હિંડનબર્ગના આરોપો જુઠ્ઠાં, SEBI પ્રમુખ માધબી બુચે કશું ખોટું કર્યું નથી, કેન્દ્રની ક્લિનચીટના અહેવાલ
Sebi Cheif Madhvi Buch News | કેન્દ્ર સરકારે સેબીનાં વડાં માધબી પુરી બુચ પર અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચ અને વિપક્ષે લગાવેલા તમામ આરોપો કેન્દ્ર સરકારે નકારી કાઢ્યા છે અને તેમને ક્લિનચિટ આપી દીધી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે માધબી પુરી બુચ સેબી અધ્યક્ષ તરીકેનો બાકીના ચાર મહિનાનો કાર્યકાળ પૂરો કરશે તેમ સૂત્રોએ કહ્યું હતું. સેબી અધ્યક્ષ તરીકે માધબી પુરી બુચનો કાર્યકાળ ફેબ્રુઆરી ૨૦૨૫માં પૂરો થશે.
મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચે સેબી અધ્યક્ષ વિરુદ્ધ નાણાકીય ગેરરીતિઓ અને હિતોના ઘર્ષણના આરોપ મૂક્યા હતા. ત્યાર પછી તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરાઈ હતી. કોંગ્રેસે માધબી પુરી બુચ, તેમના પતિ પર ભાજપ સાથે મળીને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે જ માધબી બુચે સેબી અધ્યક્ષ તરીકેનાં પદનો દુરુપયોગ કર્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. જોેકે, આ અંગે કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા.
સેબી અધ્યક્ષ માધબી પુરી બુચે આરઈઆઈટીને આગળ વધારી અને તેનાથી બ્લેકસ્ટોનને લાભ થયો હતો. બદલામાં તેમના પતિને પણ ફાયદો થયો હતો કારણ કે તેઓ બ્લેકસ્ટોન સાથે સંકળાયેલા છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
સૂત્રો મુજબ આરઈઆઈટીનો વિચાર સૌથી પહેલા વર્ષ ૨૦૦૭માં યુપીએની સરકારમાં સામે આવ્યો હતો. જોકે, કેટલાક વર્ષો પછી વર્ષ વર્ષ ૨૦૧૬માં સેબીએ આ અંગે નિર્દેશ જાહેર કર્યા હતા. માધબી પુરી બુચે ૧ માર્ચ, ૨૦૨૨ના રોજ અજય ત્યાગીના નિવૃત્ત થયા પછી સેબી અધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો. સેબીના કામમાં વ્યાપક પરિવર્તન લાવવાનું શ્રેય તેમને જાય છે અને આ ફેરફારોએ માત્ર બ્લેકસ્ટોન જ નહીં પરંતુ ભારતમાં કામ કરતી અનેક વૈશ્વિક કંપનીઓને પ્રભાવિત કરી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, માધબી પુરી બુચના નામે માત્ર રાજકારણ રમાઈ રહ્યું છે.
સેબી વડાં બુચ પર અન્ય એક આરોપ લગાવાયો હતો કે તેમણે તેમની પાછલી કંપની આઈસીઆઈસીઆઈમાં તેમના પાછલા કાર્યકાળથી તેમને જે રૂપિયા મળ્યા તેનો ખુલાસો કર્યો નહોતો. સરકારે આ આરોપોની તપાસ કરતા કોઈપણ ગેરકાયદે લેવડ-દેવડ મળી નહોતી.
સૂત્રોએ જણાવ્યું કે, આઈસીઆઈસીઆઈ બેન્કે પણ સ્પષ્ટ કર્યું કે ઑક્ટોબર ૨૦૧૩માં નિવૃત્તિ પછી તેમને કોઈ પગાર અથવા ઈએસઓપી નથી મળ્યું. તેમને માત્ર નિવૃત્તિના લાભ અપાયા હતા, જે આ પદ પર અન્ય બધાને અપાય છે.