Get The App

'વારસાગત ટેક્સ' ખરેખર છે શું? કયા દેશોમાં કેટલા ટકા વસૂલાય છે? જાણો તેના નિયમો

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
'વારસાગત ટેક્સ' ખરેખર છે શું? કયા દેશોમાં કેટલા ટકા વસૂલાય છે? જાણો તેના નિયમો 1 - image


Inheritance Tax: ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (Congress)ના અધ્યક્ષ સેમ પિત્રોડાએ સંપત્તિ વિતરણ અંગે અમેરિકાના શિકાગોમાં એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકામાં વારસાગત ટેક્સ (Inheritance Tax)વસૂલાય છે. 

એટલે કે જો કોઈની પાસે 100 મિલિયન ડૉલરની સંપત્તિ હોય અને તેનું મૃત્યુ થઈ જાય તો તેના બાળકોને ફક્ત 45 ટકા ભાગ જ મળે છે બાકીની 55 ટકા સંપત્તિ પર સરકારનો અધિકાર રહે છે. એવામાં જાણીએ વારસાગત ટેક્સ ખરેખર શું છે. 

શું છે વારસાગત ટેક્સ?

અમેરિકામાં વારસામાં મળતી મિલકત પર ટેક્સ લાદવામાં આવે છે. જેને વારસાગત ટેક્સ કહે છે. જેમને સંપત્તિ મળે છે તેમને એટલે કે વારસદારને આ ટેક્સ ચૂકવવાનો રહે છે. 

અમેરિકામાં શું છે નિયમ?

વર્ષ 2023 સુધી અમેરિકામાં આયોવા, કેન્ટુકી, મેરીલેન્ડ, નેબ્રાસ્કા, ન્યુ જર્સી અને પેન્સિલવેનિયા આ છ રાજ્યમાં જ આ ટેક્સ વસૂલવામાં આવે છે. આથી આ ટેક્સ ભરવો પડશે કે નહિ એ વાત પર નિર્ભર કરે છે કે વ્યક્તિ અમેરિકાના ક્યા રાજ્યમાં રહે છે કે તેની મિલકત ક્યા રાજ્યમાં છે? આ ઉપરાંત મિલકતનું મુલ્ય શું છે તેમજ વારસદાર મૃતક સાથે શું સંબંધ ધરાવે છે તે બાબતો પણ ચકાસવામાં આવે છે. 

યુએસ સરકાર વારસામાં મળતી મોટી સંપત્તિઓ પર સીધો જ એસ્ટેટ ટેક્સ લાદે છે. પરંતુ જો આ મિલકતમાંથી કોઈ આવક હોય તો તેના પર પણ અલગથી ઇન્કમ ટેક્સ લેવામાં આવે છે. 

વારસાગત ટેક્સ લાગશે કે નહિ તે કઈ રીતે નક્કી થશે?

- વારસાગત ટેક્સ એક મર્યાદાથી વધુ રકમ પર જ વસૂલવામાં આવે છે. જો વારસાની રકમ નિર્ધારિત મર્યાદા કરતા ઓછી હોય તો તેના પર આ ટેક્સ લેવામાં આવતો નથી.  

- સામાન્ય રીતે શરૂઆતમાં 10 ટકાથી ઓછો ટેક્સ લેવામાં આવે છે અને પછી તે વધીને 15 ટકાથી 40 ટકાની વચ્ચે થઈ જાય છે. 

- ટેક્સમાંથી મુક્તિ મળશે કે કેટલો ટેક્સ રેટ વસૂલ કરવો એ મૃત્યુ પામેલી વ્યક્તિ સાથે વારસદારના સંબંધ પરથી નક્કી કરવામાં આવે છે.

આ દેશોમાં પણ વારસાગત ટેક્સ વસૂલવામાં આવે છે

tax federation.org ના એક સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકા સિવાય વિશ્વના આ દેશોમાં પણ વારસાગત ટેક્સ વસૂલવામાં આવે છે. 

દેશવારસાગત ટેક્સ
જાપાન55%
દક્ષિણ કોરિયા50%
ફ્રાન્સ45%
યુકે40%
અમેરિકા40%
સ્પેન34%
આયર્લેન્ડ33%
બેલ્જિયમ30%
જર્મની30%
ચિલી25%
ગ્રીસ20%
નેધરલેન્ડ20%
ફિનલેન્ડ19%
ડેનમાર્ક15%
આઇસલેન્ડ10%
તુર્કી10%
પોલેન્ડ7%
સ્વિટ્ઝર્લૅન્ડ7%
ઇટાલી4%


શા માટે વારસાગત ટેક્સ વસૂલવામાં આવે છે?

સરકાર દ્વારા આટલો ભારે ટેક્સ લાદવાનો મુખ્ય ઉદ્દેશ્ય આવક મેળવવાનો છે. જેથી તે નાણા વિકાસના કામોમાં ખર્ચ કરી શકાય જેથી દેશની પ્રગતિ થાય. 

આ સિવાય દેશમાં વેલ્થ રીડિસ્ટ્રિબ્યુશન થઇ શકે એટલે કે તમામ મૂડી થોડા લોકોના હાથમાં મર્યાદિત ન રહે. 

ભારતમાંથી આ ટેક્સ ક્યારે દૂર કરવામાં આવ્યો?

રાજીવ ગાંધીની સરકાર દરમિયાન 1985માં વારસાગત ટેક્સ  નાબૂદ કરવામાં આવ્યો હતો. તત્કાલીન નાણામંત્રી વી.પી. સિંહ એવું માનતા હતા કે વારસાગત ટેક્સ સમાજમાં સંતુલન લાવવામાં અને સંપત્તિના તફાવતને ઘટાડવામાં નિષ્ફળ રહ્યો છે. 

'વારસાગત ટેક્સ' ખરેખર છે શું? કયા દેશોમાં કેટલા ટકા વસૂલાય છે? જાણો તેના નિયમો 2 - image


Google NewsGoogle News