સેકન્ડરી માર્કેટમાં UPI બ્લોક અથવા થ્રી-ઈન-વન ટ્રેડીંગ સવલત દાખલ કરવાનો સેબીનો નિર્ણય
- ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગ્મેન્ટને છંછેડવાથી સેબી બોર્ડ દૂર રહ્યું
- T+0 સેટલમેન્ટ હવે તમામ બ્રોકરો ઓફર કરી શકશે : દલાલી પોતાની રીતે લઈ શકશે : રાઈટ ઈસ્યુ હવે 23 દિવસમાં પૂર્ણ કરવાનો રહેશે
મુંબઈ : યુવા પેઢી વાયદાના ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)ના વેપારમાં ટ્રેડીંગ કરીને ખુવાર થઈ રહી હોવાના સેબીના અભ્યાસ છતાં બહુચર્ચિત અને અપેક્ષિત એફ એન્ડ ઓના ધોરણો સખ્ત બનાવવાના મુદ્દાને મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ છંછેડવાનું આ વખતે ટાળીને કેટલાક ગણ્યાગાંઠયા અલગ અલગ સેગ્મેન્ટમાં ફેરફારો કર્યા છે.
સેબી બોર્ડ મીટિંગમાં આજે પ્રાઈમરી માર્કેટની (અસ્બા જેવી) જેમ સેકન્ડરી માર્કેટમાં વર્તમાન મેકેનિઝમ સાથે યુપીઆઈ બ્લોક અથવા થ્રી-ઈન-વન ટ્રેડીંગ સવલત દાખલ કરવાને મંજૂરી આપી છે. ક્વોલિફાઈડ શેર બ્રોકરો (ક્યુએસબીઝ) દ્વારા આ બે સવલતો પૈકી એક સવલત ઓફર કરવી ફરજીયાત રહેશે. આ સવલત ૧લી ફેબુ્રઆરી ૨૦૨૫થી દાખલ કરાશે.
મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની આજે યોજાયેલી ૨૦૭મી બોર્ડ મીટિંગમાં આ ઉપરાંત કેટલાક મહત્વના નિર્ણયો મોડી સાંજે જાહેર કરાયા હતા. બોર્ડ દ્વારા વૈકલ્પિક ટી પ્લસ શૂન્ય એટલે કે ટ્રેડીંગની દિવસે જ સેટલમેન્ટના બીટા વર્ઝનની સમીક્ષા કરીે તમામ હિસ્સેદારો પાસેથી અભિપ્રાય મેળવ્યા બાદ તેને અમલી કરવાને મંજૂરી આપવામાં આવી છે. આ ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ હેઠળ ટ્રેડીંગ માટે માન્ય સ્ક્રિપો માર્કેટ કેપિટલાઈઝેશન મુજબ તબક્કાવાર ૨૫થી ટોચની ૫૦૦ સ્ક્રિપો સુધી કરવામાં આવશે. તમામ રજીસ્ટર્ડ શેર બ્રોકરો તેમના રોકાણકારો માટે આ વૈકલ્પિક ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ ઓફર કરી શકશે. જે માટે શેર બ્રોકરો અલગ અલગ બ્રોકરેજ-દલાલી વસુલી શકશે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) અને મ્યુચ્યુઅલ ફંડો સહિત સંસ્થાઓને પણ આ ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ સાઈકલ ઉપલબ્ધ રહેશે.
ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ સાઈકલ હેઠળ વૈકલ્પિક બ્લોક ડિલ વિન્ડો મેકેનીઝમ સવારે ૮ઃ૪૫ વાગ્યાથી સવારે ૯ઃ૦૦ વાગ્યાના સત્ર તરીકે દાખલ કરાશે, જે વર્તમાન ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ હેઠળના બ્લોક વિન્ડોઝ સાથે ચાલુ રહેશે.
સેબી મીટિંગમાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરો અને રિસર્ચ એનાલિસ્ટો માટે શિક્ષણ લાયકાત અને અનુભવ જરૂરીયાત સંબંધિત કમ્પલાયન્સ ધોરણોને સરળ બનાવવામાં આવ્યા છે અને નેટવર્થ આવશ્યકતાને રદ કરી તેના સ્થાને ડિપોઝીટ દાખલ કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાતની આવશ્યકતા ચોક્કસ ફિલ્ડમાં ઘટાડીનેસ્નાતક ડીગ્રીની કરવામાં આવી છે. આ સાથે હવે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ અને રિસર્ચ એનાલિસ્ટ તરીકે રજીસ્ટ્રેશન માટે અનુભવની આવશ્યકતા રહેશે નહીં. જો કે એનઆઈએસએમનું સંબંધિત સર્ટિફિકેશન શરૂઆતમાં લેવું જરૂરી રહેશે.
