ઈરાક કે સાઉદી અરેબિયા નહીં, ભારત માટે આ દેશ સૌથી મોટો તેલ સપ્લાયર બન્યો
ભારતે તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હવે તેલ ખરીદીની નવી પેટર્ન શરુ કરી
India Oil Purchase : ભારત માટે ઈરાક અને સાઉદી અરેબિયા લાંબા સમયથી સૌથી મોટા તેલ (crude oil)ના સપ્લાયર રહ્યા છે, જો કે ગયા વર્ષના આંકડાની વાત કરવામાં આવે તો સ્થિતિ કઈક અલગ જ જોવા મળે છે. ભારતે તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હવે તેલ ખરીદીની નવી પેટર્ન શરુ કરતા હવે ગલ્ફ દેશો બાદ રશિયા (Russia) સૌથી મોટા તેલ સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે.
ગલ્ફ દેશો સપ્લાયરના લિસ્ટમાં નીચેના ક્રમે આવી ગયા
ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો તેલનો આયાતકાર દેશ છે ત્યારે ભારત માટે એક સમયે ઈરાક અને સાઉદી અરેબિયા (iraq and Saudi Arabia) જેવા ગલ્ફના દેશો પરંપરાગત રીતે તેલ વેચનાર સૌથી મોટા સપ્લાયર હતા ત્યારે હવે બદલાતા સમય અને પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું શરુ કરતા ગલ્ફના દેશો સપ્લાયરના લિસ્ટમાં નીચેના ક્રમે આવી ગયા છે. ભારતે વર્ષ 2023માં રશિયા પાસેથી સૌથી વધુ તેલની ખરીદી કરી હતી. માહિતી અનુસાર, ભારતે ગયા વર્ષે રશિયા પાસેથી પ્રતિ દિવસ 16.6 લાખ બેરલ તેલની આયાત કરી હતી. 2022માં આ આંકડો માત્ર 6.51 લાખ બેરલ પ્રતિ દિવસ હતો. આનો અર્થ એ થયો કે 2022ની તુલનામાં 2023માં ભારત દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદીમાં 155 ટકાનો જબરદસ્ત વધારો થયો છે.
ઇરાક અને સાઉદી અરબને નુકસાન
એક સમચાર એજન્સીના જણાવ્યા અનુસાર ભારતની 2023માં રશિયા પાસેથી તેલની વધતી ખરીદીને પગલે ગલ્ફ દેશોને સૌથી વધુ નુકસાન થયું છે અને ભારતની ગલ્ફ દેશોમાંથી તેલની ખરીદી અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. આ કારણે ઇરાક અને સાઉદી અરેબિયા, જેઓ લાંબા સમયથી ભારતના સૌથી મોટા તેલ સપ્લાયર હતા, તેમને મોટા પાયે નુકસાન થયું છે. હવે ભારતના તેલ સપ્લાયરની યાદીમાં રશિયા બાદ ઈરાક બીજા ક્રમે જ્યારે સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.
ઓપેક દેશોનો આટલો હિસ્સો ઘટી ગયો
જો આખા વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો 2023માં ભારતની તેલની ખરીદીમાં એકંદરે વધારો થયો છે. વર્ષ 2023માં ભારતે પ્રતિ દિવસ સરેરાશ 46.5 લાખ બેરલ તેલની ખરીદી કરી હતી, જે 2022ની તુલનામાં 2 ટકા વધુ છે. ભારતની કુલ તેલની ખરીદીમાં ઓપેક દેશોનો હિસ્સો ઘટ્યો છે જેમાં એપ્રિલથી ડિસેમ્બર 2023 સુધીના નવ મહિનાની વાત કરવામાં આવે તો ઓપેક દેશોનો હિસ્સો ઘટીને 49.6 ટકા પર આવી ગયો, જે એક વર્ષ અગાઉ 64.5 ટકા હતો.