રૂપિયો ICUમાં : ઇન્ટ્રા-ડે તૂટી 85.82ના તળિયે પટકાયો
- ફોરેક્સ રિઝર્વમાં 8.40 અબજ ડોલરનો ઘટાડો
ડોલર સામે રૂપિયો ઇન્ટ્રાડે 55 પૈસા તૂટયા બાદ કામકાજના અંતે બાઉન્સ બેક થયો અંતે 25 પૈસા તૂટી અંતે 85.52ના મથાળે બંધ રહ્યો
- એક દિવસીય કડાકામાં બાવીસ મહિનાનો રેકોર્ડ તૂટયો રૂપિયાએ સળંગ આઠમો સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો
અમદાવાદ, મુંબઈ : ડૉલરનો આઉટફ્લો વધવા સાથે વેપારખાદ્યમાં વધારો તેમજ વૈશ્વિક સ્થળે ક્રુડ ઓઇલ ઉચકાતા આજે હુંડિયામણ બજરમાં રૂપિયા સામે ડોલરમાં અકલ્પનિય તોફાની વધઘટ વચ્ચે ઐતિહાસિક ઉથલપાથલમાં રૂપિયો એક તબક્કે ઇન્ટ્રાડે ૫૫ પૈસા તૂટીને ઉંચામાં રૂ.૮૫.૮૨ની નવી તળિયાની સપાટીએ પટકાયા બાદ બાઉન્સબેક થયો હતો અને કામકાજના અતે ૨૫ પૈસા તૂટીને ૮૫.૫૨ની ઓલટાઇમ લો સપાટીએ બંધ રહ્યો હતો.
રૂપિયામાં આજે એક દિવસીય કડાકામાં ફેબુ્રઆરી ૨૦૨૩ પછીનો નવો રેકોર્ડ નોંધાયો હતો. રુપિયો શુક્રવારે ૦.૩ ટકા ઘટીને ૮૫.૫૩૨૫ પર બંધ આવ્યો હતો. રુપિયાનો ચોથી જૂન પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. ચોથી જૂનના રોજ ભારતની સામાન્ય ચૂંટણીના આવેલા પરિણામોએ બજારને ચોંકાવ્યુ હતુ. રુપિયો તે સપ્તાહમાં લગભગ ૦.૩ ટકા ઘટયો હતો અને તેનો આ સળંગ આઠમો સાપ્તાહિક ઘટાડો છે.
ડોલરના ભાવ રૂ.૮૫.૨૭ વાળા આજે સવારે ૮૫.૩૧ ખુલ્યા પછી સ્પ્રિંગની જેમ ઉછળી જોતજોતામાં ઉંચામાં ૮૫.૮૨ સુધી ઉછળ્યા હતા. જો કે ત્યારબાદ તેજીના વળતા પાણી થતાં ડોલરના ભાવ ફરી નીચા ઉતરી છેલ્લે બંધ ભાવ રૂ.૮૫.૫૨ રહ્યા હતા. ઈન્ટ્રા-ડે તેમ જ બંધ ભાવના સંદર્ભમાં રૂપિયો આજે વધુ કડાકા સામે નવા તળિયે પટકાયો હતોે. વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ ૧૦૮.૧૩ વાળો ઉંચામાં ૧૦૮.૨૦ થયા પછી ઘટી ૧૦૮.૧૪ રહ્યાના સમાચાર મળ્યા હતા.
ડોલર સામે રૂપિયામાં સતત ધોવાણ ચાલુ રહ્યું હતું તથા રૂપિયો નવા નીચા તળિયે પટકાતાં દેશમાં આયાત થતી સોના-ચાંદી, ક્રૂડતેલ સહિતની વિવિધ ખાદ્ય ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ પણ વધી જવાની ગણતરી વચ્ચે હવે દેશમાં મોંઘવારી તથા ફુગાવો વધુ ઉંચા જતા જોવા મળશે એવી ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ડોલર ઉછળતાં દેશમાંથી વિવિધ ચીજોની નિકાસ જો કે વધવાની શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા હતા.
ડોલરમાં આજે નોન-ડિલીવરેબલ ફોરવર્ડ માર્કેટમાં ચહલપહલ વધી હતી. મંથ એન્ડ તથા વર્ષના પણ અંત ભાગ વચ્ચે કરન્સી બજારમાં તાજેતરમાં ઈમ્પોર્ટરોની તથા ઓઈલ કંપનીઓની ખરીદી વધ્યાની ચર્ચા હતી.
બજારમાં ચર્ચાતી વાતો મુજબ રિઝર્વ બેન્ક આ પૂર્વેના ગવર્નર કરન્સી બજાર માટે એક્ટીવ ભૂમિકા ભજવતા હતા રૂપિયામાં ધોવાણ કાબુમાં રાખવા વિવિધ પ્રયત્નો કરતા રહ્યા હતા જ્યારે તેમના સ્થાને આવેલા નવા ગવર્નર હજી એક્ટીવ બને એ પૂર્વે કરન્સી બજારમાં વ્યાપક ઉથલપાથલ સર્જાઈ છે. નવા ગવર્નર દ્વારા હવે આ પ્રશ્ને કેવા પગલાં ભરવામાં આવે છે તેના પર બજારની નજર હતી. જો કે આજે ડોલરમાં ઉંચા મથાળે વિવિધ સરકારી બેન્કોની વેચવાલી પણ વધ્યાની ચર્ચા સંભળાઈ હતી.
દેશમાં વેપાર ખાધ વધતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં રૂપિયા પર દબાણ વધ્યું હતું. અમેરિકામાં જોબલેસ કલેઈમ્સ ઘટયાના સમાચાર હતા. આના પગલે ત્યાં જોબ માર્કેટ સ્ટ્રોન્ગ બની ગયાના સંકેતો મળ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચામાં બે વર્ષની ટોચ બતાવતો હતો. ડોલરમાં વધતી બજારે સટ્ટારૂપી વેપારો પણ વધ્યાની ચર્ચા હતી.
આ વર્ષે રૂપિયો આશરે ૩ ટકા તૂટયો છે. છેલ્લા સતત ૭ વર્ષથી રૂપિયોે નીચો ઉતરી રહ્યો છે. દરમિયાન, દેશનું ફોરેક્સ રિઝર્વ વધુ ૮.૪૦ અબજ ડોલર ઘટી ૬૪૪.૩૯ અબજ ડોલરના મથાળે ઉતરતાં તેની પણ રૂપિયા પર નેગેટીવ અસર દેખાઈ હતી. દેશમાંથી ડોલરનો આઉટફલો વધ્યાના નિર્દેશો મળ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડ આજે ૧૭ પૈસા વધી ૧૦૭.૦૧ રહ્યો હતો.જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૪૩ પૈસા વધી રૂ.૮૯.૧૧ રહ્યા હતા. જાપાનની કરન્સી ૦.૩૧ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૩૨ ટકા ઉંચકાઈ હતી.