રાઈટ ઈસ્યુ સંબંધિત સેબીએ લીધેલા નિર્ણયમાં રાઈટ ઈસ્યુને ઝડપી પૂર્ણ કરવા અને એલોટમેન્ટ ઝડપી બનાવવા ઈસ્યુ કરનારની બોર્ડ મીટિંગમાં રાઈટ ઈસ્યુને મંજૂર કર્યાની તારીખથી ૨૩ કામકાજના દિવસોમાં રાઈટ ઈસ્યુ પૂર્ણ કરવાનો રહેશે. જે સમયગાળો અત્યારે ૩૧૭ દિવસનો છે.સેબીએ જુલાઈમાં ન્યુ એસેટ ક્લાસ રજૂ કરવાનો આ પ્રસ્તાવ મૂક્યો હતો, જે મ્યુચ્યુઅલ ફંડો અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ (પીએમએસ) વચ્ચે નવી ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટસ આપે છે.
મ્યુચ્યુઅલ ફંડોના માળખા હેઠળ રજૂ કરાયેલી આ નવી કેટેગરીની પ્રોડક્ટસમાં લઘુતમ રોકાણ મર્યાદા રૂ.૧૦ લાખની રાખવામાં આવી છે. આ દરમિયાન સેબીએ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો માટે મ્યુચ્યુઅલ ફંડ (એમએફ) લાઈટ નિયમો રજૂ કરવાને પણ બોર્ડમાં મંજૂરી આપી છે. જેમાં પેસિવ મેનેજ્ડ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમો માટે આ હળવા નિયમનકારી માળખાનો ઉદ્દેશ અનુપાલનની જરૂરીયાતોને ઘટાડવાનો, પ્રવેશ વધારવાનો અને રોકાણમાં વિવિધતા લાવવાના તેમ જ નવીનતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી દાખલ કરાયા છે.
સંકળાયેલી વ્યક્તિ અને નજીકના સગાસંબંધિ સંબંધિત સેબી (ઈન્સાઈડર ટ્રેડીંગ પ્રોહિબિશન) રેગ્યુલેશન ૨૦૧૫માં સુધારો કરવામાં આવ્યા છે. જેમાં કોઈ કંપની કે એકમ અથવા તેના પાર્ટનર અથવા તેની કર્મચારી કે જે સંકળાયેલી વ્યક્તિ પાર્ટનર પણ હોય અને વ્યક્તિ રહેણાંક અથવા ઘરગથ્થું વહેંચણી કરતાં હોય એ સંકળાયેલી ગણાતી વ્યક્તિ સંબંધિત જોગવાઈમાં ફેરફાર કરાયા છે. જેથી નજીકના સંબંધિ(ઈમિડિયેટ રિલેટીવ)ને બદલે સગા હોય એ લાગુ કરવાનો ફેરફાર કરાયો છે. સગા સંબંધિ એટલે કે વ્યક્તિના પત્ની, વ્યક્તિના માતાપિતા અને પત્નીના માતાપિતા, વ્યક્તિના ભાઈ-બહેન અથવા પત્નીના ભાઈ-બહેન, વ્યક્તિના સંતાનો, પત્નીના સંતાનોનો સમાવેશ ગણાશે.
બિઝનેસમાં સુગમતા-સરળતા કરી આપવાના ઉદ્દેશથી સેબીએ નોટરી પબ્લિક અથવા ગેઝેટેડ ઓફિસર દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ્સની સ્વ-ખરાઈ, પ્રમાણિત કરાવ સંબંધિત ફેરફારમાં સિક્યુરિટીઝના ટ્રાન્સફર અથવા ટ્રાન્શમિશન માટેના ડોક્યુમેન્ટ્સ સિવાયના ડોક્યુમેન્ટ્સ માટે સ્વ-ખરાઈની આવશ્યકતાને બદલવાનો નિર્ણય લેવાયો છે.