લાખો બેન્ક કર્મચારીઓ માટે ખુશખબર, પગાર વધારાને લઈને IBA અને બેંક યુનિયન વચ્ચે થઈ સમજૂતી
બેંક કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની ભેટ મળી નથી
Bank Employees Salary: દેશના 8.50 લાખ બેંક કર્મચારીઓના પગાર વધારાની મંજૂરી મળી ગઈ છે. આ અંગે ઈન્ડિયન બેંર એસોસિએશન (IBA) અને બેંક યુનિયનો વચ્ચે સમજૂતી થઈ છે. સરકારી બેંક કર્મચારીઓનો હાલનો 11મો પગાર કરાર પહેલી નવેમ્બર 2022થી સમાપ્ત થયો હતો. ત્યારથી, પગાર વધારા અંગે સર્વસંમતિ બનાવવા માટે યુનિયન અને આઈબીએ વચ્ચે વાતચીત ચાલી રહી હતી.
પગારમાં 17 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો
આ અંગેની જાહેરાત કરતી વખતે આઈબીએના ચેરમેન એ.કે. ગોયલે કહ્યું કે, 'પગારમાં 17 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત આગામી સમીક્ષા નવેમ્બર 2027માં થવાની છે.' જો કે, બેંક કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની ભેટ મળી નથી.
બેંકોમાં પાંચ દિવસ કામ કરવાની માગ
બેંક કર્મચારીઓની અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની માગ પૂરી કરવામાં આવી નથી અને બેંક એસોસિએશનનું કહેવું છે કે, માત્ર કેન્દ્ર સરકાર જ તેને મંજૂરી આપી શકે છે. બેંક યુનિયન બેંકોમાં પાંચ દિવસ કામ કરવાની માગ કરી હતી. IBA પહેલા જ સરકારને તમામ શનિવારને બેંકોમાં રજા તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ આપી ચૂક્યું છે.
હાલમાં દેશની બેંકો બીજા અને ચોથા શનિવારે જ બંધ રહે છે અને પહેલા અને ત્રીજા શનિવારે ખુલી રહે છે. આ રીતે બેંક કર્મચારીઓને એક મહિનામાં 6 વીકલી ઓફ મળે છે, તેને વધારીને 8 સાપ્તાહિક ઓફ કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી પરંતુ હાલમાં તે પુરી થઈ નથી.