Get The App

લેપટોપ કંપની HP 6000 કર્મચારીઓને દૂર કરશે, કંપનીના વેચાણમાં ઘટાડો, મોંઘવારી અને મંદીની ચિંતા

Updated: Nov 23rd, 2022


Google NewsGoogle News
લેપટોપ કંપની HP 6000 કર્મચારીઓને દૂર કરશે, કંપનીના વેચાણમાં ઘટાડો, મોંઘવારી અને મંદીની ચિંતા 1 - image


HP પાસે હાલમાં 50,000 થી વધુ કર્મચારીઓ 

કંપનીની છટણી યોજના 2025 સુધીમાં થશે પૂર્ણ 

વેચાણમાં ઘટાડો થતાં કંપનીએ લીધો નિર્ણય 

મેટા, ટ્વિટર અને એમેઝોન બાદ હવે વધુ એક ટેક કંપનીએ નોકરીઓ કાપવાનો નિર્ણય લીધો છે. લેપટોપ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક હેવલેટ પેકાર્ડ એટલે કે, HP Inc. લગભગ 6,000 લોકોને દૂર કરી શકે છે. આ તેના કુલ કર્મચારીઓના લગભગ 12% છે. HP પાસે હાલમાં 50,000 થી વધુ કર્મચારીઓ છે. જો કે, કંપનીની છટણી યોજના 2025 સુધીમાં પૂર્ણ થવાની છે. કોરોના મહામારી દરમિયાન પીસી અને લેપટોપ સેગમેન્ટમાં જોરદાર તેજી જોવા મળી હતી. જો કે, હવે વેચાણમાં ઘટાડો થયો છે, જેના કારણે HPએ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

મોંઘવારી અને વૈશ્વિક બજારમાં મંદીની ચિંતા પણ નોકરીમાં કાપનું એક કારણ હોઈ શકે છે. HPએ જણાવ્યું હતું કે, ચોથા ક્વાર્ટરમાં આવક વાર્ષિક ધોરણે 0.8% ઘટીને 14.80 બિલિયન ડોલર થઈ છે. પર્સનલ સિસ્ટમ્સ સેગમેન્ટમાં આવક, જેમાં PC નો સમાવેશ થાય છે, તે 13% ઘટીને 10.3 બિલિયન ડોલર થઈ ગયો છે. પ્રિન્ટિંગ આવક 7% ઘટીને 4.5 બિલિયન ડોલર થઈ. HP પહેલાં, ટ્વિટરે તેના લગભગ 50% કર્મચારીઓને બરતરફ કર્યા છે, જ્યારે મેટાએ તેના ઇતિહાસમાં સૌથી મોટી છટણીમાં 11,000 લોકોને દૂર કર્યા છે. એમેઝોનમાં પણ 10,000 થી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. એમેઝોને જ માહિતી આપી છે કે, છટણી આવતા વર્ષ સુધી ચાલુ રહેશે.

ગયા દિવસે સમાચાર આવ્યા હતા કે, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ 10,000 કર્મચારીઓની છટણી કરી શકે છે. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બજારની સ્થિતિ અને ખર્ચમાં કાપને કારણે આવું કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ગૂગલ મેનેજર્સને 'અંડર પરફોર્મિંગ' કર્મચારીઓનું વિશ્લેષણ અને રેન્કિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે. મંદીની શરૂઆતમાં, કંપનીઓને ઓછી માંગ, ઘટતો નફો અને ઊંચા દેવાનો સામનો કરવો પડે છે, ઘણી કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કરે છે. વધતી જતી બેરોજગારી એ મંદીને વ્યાખ્યાયિત કરતા ઘણા સૂચકાંકોમાંનું એક છે. મંદીમાં ગ્રાહકો ઓછો ખર્ચ કરે છે અને ઔદ્યોગિક ઉત્પાદન ધીમુ પડે છે.


Google NewsGoogle News