ડૉલર સામે રૂપિયો રૅકોર્ડ તળિયે, દેશ પર બોજ વધશે, શેરબજાર બાદ ફોરેક્સ માર્કેટે પણ રોવડાવ્યા
Image: FreePik |
Rupee Against Dollar: ભારતીય શેરબજાર ધડામ થયા બાદ ભારતીય રૂપિયો પણ અમેરિકી ડૉલર સામે રૅકોર્ડ તળિયે પહોંચ્યો છે. શુક્રવારે ડૉલર સામે 83.75નું લેવલ વટાવ્યા બાદ રૂપિયો સોમવારે અમેરિકી ડૉલરની સામે તેના સૌથી નીચા સ્તરે 83.86 પર પહોંચ્યો હતો. અમેરિકામાં મંદીના એંધાણ સાથે ડૉલર ઇન્ડેક્સમાં તેજી, શેરબજારમાં કડાકો અને વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે ડૉલર સામે રૂપિયો તૂટ્યો છે.
કેડિયા કોમોડિટીના અજય કેડિયાએ જણાવ્યું છે કે, અમેરિકામાં મંદીના ભયથી ભારતીય મૂડી બજારમાં વિદેશી રોકાણકારો મુશ્કેલીમાં મૂકાયા છે. આ કારણોસર ઊભરતાં બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોના મોટા પ્રમાણમાં શેર્સની વેચવાલીની અસર રૂપિયા પર પણ જોવા મળી રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં નોકરીઓ ઘટવાથી વૈશ્વિક બજારમાં સંકટ સર્જાયું છે અને મંદીની ચિંતા વધી ગઈ છે. બીજી બાજુ જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ પણ વધી છે.
હવે આગળ શું?
રૂપિયો નબળો બનતાં સરકાર પર બોજો વધશે. તેમજ ફોરેક્સ ટ્રેડર્સનું ટેન્શન વધ્યું છે. ભારતમાં આયાત મોંઘી થવાની શક્યતા છે. ક્રૂડના ભાવો વધતાં ભારતની આર્થિક સ્થિતિ પર અસર થઈ શકે છે. RBI રૂપિયાને મેનેજ કરવા માટે પગલાં લઈ શકે છે. આરબીઆઈ ડૉલરની મોટાપાયે વેચવાલી શરૂ કરી શકે છે. સરકારી બૅન્કો દ્વારા ડૉલરનું વેચાણ વધી શકે છે.
પેટ્રોલ-ડિઝલ મોંઘુ થશે
ડૉલરના મૂલ્યમાં એક રૂપિયાના વધારાથી ઓઇલ કંપનીઓ પર 8,000 કરોડ રૂપિયાનો બોજ વધી ગયો છે. રૂપિયાના ઘટાડાને કારણે પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત મોંઘી થશે. HPCL, IOC અને BPCL પેટ્રોલ અને ડિઝલની સ્થાનિક કિંમતમાં વધારો કરી શકે છે. ડિઝલના ભાવમાં વધારાને કારણે માલવાહક પરિવહનમાં વધારો થશે, જેના કારણે મોંઘવારી વધી શકે છે. આ સિવાય ભારત ખાદ્યતેલ અને કઠોળની પણ મોટા પાયે આયાત કરે છે. રૂપિયો નબળો પડવાને કારણે સ્થાનિક બજારમાં ખાદ્યતેલ અને કઠોળના ભાવ વધી શકે છે. જેના કારણે તેમને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી રહી છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં 10 ટકાના વધારાથી ફુગાવો લગભગ 0.8 ટકા વધે તેવી શક્યતા છે. આની સીધી અસર તમારા ખોરાક અને પરિવહન ખર્ચ પર પડે છે.