Get The App

ડોલર સામે રૂપિયો ફરી નબળો પડ્યો, 84.71ના નવા તળીયે, મોંઘવારીમાં ઝડપથી વધારો થશે

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
ડોલર સામે રૂપિયો ફરી નબળો પડ્યો, 84.71ના નવા તળીયે, મોંઘવારીમાં ઝડપથી વધારો થશે 1 - image


- બ્રિકસ દેશોને  ટ્રમ્પની ટેરીફની ચેતવણી વચ્ચે

- પાઉન્ડ ઉંચકાયો : સરકારી બેન્કોની ડોલરમાં વેચવાલી છતાં રૂપિયામાં વ્યાપક ધોવાણ : ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ પણ ઉંચકાયો

મુંબઈ : કરન્સી બજારમા રૂપિયા સામે ડોલરના ભાવમાં ઈન્ટ્રાડે રેકોર્ડ તેજી ઝડપી ગતિએ આગળ વધતાં ૮૪.૫૧ નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. રૂપિયો તૂટતાં દેશમાં આયાત થતી ક્રૂડતેલ સહિતની વિવિધ ચીજો મોંઘી બનવાની તથા ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ઘરઆંગણે ફુગાવો તથા મોંઘવારી વધુ ઉંચે જવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

ડોલરના ભાવ રૂ.૮૪.૫૦ વાળા શનિવારે બંધ બજારે વધી રૂ.૮૪.૫૯થી ૮૪.૬૦ બોલાયા હતા તે આજે સવારે રૂ.૮૪.૫૮ તુટયા પછી ઉંચામાં ભાવ રૂ.૮૪.૭૧ થઈ છેલ્લે બંધ ભાવ  રૂ.૮૪.૭૦ રહ્યા હતા. ડોલરના ભાવ રૂપિયા સામે આજે નવી ઉંચી રેકોર્ડ સપાટીએ પહંચતા રૂપિયામાં વ્યાપક ધોવાણ જોવા મળ્યું હતું. શેરબજાર ઉંચકાવા છતાં રૂપિયો ગબડતો જોવા મળ્યો હતો. 

ભારતમાં જીડીપીના આંકડા નબળા આવતાં તથા જીએસટીની આવકમાં પણ ઘટાડો નોંધાતાં કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે બ્રીક દેશો સામે ઉગ્ર ટેરીફનું શસ્ત્ર ઉગામવાનો સંકેત આપતાં વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ ઉંચકાયો હતો. 

અમેરિકામાં  આ સપ્તાહમાં બહાર પડનારા જોબ માર્કેટના આંકડાઓ પર હવે બજારના ખેલાડીઓની નજર રહી હતી. ડિસેમ્બરમાં અમેરિકાના ફેડરલ રિઝર્વની મળનારી મિટિંગમાં હવે વ્યાજના દરમાં કેટલો ઘટાડો કરવામાં આવે છે તેના પર પણ નજર રહી હતી. મુંબઈ બજારમાં આજે રિઝર્વ બેન્કની કહેવાતી સુચનાથી અમુક સરકારી બેન્કો ઉછાળે ડોલર વેચતી જોવા મળી હતી અને તેના પગલે રૂપિયો વધુ તૂટતો અટક્યો  હતો. સરકારી બેન્કોની આવી વેચવાલી નહિં આવી હોત તો રૂપિયો વધુ ગબડવાની શક્યતા હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉછળતાં તેની અસર પણ કરન્સી બજાર પર દેખાઈ હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૫.૭૪ વાળો ઉંચામાં ૧૦૬.૪૫ થઈ ૧૦૬.૩૧ રહ્યાના સમાચાર મળ્યા હતા. મુંબઈ બજારમાં રૂપિયા સામે ડોલર ઉપરાંત આજે પાઉન્ડના ભાવ પણ ૩૬ પૈસા વધ્યા હતા. પાઉન્ડના ભાવ ઉંચામાં રૂ.૧૦૭.૬૩ થઈ છેલ્લે રૂ.૧૦૭.૬૦ રહ્યા હતા. જો કે યુરોપીયન કરન્સી યુરોના ભાવ  ૧૬ પૈસા ઘટયા હતા. 

યુરોના ભાવ નીચામાં ૮૮.૯૦ થઈ છેલ્લે રૂ.૮૯.૦૬ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે ૦.૦૯ ટકા વધી હતી. ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૧૭ ટકા ઘટયાના નિર્દેશો મળ્યા હતા. 

ભારતમાં રૂપિયાને ગબડતો અટકાવવા રિઝર્વ બેન્કની કહેવાતી સુચનાથી સરકારી બેન્કો છેલ્લા ઘણા સમયથી ડોલર વેંચતી રહી છે તથા તેના પગલે દેશમાં ફોરેક્સ રિઝર્વમાં સતત પીછેહટ જોવા મળી છે અને તેની અસર પણ રૂપિયા પર દેખાઈ હતી.


Google NewsGoogle News