માધબી પુરી બુચ માટે મીટિંગમાં બૂમાબૂમ, અપમાન કરવું સામાન્ય... સેબી અધિકારીઓની સરકારને ફરિયાદ
Madhabi Puri Buch Provides Toxic Work Culture: સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના વડા માધબી પુરી બુચ પર સંકટના વાદળો વધુ ઘેરા બની રહ્યા છે. હિન્ડનબર્ગના આરોપો બાદ કોંગ્રેસ દ્વારા વધુ એક નવો આક્ષેપ અને હવે રેગ્યુલેટરી સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા માધબીના કારણે ટોક્સિક વર્ક કલ્ચર હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
સેબીના અધિકારીઓએ નાણા મંત્રાલય સમક્ષ ફરિયાદ કરી છે કે, માધબી પુરી બુચના નેતૃત્વ હેઠળ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર ખાતે ટોક્સિક વર્ક કલ્ચરનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં તેની ઉગ્ર ભાષા, કઠોર વચનો, અવાસ્તવિક લક્ષ્યો નક્કી કરવા અને માઈક્રોમેનેજિંગનું વધુ પ્રમાણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ માધબી પુરી બુચ ભ્રષ્ટ છે, ઝી અને સોની મર્જરની ડીલ તૂટવા પાછળ તેઓ જવાબદાર: સુભાષ ચંદ્રા
ગતમહિને કરી હતી ફરિયાદ
સેબીના અધિકારીઓએ ગતમહિને 6 ઓગસ્ટના રોજ આ અંગે નાણા મંત્રાલયને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પત્રનું શીર્ષક ‘ગ્રિવન્સિસ ઓફ સેબી ઓફિસર્સ- કોલ ફોર રિસ્પેક્ટ હતું. જેમાં ફરિયાદ કરી હતી કે, ‘માધબી પુરી બુચ દ્વારા મીટિંગોમાં બૂમો પાડવી, ઠપકો આપવો અને જાહેરમાં અપમાન કરવું એ સામાન્ય બની ગયું છે. તે ટીમના સભ્યોને કઠોર અને ઉગ્ર ભાષામાં વાત કરે છે. તેમજ તેઓ પળેપળની પ્રક્રિયા પર દેખરેખ રાખી બિનવાસ્તવિક લક્ષ્યાંકો નક્કી કરે છે અને તેને હાંસલ કરવા પર ભાર મૂકે છે. જેના લીધે અમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. આ કારણસર તેમની સાથે કામ કરનારા વર્ક-લાઈફ બેલેન્સ કરી શકતા નથી.’
આ ફરિયાદના આધારે સેબીએ જવાબ આપ્યો છે કે, ‘કામના માહોલ, રિવ્યૂ મીટિંગના ફોર્મેટમાં ફેરફાર કરાયો છે. જેથી આ સંબંધિત મુદ્દા માટે બેઠક યોજવામાં આવશે.’
પત્રમાં શું લખ્યું
સેબીના અધિકારીઓએ પત્રમાં લખ્યું કે, ‘સેબીના કર્મચારીઓ રોબોટ નથી કે, એક જણ ઈચ્છે તેમ સેબીની ક્ષમતામાં વધારો કરી શકે. મેનેજમેન્ટે સિસ્ટમમાં સુધારો તો કર્યો અને નીતિઓમાં પણ ફેરફાર કર્યા, પરંતુ લીડરશીપના નામે અમારા પર બૂમાબૂમ કરાઈ રહી છે. અમારી વિરુદ્ધ કઠોર અને શોભે નહીં તેવી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં કોઈ સિનિયર મેનેજમેન્ટ પક્ષ લઈ રહ્યું નથી. ટોચના સ્થાને બેઠેલા લોકો એક્શન લેવાના ભયે આ મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરી શકતા નથી. છેલ્લા બે-ત્રણ વર્ષથી આ પ્રકારનો ભય કર્મચારીઓમાં સતત વધી રહ્યો છે. સેબીએ કામની અસરકારકતામાં વધારો કરવાં શ્રેષ્ઠ કક્ષાની ટેક્નોલોજી તો અપનાવી છે પરંતુ સિનિયર મેનેજમેન્ટ શ્રેષ્ઠ કક્ષાનું મેન મેનેજમેન્ટ, લીડરશીપ અને મોટિવેશન મેથડ અપનાવવાનું ભૂલી ગયા છે.’