Get The App

રૂપિયામાં તીવ્ર કડાકા વચ્ચે 84.86નું નવું તળિયું

- વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધતા મોંઘવારી પણ વધશે

- આરબીઆઈ ફેબુ્રઆરીમાં વ્યાજ દર ઘટાડશે એવા સંકેતો: અમેરિકામાં પણ આવતા સપ્તાહમાં વ્યાજ દરમાં ઘટાડો થવાની વકી

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
રૂપિયામાં તીવ્ર કડાકા વચ્ચે 84.86નું નવું તળિયું 1 - image


મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં  આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઉછાળો નોંધાતા રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવરૂ.૮૪.૭૪ વાળા આજે સવારે રૂ.૮૪.૭૮ ખુલ્યા પછી ભાવ ઉછળી ઉંચામાં રૂ.૮૪.૮૬ની નવી ઉંચી ટોચ બતાવી છેલ્લે બંધ ભાવ રૂ.૮૪.૮૫ રહ્યા હતા. ડોલર સામે  રૂપિયો આજે વધુ ૦.૧૩ ટકા ગબડયો હતો.  રિઝર્વ બેન્કના નવા ગવર્નર લ્હોત્રા દ્વારા આગળ ઉપર વ્યાજ દરમાં ઘટાડો કરવાની દિશામાં પગલાં ભરાશે એવા સંકેતો વચ્ચે કરન્સી બજારમાં રૂપિયા પર અસર દેખાઈ હતી.  

નવા વર્ષમાં આરબીઆઈ દ્વારા આરંભમાં વ્યાજ દર ઘટાડવામાં આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. આરબીઆઈની હવે પછી ફેબુ્રઆરીમાં મળનારી ધિરાણ નીતિ વિષયક મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ફુગાવાના બદલે હવે નવા ગવર્નર વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરાશે એવી શક્યતા બજારમાં ચર્ચાતી રહી હતી.  વિવિધ રેટીંગ એજન્સીઓ તથા ઈન્વેસ્ટમેન્ટ બેન્કરો  દ્વારા આવી શક્યતા બતાવાઈ રહી છે.

દરમિયાન, ડોલર ઉછળતાં તથા રૂપિયો નવા નીચા તળિયે ભાવ જતાં દેશમાં આયાત થતી ક્રૂડતેલ તથા સોના-ચાંદી ઉપરાંતની  વિવિધ કૃષી ચીજો તથા નોન-એગ્રી  આયાતી માલોની ઈમ્પોર્ટ કોસ્ટ વધુ ઉંચી જવાની ભીતિ વચ્ચે હવે પછી દેશમાં મોંઘવારી તથા ફુગાવો  વધુ ઉંચે જવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

જો કે રૂપિયો ગબડતાં ભારતથી વિવિધ ચીજોની નિકાસને વેગ મળશે એવી ગણતરી પણ જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં અમેરિકાના  બહાર પડનારા ફુગાવાના આંકડાઓ પર નજર રહી હતી. અમેરિકાના ફેડરલ રિઝર્વની આવતા સપ્તાહમાં મળનારી મિટિંગમાં વ્યાજના દરમાં કેટલો ઘટાડો કરવામાં આવે છે તેના પર પણ ખેલાડીઓની નજર હતી. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ૦.૧૭ ટકા વધી ઉંચામાં ૧૦૬.૪૧ થઈ ૧૦૬.૩૩ રહ્યાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૪ પૈસા વધી ઉંચામાં રૂ.૧૦૮.૩૦ થઈ છેલ્લે રૂ.૧૦૮.૨૩ રહ્યા હતા. જો કે રૂપિયા સામે યુરોપીયન કરન્સી યુરોના ભાવ  ૧૭ પૈસા ઘટયા હતા. યુરોના ભાવ નીચામાં રૂ.૮૯.૨૯ થઈ  છેલ્લે રૂ.૮૯.૩૭ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૦૯ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયાસામે ૦.૧૬ ટકા ઉંચકાઈ હતી.  ચીનમાંથી નિકાસ વધ્યાના વાવડ હતા ઉપરાંત ત્યાં સરકાર કથળેલા અર્થતંત્રને પીઠબળ આપવા વ્યાપક નવા સ્ટીમ્યુલ્સ આપશે એવા સમાચોર પણ વહેતા થયા હતા.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃ ૮૪.૮૫

પાઉન્ડ

રૃ ૧૦૮.૨૩

યુરો

રૃ ૮૯.૩૭

યેન

રૃ ૦.૫૬

dollar-up

Google NewsGoogle News