SEBI ચેરપર્સન માધબીની મુશ્કેલી વધી, કર્મચારીઓ જ રસ્તા પર ઊતર્યા, રાજીનામાની કરી માંગ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
SEBI ચેરપર્સન માધબીની મુશ્કેલી વધી, કર્મચારીઓ જ રસ્તા પર ઊતર્યા, રાજીનામાની કરી માંગ 1 - image


SEBI Chairperson: માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ હિન્ડનબર્ગ, કોંગ્રેસ, સહકર્મચારીઓ સહિત ત્રણેય બાજુથી ભીંસમાં આવી ગયા છે. સેબીના કર્મચારીઓએ આજે સેબીના હેડ ક્વાર્ટર ખાતે માધબી વિરૂદ્ધ દેખાવો કર્યા હતા. તેમજ તેમના ખરાબ વર્તનના કારણે રાજીનામું આપવાની માંગ કરી હતી.

આજે મુંબઈમાં સેબીની ઑફિસ સમક્ષ 200 જેટલા કર્મચારીઓએ વિરોધ પ્રદશનો કર્યા હતા. અગાઉ નાણા મંત્રાલયને માધબીના દુર્વ્યવહાર અંગે પત્ર પણ લખ્યો હતો. સેબીના કર્મચારીઓએ થોડા કલાકો સુધી દેખાવો કર્યા બાદ પાછા ઑફિસમાં કામ પર લાગ્યા હતા.

આ પણ વાંચોઃ મા-દીકરા વચ્ચે 11000 કરોડની સંપત્તિ મુદ્દે બબાલ, કંપનીની કમાન કોને મળશે તે અંગે વિવાદ

સેબીએ કર્મચારીઓના દાવાનો ખોટા કહ્યા

સેબીએ ગઈકાલે બુધવારે કર્મચારીઓ દ્વારા માધબીના દુર્વ્યવહારનો દાવો ખોટો ઠેરવ્યો હતો. જેની વિરૂદ્ધ આજે કર્મચારીઓએ દેખાવો કરી સંકેત આપ્યો હતો કે, “આ વિરોધ પ્રેસ કોન્ફરન્સની આડમાં સશસ્ત્ર સજ્જ ટોચના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતી કવાયત સામે અસંમતિ અને એકતા દર્શાવવાના હેતુથી છે."

માધબીનું રાજીનામું લેવા કરી માંગ

સેબીના કર્મચારીઓએ સેબી સમક્ષ તાત્કાલિક ધોરણે સેબીના કર્મચારીઓ વિરૂદ્ધ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા હોવાની પ્રેસ રિલિઝ પાછી ખેંચી લેવા અને માધબીનું રાજીનામું લેવા માંગ કરી છે. સેબીના અધિકારીઓએ નાણા મંત્રાલય સમક્ષ ફરિયાદ કરી છે કે, માધબી પુરી બુચના નેતૃત્વ હેઠળ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર ખાતે ટોક્સિક વર્ક કલ્ચરનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં તેની ઉગ્ર ભાષા, કઠોર વચનો, અવાસ્તવિક લક્ષ્યો નક્કી કરવા અને માઇક્રો મેનેજિંગનું વધુ પ્રમાણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સેબીએ બહારના તત્ત્વોનું ષડયંત્ર હોવાનો આરોપ મૂક્યો 

બીજી બાજુ પ્રેસ રિલિઝમાં સેબીએ જણાવ્યું હતું કે સેબીના વડા વિરૂદ્ધ કરવામાં આવેલા દાવાઓ ઊંચા પગાર ભથ્થાની માંગ અને હાંસલ કરેલા લક્ષ્યોની ખોટી જાણ તથા નિર્ણય લેવામાં વિલંબના કારણે થઈ રહ્યા છે. કેટલાક "બહારના તત્ત્વો"એ તેના કર્મચારીઓને ઉશ્કેર્યા હતા કે તેમના પર કામગીરી અને જવાબદારીનું ઉચ્ચ ધોરણો સાથે પાલન કરવાનું દબાણ હોવું જોઈએ નહીં. જો કે, સેબીએ આ બહારના તત્ત્વો વિશે કોઈ માહિતી આપી નથી.

SEBI ચેરપર્સન માધબી પુરી બુચને યુએસ શોર્ટ-સેલર હિન્ડનબર્ગ રિસર્ચ અને વિપક્ષી રાજકીય પક્ષો તરફથી હિતોના સંઘર્ષના આરોપોનો સામનો કરવો પડ્યો છે, હિન્ડનબર્ગે આક્ષેપ કર્યો છે કે બુચ અને તેના પતિએ અગાઉ અદાણી જૂથ દ્વારા ઉપયોગમાં લેવાતા ઑફશોર ફંડ્સમાં પણ રોકાણ કર્યું હતું, જેની રેગ્યુલેટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બુચે આ આરોપોને નકારી કાઢ્યા છે. કોંગ્રેસે પણ એક સાથે ત્રણ કંપનીઓમાંથી પગાર અને લાભો લઈ રહ્યા હોવાનો દાવો કર્યો છે.

SEBI ચેરપર્સન માધબીની મુશ્કેલી વધી, કર્મચારીઓ જ રસ્તા પર ઊતર્યા, રાજીનામાની કરી માંગ 2 - image


Google NewsGoogle News