કોમોડિટી ડેરિવેટિવ્ઝ ડિલિવરી અંગે સેબીના મોટા ફેરફાર, 1 જુલાઈથી લાગુ થશે, જાણો સંપૂર્ણ વિગતો

Updated: May 25th, 2024


Google NewsGoogle News
કોમોડિટી ડેરિવેટિવ્ઝ ડિલિવરી અંગે સેબીના મોટા ફેરફાર, 1 જુલાઈથી લાગુ થશે, જાણો સંપૂર્ણ વિગતો 1 - image


SEBI New Norms For Derivatives: સેબીએ કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સ્ટેગર્ડ ડિલિવરી પીરિયડ (Staggered Delivery Period)માં ઘટાડો કર્યો છે. નવો નિયમ 1 જુલાઈ, 2024થી લાગુ થશે. સેબી દ્વારા જારી સર્ક્યુલરમાં આ અંગે માહિતી આપવામાં આવી છે.

સ્ટેગર્ડ ડિલિવરી પિરિયડ ઘટાડી 3 દિવસ કર્યો

ડિલિવરીનો સમયગાળો ઘટાડતો સર્ક્યુલર 24 મેના રોજ જારી કરવામાં આવ્યો છે. સેબી દ્વારા જારી કરાયેલા સર્ક્યુલર અનુસાર, સેબીએ હવે સ્ટેગર્ડ ડિલિવરી પિરિયડ 5 દિવસથી ઘટાડી 3 દિવસ કર્યો છે. સ્ટેગર્ડ ડિલિવરીનો સમયગાળો એ કોન્ટ્રાક્ટની સમાપ્તિ પહેલાંનો સમય છે જ્યાં ખરીદદાર અથવા વેચનાર ઓપન પોઝિશન સાથે ડિલિવરી આપ-લેની ઈચ્છા રજૂ કરી શકે  છે. આ સમય હવે ઘટાડીને 3 દિવસ કરવામાં આવ્યો છે.

આ કારણોસર સ્ટેગર્ડ ડિલિવરીની સમય મર્યાદા નક્કી થઈ

સેબીને 2019માં જાણવા મળ્યું હતુ કે જુદા જુદા એક્સચેન્જો અલગ-અલગ ડિલિવરી શેડ્યૂલ અપનાવી રહ્યાં છે તે પછી SEBIએ સ્ટેગર્ડ ડિલિવરી માટે ન્યૂનતમ સમયમર્યાદા નક્કી કરી હતી. જ્યારે કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ માટે 4 ઓગસ્ટ, 2023ના માસ્ટર સર્ક્યુલરમાં સેબીએ જણાવ્યું હતું કે ઓપન ઈન્ટરેસ્ટ રેકોર્ડ, એક્સપાયરી વોલ્યુમ વગેરેના સંકેતોને ધ્યાનમાં લઈને એક્સચેન્જો કોઈપણ કોમોડિટી ફ્યુચર કોન્ટ્રાક્ટ માટે ડિલિવરીનો સમયગાળો વધારી શકે છે. આ જોગવાઈ હજુ પણ લાગુ રહેશે.

આ પહેલા પણ સેબીએ ઘણા મોટા નિર્ણયો લીધા છે. આમાંથી એક શેરબજારમાં અફવાઓને કારણે શેર પર થતી અસર દૂર કરવા સંબંધિત છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ અંગે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. નિયમો અનુસાર, જો કોઈ અપ્રમાણિત સમાચાર અથવા અફવાને કારણે સ્ટોકમાં મોટો તફાવત થાય તો 24 કલાકની અંદર તે સમાચાર કે અહેવાલની ખાતરી અથવા નકારી કાઢવાની રહેશે. કંપનીએ તેની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે. સેબીના સર્ક્યુલર મુજબ, જો અફવાની પુષ્ટિ થાય છે, તો શેરને નિયમો અનુસાર અનઅફેક્ડેટ પ્રાઈસ તરીકે ગણવામાં આવશે.

અનઅફેક્ટેડ પ્રાઈસ એ શેરનું એવું સ્તર છે, જેને સમાચાર કે અફવાઓની અસર થતી નથી. જો આ અફવા ન આવતી તો શેરનો ભાવ શુ રહેતો તેનો અંદાજ કાઢવામાં આવે છે.


Google NewsGoogle News