સેબીના વડાં માધબી પુરી બુચને ક્લિનચીટ મળી હોવાનો અહેવાલ તદ્દન ખોટો, નાણાં મંત્રાલયનો ચોંકાવનારો ખુલાસો
SEBI News: માર્કેટ રેગ્યુલેટર સેબી ચીફ વિરૂદ્ધ કોઈ પુરાવા મળ્યા ન હોવાના નાણાં મંત્રાલયના અહેવાલો ખોટા હોવાની સ્પષ્ટતા નાણાં મંત્રાલયે આપી છે. ગઈકાલથી બજારમાં અને મીડિયામાં અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા હતા કે, સેબી ચીફ માધબી પુરી બુચ વિરૂદ્ધ હિન્ડનબર્ગ દ્વારા મુકાયેલા કોઈ પણ આરોપો સાબિત થયા નથી. પરંતુ વાસ્તવમાં નાણાં મંત્રાલયે આ મામલે કોઈ તપાસ જ કરી નથી.
નાણાં મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટતા આપી છે કે, સેબી ચીફ વિરૂદ્ધ કોઈ તપાસ હાથ ધરાઈ નથી. મીડિયા અને બજારમાં ચાલી રહેલા અહેવાલો તદ્દન ખોટા અને અફવા છે. તેમની કે તેમના પરિવાર વિરૂદ્ધ નાણાં મંત્રાલયે કોઈ પ્રકારની તપાસ હાથ ધરી નથી. માધબીનો ચેરપર્સન તરીકેનો કાર્યકાળ આગામી ચાર મહિનામાં પૂર્ણ થશે.
સેબી ચીફ પર અનેક આરોપો
સેબી ચીફ પર હિન્ડનબર્ગ દ્વારા અદાણી ગ્રુપના ઓફશોર ફંડ સાથે જોડાણના આરોપો બાદ વિવિધ આરોપોનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષે પણ નાણાંકીય ગેરરીતિ, એક સાથે ત્રણ કંપનીઓનો પગાર લેવાનો આરોપ મૂક્યો હતો. સેબીના કર્મચારીઓએ પણ માધબીના લીધે ટોક્સિક વર્ક કલ્ચર મળી રહ્યુ હોવાનો આક્ષેપ મૂકાયો હતો. વિપક્ષ અને સેબીના કર્મચારીઓ દ્વારા માધબીનું રાજીનામું લેવા માગ કરાઈ રહી છે.
માધબીએ આરોપો ફગાવ્યા હતાં
હિન્ડનબર્ગના રિપોર્ટમાં માધબી પુરી બુચ અને તેના પતિ ધવલ બુચ વિરૂદ્ધ વિવિધ આરોપો કરાયા હતા. જો કે, તેને માધબીએ પાયાવિહોણો ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમના નાણાંકીય રેકોર્ડ પારદર્શક છે આ આરોપો તેમને બદનામ કરવા લગાવવામાં આવી રહ્યા છે. વિપક્ષના આકરા પ્રહારો અને આક્ષેપોને પણ ખોટા અને બદનામ કરવાનું ષડયંત્રનો ભાગ ગણાવ્યો હતો.
મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચે સેબી અધ્યક્ષ વિરુદ્ધ નાણાંકીય ગેરરીતિઓ અને હિતોના ઘર્ષણના આરોપ મૂક્યા હતા. ત્યાર પછી તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરાઈ હતી. કોંગ્રેસે માધબી પુરી બુચ, તેમના પતિ પર ભાજપ સાથે મળીને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે જ માધબી બુચે સેબી અધ્યક્ષ તરીકેનાં પદનો દુરુપયોગ કર્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. જોેકે, આ અંગે કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા.