ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં રૂપિયામાં નવો કડાકો: 84ની નજીક પહોંચી ગયો
- હુંડીયામણ બજાર પર રિઝર્વ બેન્કની બારીક નજર
- કામકાજના અંતે પાઉન્ડ ૧૦૬.૭૩ અને યુરો ૯૧.૬૪
ઇન્ટ્રાડે ડોલર સામે રૂપિયો તૂટીને ૮૩.૯૮ થઇ અંતે ૮૩.૯૭
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધુ ઉંચા જતાં રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. શેરબજારમાં ઘટાડો આગળ વધતાં કરન્સી બજારમાં રૂપિયો આજે પણ દબાણ હેઠળ જોવા મળ્યો હતો.
ડોલરના ભાવ રૂ.૮૩.૮૬ વાળા આજે સવારે રૂ.૮૩.૮૪ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૩.૮૩ થયા પછી ઉંચામાં ભાવ રૂ.૮૩.૯૮ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૯૭ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. ડોલરના ભાવ ઉંચામાં રૂ.૮૪ની નજીક પહોંચ્યા હતચ્ત્યાં હવે પછી ભાવ રૂ.૮૪ની સપાટી પાર થશે તો ડોલરમાં વધુ ઝડપી તેજી આવશે તથા રૂપિયોમાં નવા નીચા ભાવ દેખાશે એવી શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઘરઆંગણે આયાત થતી ક્રૂડ ઓઈલ સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જશે તથા આના પગલે મોંઘવારી તતા ફુગાવો વધુ વધી જશે એવી ભિતી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
આવા માહોલમાં હવે રિઝર્વ બેન્કની બારીક નજર પણ કરન્સી બજાર પર રહી છે તથા હવે પછી કદાચ આરબીઆઈની સૂચનાથી સરકારી બેન્કો બજારમાં ડોલર વેંચવા નિકળશે એવી ગણતરી પણ જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાં ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે ત્યારે આરબીઆઈ ડોલર વેંચે તો પણ ચિંતા નથી એવી ચર્ચા આજે બજારમાં સંભળાઈ રહી હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે આજે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ પણ ઉંચકાયાના સમાચાર હતા. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૧૦૨.૬૮થી ૧૦૨.૬૯ વાળો વધી ઉંચામાં ૧૦૩.૧૪ થઈ ૧૦૩.૦૬થી ૧૦૩.૦૭ રહ્યો હતો. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં તેની અસર પણ મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી.
અમેરિકામાં હવે પછી વ્યાજના દર ક્યારે ઘટાડવામાં આવે છે તેના પર બજારની નજર હતી. દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૧૦૬.૮૫થી ૧૦૬.૮૬ વાળા ઘટી રૂ.૧૦૬.૬૧ થઈ છેલ્લે ભાવ રૂ.૧૦૬.૭૨થી ૧૦૬.૭૩ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂ.૯૧.૮૪ વાળા ઘટી રૂ.૯૧.૫૬ થઈ છેલ્લે ભાવ રૂ.૯૧.૬૩થી ૯૧.૬૪ રહ્યા હતા. રૂપિયા સામે આજે જાપાનની કરન્સી ૦.૪૧થી ૦.૪૨ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૦૨થી ૦.૦૩ ટકાનો નજીવો ઘટાડો બતાવતી હતી.