રોકાણકારો વર્ચ્યુઅલ ટ્રેડિંગ અને ગેમિંગ પ્લેટફોર્મથી દૂર રહે, જાણો SEBI કેમ આવી સલાહ આપે છે
SEBI New Circular: માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફરી એક વખત રોકાણકારોને વર્ચ્યુઅલ ટ્રેડિંગ અને સ્ટોક પ્રાઈસ સંબંધિત ગેમિંગ પ્લેટફોર્મથી સાવચેત રહેવા અપીલ કરી છે. માર્કેટ રેગ્યુલેટરે આ મુદ્દે સર્ક્યુલર જારી કરી રોકાણકારોને અપીલ કરી છે કે, સેબી ક્યારેય વર્ચ્યુઅલ ટ્રેડિંગ ટીપ્સ કે તેની સાથે જોડાયેલા ગેમિંગ પ્લેટફોર્મ્સને સમર્થન આપતી નથી.
અમુક એપ્લિકેશન્સ, વેબ એપ્લિકેશન્સ અને પ્લેટફોર્મ વર્ચ્યુઅલ ટ્રેડિંગ પ્લેટફોર્મ તથા પેપર ટ્રેડિંગ ઉપરાંત ફેન્ટસી ગેમ્સ ઓફર કરી રહી છે. જે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ, 1956 અને સેબી એક્ટ, 1992ની વિરૂદ્ધ છે. જે રોકાણકારોના હિતોની સુરક્ષા માટે જોખમી છે.
આ પણ વાંચોઃ ગુજરાતની માથાદીઠ આવક પ્રથમ વખત મહારાષ્ટ્ર કરતાં વધું, જીડીપી ગ્રોથમાં યોગદાન મામલે પણ બાજી મારી
રોકાણકારના નુકસાન માટે સેબી જવાબદાર નહીં
સેબીએ સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, બિન સત્તાવાર સ્કીમમાં રોકાણકારો જોડાય તો તેના જોમની જવાબદારી પોતાની જ રહેશે. આ સ્કીમમાં રોકાણકારનો અંગત અને ગોપનીય ડેટા પણ શેર કરવામાં આવે છે. આવી યોજનાઓ અને પ્લેટફોર્મ સેબીમાં રજિસ્ટર્ડ નથી. જો રોકાણકારો આવી સ્કીમ અથવા પ્લેટફોર્મ સંબંધિત કોઈ ફરિયાદ કરવા માંગતા હોય તો તેઓ સેબીની માન્ય સિસ્ટમ દ્વારા ફરિયાદ કરી શકશે નહીં.
ઓનલાઈન ફ્રોડ વધ્યું
શેરબજાર, આઈપીઓ માર્કેટની તેજીને ધ્યાનમાં લેતાં ઓનલાઈન ફ્રોડ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. જેથી રોકાણકારોએ આવી અનઓથોરાઈઝ્ડ વેબસાઈટ્સ, એપ્સ, કે ગેમિંગ પ્લેટફોર્મમાં ભરમાઈ ન જવા સલાહ છે. જેની ફરિયાદ પણ સેબી સમક્ષ થઈ શકશે નહીં. છેલ્લા એક-બે વર્ષથી શેરબજારમાં આકર્ષક તેજીના પગલે રોકાણકારોને વિવિધ લાલચ આપી ફ્રોડ થઈ રહ્યા હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે.