અદાણી પર ભારતમાં જ સકંજો? માહિતી છુપાવવા બદલ SEBIની કાર્યવાહીની તૈયારી
Adani Group 2200 Crores Scam: અમેરિકાની કોર્ટમાં અદાણી ગ્રુપ વિરૂદ્ધ 2200 કરોડના કૌભાંડ મામલે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) ટૂંકસમયમાં કાર્યવાહી હાથ ધરી શકે છે. આ બાબતોથી જાણકાર વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સેબીએ આ મામલે રોકાણકારોના હિતોનું ઉલ્લંઘન થયુ છે કે નહીં, તેની તપાસ કરવા આદેશ આપ્યા છે.
સેબીએ સ્ટોક એક્સચેન્જના અધિકારીઓને અદાણી ગ્રીન એનર્જી પર અમેરિકી કોર્ટ દ્વારા મૂકવામાં આવેલા લાંચના આરોપો સાચા છે કે ખોટા તેની તપાસ કરવા કહ્યું છે. નામ ન આપવાની શરતે અધિકારીએ જણાવ્યં છે કે, ફેક્ટ-ફાઈન્ડિંગની આ પ્રક્રિયા બે સપ્તાહ સુધી જારી રહેશે. તેના રિપોર્ટ બાદ સેબી આ મામલે ઔપચારિક તપાસ મુદ્દે નિર્ણય લેશે.
આ પણ વાંચોઃ અદાણી સાથે અમારો કોઈ સીધો સંબંધ નથી: લાંચ લેવાના આરોપો બાદ YSRCPનો જવાબ
અમેરિકાના પ્રોસિક્યુટર અને સિક્યુરિટી કમિશને અદાણી ગ્રુપની પેટા કંપની અદાણી ગ્રીન વિરૂદ્ધ 250 મિલિયન ડોલર (અંદાજે રૂ. 2200 કરોડ)ની લાંચ અને છેતરપિંડીનો કેસ દાખલ કરી ગૌતમ અદાણી સહિત આઠ લોકો વિરૂદ્ધ આરોપો મૂક્યા છે. જો કે, અદાણી ગ્રુપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા છે. આ મામલે તે કોર્ટમાં પોતાને નિર્દોષ સાબિત કરતાં પુરાવા રજૂ કરશે.
અદાણી શેર 20 ટકાથી વધુ તૂટ્યાં
અમેરિકાની એફબીઆઈ દ્વારા અદાણી વિરૂદ્ધ આરોપો મૂકાયા બાદ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ અદાણીના શેર્સ 20 ટકાથી વધુ તૂટ્યાં હતાં. જો કે, આજે શેર્સમાં કોઈ ખાસ મોટો કડાકો નોંધાયો ન હતો. ઉલ્લેખનીય છે, સેબી, બીએસઈ કે એનએસઈએ આ મુદ્દે કોઈ સ્પષ્ટતા આપી નથી. સેબીએ અગાઉ પણ ગતવર્ષે હિન્ડનબર્ગ દ્વારા શેર્સમાં ગેરરીતિ આચરી હોવાના આરોપો મૂકતાં તપાસ હાથ ધરી હતી. જેમાં અદાણીને ક્લિનચીટ આપી હતી.