્ષની ટોચે, જ્યારે 39 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. 176 શેરમાં અપર સર્કિટ અને 179 શેરમાં લોઅર સર્કિટ વાગી છે. 

આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં પ્રોફિટ બુકિંગ

વૈશ્વિક શેરબજારોના સથવારે આઈટી અને  ટેક્નોલોજી શેર્સમાં આ  સપ્તાહે આવેલી તેજી બાદ આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. પરિણામે આઈટી ઈન્ડેક્સ 2.36 ટકા અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.98 ટકાના કડાકે કારોબાર થઈ રહ્યો હતો. ઈન્ફોસિસ 5.70 ટકા, પોલિસી બાઝાર 4.92 ટકા, એલએન્ડટી માઈન્ડટ્રી 2.08 ટકા અને ટીસીએસ 1.73 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે.

રિયાલ્ટી શેર્સ સુધર્યા

રિયાલ્ટી શેર્સમાં છેલ્લા કેટલાક દિવસથી કરેક્શન નોંધાયા બાદ આજે ઉછાળો જોવા મળ્યો છે. રિયાલ્ટી ઈન્ડેક્સ 1 ટકા સુધર્યો છે. પાવર અને એનર્જી શેર્સમાં પણ ખરીદી વધતાં ઘણા શેર્સ સુધર્યા છે. બજેટમાં વિવિધ અપેક્ષાઓ અને પોઝિટિવ ત્રિમાસિક પરિણામોની સંભાવનાના પગલે મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેર્સમાં પણ સુધર્યા છે. હિન્દાલ્કો 2 ટકા, કોલ ઈન્ડિયા 1.27 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

અમેરિકામાં ફુગાવો અપેક્ષા કરતાં ઘટ્યો છે.  વૈશ્વિક બજારો પણ સપ્તાહ દરમિયાન તેજી તરફી રહ્યા બાદ પ્રોફિટ બુકિંગ નોંધાવી રહ્યા હતાં. જેની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી. FII સતત વેચવાલ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ બાદ લેવામાં આવનારા નવા નિર્ણયો પર રોકાણકારો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર છે. 

શેરબજારમાં આજે બ્લેક ફ્રાઈડે, મોટાપાયે વેચવાલીથી સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો 2 - image


Google NewsGoogle News