SEBIના જ નિયમને ઘોળીને પી ગયા માધબી બુચ, સાત વર્ષમાં કરી કરોડોની કમાણી: હિંડનબર્ગ બાદ વધુ એક રિપોર્ટ
Madhabi Puri Buch earned revenue in rules violation: સેબીના ચીફ માધબી પુરી બુચ ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે. હાલમાં જ હિંડનબર્ગના અહેવાલ બાદથી માધબી પુરી બુચ પર અતિગંભીર આરોપ લાગી રહ્યા છે. તેમના પર અદાણી સાથે સાંઠગાંઠનો આરોપ છે. વિપક્ષ દ્વારા સેબી ચીફના રાજીનામાંની માંગ કરવામાં આવી છે ત્યાં વધુ એક રિપોર્ટમાં નવા ધડાકાના કારણે માધબી પુરી બુચની મુશ્કેલીઓ વધી છે.
સેબીમાં જોડાયા પછી કમાણી ચાલુ રાખી
માધબી પુરી બુચ પર આરોપ છે કે સેબીમાં જોડાયા બાદ પણ તેઓ પોતાની કન્સલ્ટન્સી ફર્મથી નફાની કમાણી કરી રહ્યા હતા. રોયટર્સના અહેવાલમાં આ ગંભીર ખુલાસો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે વર્ષ 2017માં માધબી સેબીમાં જોડાયા હતા અને 2022માં તેમને સેબીના ચીફ બનાવવામાં આવ્યા હતા.
અગોરા એડવાઇઝરી દ્વારા કરી કમાણી
રૉયટર્સના રિપોર્ટ અનુસાર કંપની રજીસ્ટ્રાર પ્રમાણે અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડે છેલ્લા સાત વર્ષમાં 4,42,025 ડોલરની કમાણી કરી છે. આ એ જ કંપની છે જેમાં 99 ટકા ભાગીદારી માધબી પુરી બુચની છે. આમ માધબી જ્યારે સેબીમાં હતા ત્યારે પણ તેઓ પોતાની ફર્મથી કમાણી કરી રહ્યા હતા જે નિયમોનું ઉલ્લંઘન છે.
શું કહે છે સેબીનો નિયમ
સેબીના 2008ના નિયમો અનુસાર કોઈ પણ અધિકારી એવી પોસ્ટ હોલ્ડ ન કરી શકે જેનાથી તેમને નફો તહતો હોય, અથવા સેલેરી મળતી હોય. હિંડનબર્ગે જ્યારે માધબીની કંપની તથા અદાણી વચ્ચે લિન્કનો દાવો કર્યો ત્યારે માધબીએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે અમે કન્સલ્ટન્સી ફર્મની જાણકારી સેબીને આપી જ હતી તથા 2019થી તેમના પતિ આ બિઝનેસ સંભાળી રહ્યા છે.
હિંડનબર્ગના રિપોર્ટમાં બે કન્સલ્ટન્સી ફર્મની વાત કરવામાં આવી હતી. સિંગાપોરની આગોરા પાર્ટનર્સ તથા ભારતની અગોરા એડવાઇઝરીનું સંચાલન માધબી પુરી બુચ અને તેમના પતિ કરી રહ્યા હતા. માધબીએ અગોરા પાર્ટનર્સમાંથી પોતાની ભાગીદારી પતિને 2022માં ટ્રાન્સફર કરી હતી.