ડોલર સામે રૂપિયો ગબડી રૂ.84.39ના નવા તળિયે
- ડોલર ઉંચામાં રૂ.૮૪.૩૯ થઈ છેલ્લે રૂ.૮૪.૩૭ના મથાળે બંધ રહ્યો
- રિઝર્વ બેન્કની સક્રિયતા વચ્ચે હવે સરકારી બેન્કો ડોલર વેચવા નિકળે એવી શક્યતા
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં ડોલર સામે રૂપિયો ગબડી નવા નીચા તળિયે ઉતરી ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકામાં પ્રમુખપદે ટ્રમ્પ ફરી આવી જતાં તથા મુંબઈ શરેબજારમાં તેજીને બ્રેક વાગી શેરબજાર આજે ફરી ગબડતાં કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધતું જોવા મળ્યું હતું. ડોલરના ભાવ રૂ.૮૪.૨૯ વાળા સવારે રૂ.૮૪.૨૬ ખુલ્યા પછી ઝડપી ઉછળી ઉંચામાં ભાવ રૂ.૮૪.૩૯ સુધી પહોંચી છેલ્લે બંધ ભાવ રૂ.૮૪.૩૭ રહ્યા હતા.
રૂપિયા સામે ડોલરના આવા ઉંચા ભાવ આ પૂર્વે ક્યારેય જોવા મળ્યા નથી અને રૂપિયો નવા તળિયે ઉતરી જતાં દેશમાં આયાત થતી બધી ચીજો મોંઘી બની જવાની તથા તેના પગલે ઘરઆંગણે મોંઘવાર વધુ વધવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ બુધવારે ૧૭ પૈસા વધ્યા પછી આજે ભાવ વધુ ૮ પૈસા ઉછળ્યા હતા.
ટ્રમ્પના આગમન વચ્ચે અમેરિકામાં ગ્રોથ સાથે ફુગાવો પણ ઉંચો જવાની શક્યતા બતાવાતી થઈ છે અને તેના પગલે ત્યાં હવે પછી વ્યાજના દરમાં થનારો અપેક્ષીત ઘટાડો વિલંબમાં પડવાની ગણતરી પણ જાણકારો બતાવતા થયા છે અને તેની અસર ડોલરના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી. જો કે વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે વધતો અટકી ઘટાડા પર રહ્યો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૫.૦૯ વાલો આજે ઉંચામાં ૧૦૫.૨૫ થયા પછી ઘટી નીચામાં ૧૦૪.૭૦ થઈ ૧૦૪.૮૮ રહ્યાના સમાચાર મળ્યા હતા.
મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૧૦ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૯.૨૦ થઈ છેલ્લે રૂ.૧૦૮.૯૧ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૪ પૈસા વધ્યા હતા. યુરોના ભાવ ઉંચામાં રૂ.૯૦.૮૭ થઈ છેલ્લે રૂ.૯૦.૬૮ રહ્યા હતા.
જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૫૩ ટકા ઉંટકાઈ હતી જ્યારે ચીનની કરન્સી ૦.૩૦ ટકા પ્લસમાં રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન મુંબઈ કરન્સી બજારમાં ચર્ચાતી વાતો મુજબ રૂપિયો ઝડપી ગબડતાં હવે રિઝર્વ બેન્ક સક્રિય બનશે તથા સરકારી બેન્કો હવે બજારમાં ઉંચા મથાળે ડોલર વેંચવા નિકળશે એવી શક્યતા જાણકારો બતાવતા થયા છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી આજે ફરી નીચા ઉતરતાં તેની અસર પણ રૂપિયાની વધઘટ પર આજે જોવા મળી હતી.