શેરબજાર તૂટતા, વેપાર ખાધ વધતાં રૂપિયો તૂટીને 84.94ના નવા તળિયે
- હવે રૃા.૮૫ પર બજારની નજર: યુએસ ડોલર સામે કેનેડીયન ડોલર સાડા ચાર વર્ષના તળીયે
- ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ વધી ૧૦૭ની સપાટી વટાવી ગયો: પાઉન્ડ ઉંચામાં રૃા. ૧૦૮ નજીક
મુંબઈ : મુંબઇ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતા રૂપિયો નવા કડાકા વચ્ચે નવા નીચા તળીયે પહોંચ્યો હતો. ડોલરના ભાવ રૂા. ૮૪.૮૮ વાળા આજે સવારે રૂા. ૮૪.૮૯ ખુલ્યા પછી આજે સવારે રૂા. ૮૪.૮૯ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂા. ૮૪.૯૪ થઇ છેલ્લે બંધ ભાવ રૂા. ૮૪.૯૦ રહ્યા હતા.
શેર બજાર ગબડતાં રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલરનો આઉટફ્લો વધ્યાની ચર્ચા વચ્ચે ડોલરમાં તેજી આગળ વધી હતી.
બંધ ભાવના સંદર્ભમાં પણ આજે રૂપિયામાં ફેડરલ રિઝર્વની મિટિંગ મંગળવારે શરૂ થઇ છે. તથા ત્યાં આ બે દિવસીય મિટિંગમાં બુધવારે વ્યાજના દરમાં કેટલો ઘટાડો કરવામાં આવે છે તેના પર બજારની નજર રહી હતી. આ ઉપરાંત આગામી નવા વર્ષ માટે ફેડરલ રિઝર્વ વ્યાજ કપાત તથા ફુગાવા વિશે કેવા સંકેતો આપે છે તેની રાહ પણ બજારના ખેલાડીઓ જોઇ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ડોલર સામે યુરોના ભાવ આ વર્ષે આશરે પાંચ ટકા તૂટયા હતા. અમેરિકા તથા જર્મનીના બોન્ડની યીલ્ડ વચ્ચેનો તફાવત વધતાં તેની અસર યુરો પર દેખાઇ હતી.
અમેરિકા ઉપરાંત જાપાન તથા બ્રિટનની સેન્ટ્રલ બેંકોની મળનારી મિટિંગો પર પણ બજારની નજર હતી. અમેરિકન ડોલર સામે કેનેડીયન ડોલર ગબડી સાડા ચાર વર્ષમાં તળીયે ઉતર્યો છે. કેનેડામાં નાણાં પ્રધાને ઓચીતું રાજીનામું આપી દીધાના વાવડ પણ મળ્યા હતા. ચીનના બોન્ડની યીલ્ડ ગબડી નવા તળીયે ઉતરી હતી.
વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ આજે ૦.૧૪ ટકા વધ્યો હતો. ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ ૧૦૭ પાર કરી ઉંચામાં ૧૦૭.૦૬ થઇ ૧૦૭.૦૧ રહ્યાના સમાચાર હતા. દરમિયાન મુંબઇ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ વધુ ૩૩ પૈસા વધી ઉંચામાં રૂા. ૧૦૭.૯૧ થઇ છેલ્લે બંધ ભાવ રૂા. ૧૦૭.૭૨ રહ્યા હતા.
જો કે રૂપિયા સામે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૨ પૈસા ઘટી નીચામાં રૂા. ૮૮.૯૮ થઇ છેલ્લે ભાવ રૂા. ૮૯.૦૪ રહ્યા હતા. દરમિયાન, રૂપિયા સામે જાપાનની કરન્સી ૦.૨૦ ટકા વધી હતી. જ્યારે ચીનની કરન્સી સાંકડી વધઘટે શાંત રહી હતી.
ભારતમાં વેપાર ખાધ વધતા તેની અસર રૂપિયા પર નેગેટીવ દેખાઇ હતી. જો કે વિશ્વ બજારમાં આજે ક્રૂડ તેલના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહેતા રૂપિયામાં તેટલા પ્રમાણમાં ધોવાણ સિમિત રહ્યાની ચર્ચા બજારમાં સંભળાઇ હતી.
ફોરેક્સ ભાવ
ડોલર |
રૃ ૮૪.૯૦ |
પાઉન્ડ |
રૃ ૧૦૭.૭૨ |
યુરો |
રૃ ૮૯.૦૪ |
યેન |
રૃ ૦.૫૫ |