RBIની ડિવિડન્ડની જાહેરાતના પગલે રૂપિયો મજબૂત થયો, ડોલર સામે એક ઝાટકે મોટો સુધારો
Rupee vs Dollar Today: ભારતીય શેરબજારની તેજી વચ્ચે રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો છે. આરબીઆઈ દ્વારા સરકારને અપેક્ષા કરતાં વધુ ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાતના લીધે પણ રૂપિયો મજબૂત બન્યો છે.
આજે શુક્રવારે ડોલર સામે રૂપિયો 0.3% જેટલો સુધરી 83.03 થયો હતો, જે 15 ડિસેમ્બર,2023 બાદની સૌથી મજબૂત સ્થિતિ છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સમાચાર લખાયા ત્યારે 83.09 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે ડોલર સામે રૂપિયો 83.28 પર બંધ રહ્યો હતો.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સરકારને 2.11 લાખ કરોડનુ ડિવિડન્ડ બજેટના અંદાજ કરતાં બમણુ થયુ છે. જેના લીધે રૂપિયો મજબૂત બન્યો છે. લોકસભા ચૂંટણીમાં સ્થિર સરકારની અપેક્ષા સાથે વિદેશી રોકાણકારોએ પણ ભારતીય શેરબજારમાં ખરીદી શરૂ કરી છે.
એચડીએફસી સિક્યોરિટીઝના કરન્સી સ્ટ્રેટેજિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે, ડિવિડન્ડ મેક્રો આઉટલૂકમાં મદદરૂપ થવાથી શેરો તરફનું સેન્ટિમેન્ટ હકારાત્મક બન્યું હોવાથી રૂપિયો વધ્યો હતો. દેશમાં રાજકીય સ્થિરતા પર બજારો વધુ સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે.
વિદેશી હૂંડિયામણની વધતી જતી અનામત પણ રૂપિયાને ટેકો આપી રહી છે. શુક્રવારના રોજ જારી કરાયેલા ડેટા અનુસાર, 17 મે સુધીમાં ભારતનો ડોલરનો સ્ટોક વધીને રેકોર્ડ-ઉચ્ચ $648.7 અબજે પહોંચ્યો હતો.
રૂપિયાની ગતિ બે પરિબળો પર આધારિત છે: ભારત માટે વધુ સારી ફાઈનાન્સિયલ પ્રોફાઇલ અને RBI ડિવિડન્ડ, જે અર્થતંત્ર માટે સકારાત્મક વલણ દર્શાવી રહ્યા હોવાનું એમ્કે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસના અર્થશાસ્ત્રી માધવી અરોરાએ જણાવ્યું હતું.