Get The App

SBIના ગ્રાહકોની સંખ્યા 50 કરોડને પાર, જાણો આ બેંકની સ્થાપનાથી લઈને વિકાસ સુધીનો ઈતિહાસ

SBIનું મુખ્યાલય મુંબઈમાં છે, કુલ સંપત્તિ પ્રમાણે દુનિયાની 48મી સૌથી મોટી બેંક

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
SBIના ગ્રાહકોની સંખ્યા 50 કરોડને પાર, જાણો આ બેંકની સ્થાપનાથી લઈને વિકાસ સુધીનો ઈતિહાસ 1 - image


નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર

ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેની સફળતામાં વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. બેંકના ગ્રાહકોની સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે. SBIના ચેરમેન દિનેશ ખારાએ આને મોટી ઉપલબ્ધિ ગણાવી છે. SBIએ આ ઉપલબ્ધિને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. ફેસબુક પર એસબીઆઈએ ચેરમેનના સંદેશની સાથે માહિતી શેર કરી છે કે તેના ગ્રાહકોની સંખ્યા 50 કરોડથી વધુ થઈ ગઈ છે અને ગ્રાહકોની સંખ્યા હજુ પણ વધારો ચાલુ જ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેને 'The Banker To Every Indian' નામ આપ્યું છે. આ મહિનાની શરૂઆતમાં SBIના નામે વધુ એક મોટી ઉપલબ્ધિ જોડાઈ હતી. 7 ફેબ્રુઆરીના રોજ તે દેશની સૌથી મોટી જાહેર ધિરાણ આપતી બેંક બની હતી. તેની માર્કેટ મૂડી રૂ. 6 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા બાદ આવું કરનાર તે બીજું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ-PSU બની ગયું.

SBIનો ઈતિહાસ

SBIની આ ઉપલબ્ધિ સાથે આપણે તેના ઈતિહાસ પર પણ નજર કરવી જોઈએ કે, એક બેંક દેશની આટલી મોટી બેંક કઈ રીતે બની. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા- SBI એ ભારતીય બહુરાષ્ટ્રીય જાહેર ક્ષેત્રની બેંક અને નાણાકીય સેવાઓની વૈધાનિક સંસ્થા છે. SBIનું મુખ્યાલય મુંબઈમાં છે. કુલ સંપત્તિના હિસાબે તે દુનિયાની 48મી સૌથી મોટી બેંક છે. વર્ષ 2020માં SBI ફોર્ચ્યૂન ગ્લોબલ 500ની યાદીમાં 221માં સ્થાન પર હતી. આ યાદીમાં એકમાત્ર ભારતીય બેંક છે.

SBI એ ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. સંપત્તિના હિસાબે બજારમાં તેની 23% હિસ્સેદારી છે અને કુલ લોન અને ડિપોઝિટ માર્કેટમાં 25 ટકા હિસ્સો છે. ભારતીય સ્ટેટ બેંક લગભગ 2,50,000 કર્મચારીઓ સાથે ભારતની 10મી સૌથી મોટી નોકરીદાતા પણ છે.

કોલકાતામાં થઈ હતી સ્થાપના

ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું બીજ કોલકાતામાં રોપાયુ હતું. 1806માં કોલકાતામાં ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના થઈ હતી. 1955માં બેંકોના રાષ્ટ્રીયકરણની નીતિમાં તે ભારતીય સ્ટેટ બેંક બની ગઈ. 200 વર્ષથી વધુના ઈતિહાસમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 20થી વધુ બેંકોનો વિલય થઈ ચૂક્યો છે.

જો તેના મૂળમાં અને ઊંડાઈ સુધી નજર કરીએ તો  2 જૂન 1806ના રોજ બેંક ઓફ કલકત્તાની સ્થાપના થઈ હતી. બાદમાં તેનું નામ બદલીને બેંક ઓફ બંગાળ કરી દેવામાં આવ્યું હતું. બેંક ઓફ બંગાળ ત્રણ પ્રેસિડેન્સી બેંકોમાંની એક હતી. અન્ય બે 'બેંક ઓફ બોમ્બે' અને 'બેંક ઓફ મદ્રાસ' હતી. ત્રણેય પ્રેસિડેન્સી બેંકોને સંયુક્ત સ્ટોક કંપનીઓ તરીકે સામેલ કરવામાં આવી હતી. આ ત્રણેય બેંકો પાસે 1861 સુધી કાગળનું ચલણ જારી કરવાનો વિશિષ્ટ અધિકાર હતો. 27 જાન્યુઆરી 1921ના રોજ પ્રેસિડેન્સી બેંકોનો વિલય થઈ ગયો અને નવી બેંકિંગ સંસ્થાનું નામ ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયા રાખવામાં આવ્યું. ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયા સરકારની ભાગીદારી વિના સંયુક્ત સ્ટોક કંપની બની રહી.



Google NewsGoogle News