Get The App

ડોલર સામે રૂપિયામાં 84.89નું નવું તળિયું

- અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શક્યતા વચ્ચે વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઘટયો

- શેરબજારમાં પીછેહટ તથા ક્રૂડતેલના ભાવ વધવાની અસર : પાઉન્ડ તથા યુરોના ભાવ ઉંચકાયા

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
ડોલર સામે રૂપિયામાં 84.89નું નવું તળિયું 1 - image


મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં  આજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉંચકાતાં રૂપિયો નવા તળિયે ઉતર્યો હતો. ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૮૫ની નજીકના સ્તરે હવે પહોંચી ગયા છે તથા રૂ.૮૫ની સપાટી ટૂંકમાં જોવા મળશે એવી શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૮૪.૮૪ વાળા આજે સવારે રૂ.૮૪.૮૫  ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૪.૮૩ થઈ ઉંચામાં ભાવ રૂ.૮૪.૮૯ની નવી ઉંચી ટોચ બતાવી છેલ્લે બંધ ભાવ રૂ.૮૪.૮૬ રહ્યા હતા. 

 બંધ ભાવના સંદર્ભમાં પણ રૂપિયો આજે નવા તળિયે ઉતરી ગયો હોવાનું બજારમાં જણાવાઈ રહ્યું હતું.  મુંબઈ શેેરબજારમાં પીછેહટ તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં આગેકૂચના પગલે કરન્સી બજારમાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જો કે અમુક સરકારી બેન્કોએ આજે ઉંચા મથાળે ડોલર વેંચ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ રહી હતી.

જો કે વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૦.૧૩ ટકા ઘટયાના સમાચાર મળ્યા હતા.  ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૧૦૬.૭૧ વાળા નીચામાં ૧૦૬.૩૫ થઈ ૧૦૬.૫૭ રહ્યાના સમાચાર હતા.  ભારતમાં રિઝર્વ બેન્કના નવા ગવર્નર વ્યાજ દરમાં ઘટાડો કરવાની તરફેણમાં હોવાના સમાચારની અસર રૂપિયા પર દેખાઈ છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વની આવતા સપ્તાહમાં મળનારી મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે એવી ગણતરી વચ્ચે વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ આજે દબાણ હેઠળ જોવા મળ્યો હતો.

દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ઝડપી ૨૭ પૈસા વધ્યા હતા. પાઉન્ડના ભાવ ઉંચામાં રૂ.૧૦૮.૫૨ થઈ છેલ્લે ભાવ રૂ.૧૦૮.૨૮ રહ્યા હતા. 

યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૨ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ. ૮૯.૩૮ થઈ છેલ્લે બંધ ભાવ  રૂ.૮૯.૨૧ રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર સામે બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ ઉંચકાયાના સમાચાર મળ્યા હતા.

 મુંબઈ બજારમાં  રૂપિયા સામે જાપાનની કરન્સીમાં આજે ૦.૦૨ ટકાનો ધીમો ઘટાડો નોંધાયો હતો જ્યારે ચીનની કરન્સી ૦.૦૧ ટકા માઈનસમાં રહી હતી. દરમિયાન, ચીનથી મળેલા સમાચાર મુજબ ત્યાં અર્થતંત્રને પીઠબળ આપવા સરકાર વેરાકિય સ્ટીમ્યુલ્સ આપશે તથા બજેટ ડેફીસીટ વધારવા ઉપરાંત વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે પણ ત્યાં વિચારણા ચાલી રહ્યાના સમાચાર મળ્યા હતા. મુંબઈમાં નોન-ડિલીવરેબલ ફોરવર્ડ માર્કેટમાં ડોલર માટે માગ વધ્યાની ચર્ચા હતી. ડોલર-રૂપીના પ્રીમિયમ પણ વધ્યા હતા.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃ ૮૪.૮૬

પાઉન્ડ

રૃ ૧૦૮.૨૮

યુરો

રૃ ૮૯.૨૧

યેન

રૃ ૦.૫૬


Google NewsGoogle News