Get The App

રૂપિયો ગગડીને 86.70 થતાં મોંઘવારી માઝા મૂકશે

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
રૂપિયો ગગડીને 86.70 થતાં મોંઘવારી માઝા મૂકશે 1 - image


- ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડો, બે વર્ષનો સૌથી મોટો કડાકો નોંધાયો

- ડોલરમાં એકધારી તેજીના પગલે આગામી સમયમાં ફુગાવો વકરવાની દહેશત : વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉછળી ૧૧૦ પાર

અમદાવાદ,મુંબઈ : દેશના ફોરેક્સ રિઝર્વમાં સતત ઘટાડા સાથે ડોલરમાં વધતો આઉટફ્લો તેમજ ડોલર ઈન્ડેક્સમાં એકધારી તેજીના પગલે કરન્સી બજારમાં  આજે ડોલર સામે રૂપિયામાં છેલ્લા બે વર્ષનો સૌથી મોટો એકદિવસીય કડાકો નોંધાવા સાથે રૂપિયો નવા તળિયે પટકાયો હતો. ડોલર સામે રૂપિયાના ભાવ રૂ.૮૫.૯૭ વાળા આજે સવારે રૂ.૮૬.૨૦ ખુલ્યા પછી કડાકા સાથે તૂટી રૂ.૮૬.૬૦ની નવી ટોચ બતાવી  છેલ્લે બંધ ભાવ રૂ.૮૬.૭૦ રહ્યા હતા. આમ આજે ડોલર સામે રૂપિયામાં ૬૬ પૈસાનું ગાબડું નોંધાયું હતું. 

રૂપિયામાં રોજેરોજ ધોવાણ વધતું જાય છે તથા સામે ડોલરમાં રેકોર્ડ તેજી વચ્ચેદેશમાં આયાત થતા સોના-ચાંદી, ક્રૂડતેલ સહિતની વિવિદ ચીજોની ઈમ્પોર્ટ  કોસ્ટ વધી ગઈ છે અને આવા માહોલમાં મોંઘવારી તથા ફુગાવો ઝડપી ઉંચો જવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

કરન્સી બજારના જાણકારોના જણાવ્યા  મુજબ શેરબજારમાં કડાકો બોલાતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી ઉછળતાં કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યું છે. રિઝર્વ બેન્કના નવા ગવર્નર આવ્યા પછી રૂપિયામાં ઝડપી કડાકો ટૂંકાગાળામાં જોવા મળ્યો છે. શું અગાઉના ગવર્નરની સરખામણીએ નવા ગવર્નર રૂપિયાના ધોવાણને કાબુમાં રાખવા નિષ્ફળ ગયા છે એવો પ્રશ્ન બજારમાં પૂછાતો  થયો છે. દરમિયાન, દેશમાં ફોરેક્સ રિઝર્વમાં સતત ઘટાડો થતાં અને ડોલરનો આઉટફલો વધતાં તેની અસર પણ રૂપિયા પર નેગેટીવ દેખાઈ છે. રૂપિયામાં આજે જોવા મળેલો એક દિવસીય ૬૨ પૈસાનો કડાકો બે વર્ષનો સૌથી મોટો કડાકો મનાઈ રહ્યો હતો. ડોલર હવે ટૂંકમાં વધી રૂ.૮૭ને આંબી જવાની શક્યતા જાણકારો બતાવતા હતા.  ભારતનું ફોરેક્સ રિઝર્વ  તાજેતરમાં ઘટી ૧૦ મહિનાના તળિયે ઉતરી ૭૩૪.૬૦ અબજ ડોલર થઈ ગયું છેે.  સપ્ટેમ્બર ૨૦૨૪ની ટોચથી ગણતાં તેમાં ૭૦ અબજ ડોલરનો  ઘટાડો થયો છે.

અમેરિકામાં જોબગ્રોથ અપેક્ષાથી ઉંચો આવ્યો છે ત્યાં બેરોજગારીના દાવાઓ પણ ઘટયા છે  એવા સંજોગોમાં ત્યાં ફુગાવો ઉંચો રહેશે તેવા વ્યાજના દરમાં ઘટાડો કદાચ હવે પછી વિલંબમાં પડવાની શક્યતા  જાણકારો બતાવી રહ્યા હતા. આની અસર ડોલર પર પોઝીટીવ પડી છે. 

વિશ્વ બજારમાં  વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ આજે ઉછળી ૧૧૦ પોઈન્ટની સપાટી પાર કરી ઊંચામાં ૧૧૦.૧૮ થઈ ૧૧૦.૦૪ રહ્યાના સમાચાર હતા. અમેરિકામાં જોબગ્રોથના આંકડા અપેક્ષાતી નોંધપાત્ર વધુ ૨ લાખ ૫૬ હજાર આવ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉછળતાં ઘરઆંગણે રૂપિયો ઝડપી તૂટતો જોવા મળ્યો છે.

જો કે એક બાજુ  રૂપિયા સામે ડોલર ઉછળી રહ્યો હતો ત્યારે બીજી તરફ આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ઝડપી ૯૫ પૈસા તૂટી નીચામાં ભાવ રૂ.૧૦૫ની અંદર ઉતરી રૂ.૧૦૪.૭૧ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૪.૮૨ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ પણ ૨૯ પૈસા તૂટી નીચામાં રૂ.૮૮.૧૧ થઈ છેલ્લે ભાવ રૂ.૮૮.૨૬ રહ્યા હતા. જો કે રૂપિયા સામે આજે જાપાનની કરન્સી ૧.૧૯ ટકા ઉછળી જ્યારે ચીનની કરન્સી ૦.૭૧ ટકા ઉંચકાઈ હતી.

ટ્રમ્પના શાસનમાં ડોલર ઈન્ડેક્સ 115 થશે જ્યારે રૂપિયો ગબડી રૂ.92 થવાની ભીતિ

અમેરિકાના પ્રમુખ  ટ્રમ્પની સોગંદવિધિ પૂર્વે ડોલરમાં તેજીનો પવન ફૂંકાતો રહ્યો છે. ટ્રમ્પની ટેરીફ નીતિથી ફુગાવો વધવાની તથા દહેશત વચ્ચે અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે વ્યાજ દરમાં ઘટાડો વિલંબમાં પડવાની તથા કદાચ ત્યાં આ વર્ષે વ્યાજ દરમાં ફરી વધારો કરવાનો વારો આવશે એવી શક્યતા વિશ્વ બજારમાં  ચર્ચાતી થઈ છે. આના પગલે વૈસ્વિક ડોલર ઈન્ડેક્સ વધી ૧૧૦ની ઉપર ગયો છે તથા આ વર્ષે આવો ઈન્ડેક્સ ઉંચામાં ૧૧૫ સુધી જવાની શક્યતા પણ બેન્કરો બતાવી રહ્યા હતા. ભારતમાં રૂપિયા સામે ડોલરવધી રૂ.૦૯૦ની ઉપર જવાની શક્યતા જાણકારો આ વષે માટે હવે બતાવતા થયા છે. અમેરિકામાં જોબગ્રોથના આંકડા સારા આવ્યા પછી હવે ત્યાં બુધવારે બહાર પડનારા ફુગાવાના આંકડાઓ કેવા આવે છે તેના પર બજારના ખેલાડીઓની  નજર રહી છે. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ  આજે વધી નવેમ્બર ૨૦૨૨ પછીની નવી ઉંચી ટોચે પહોંચ્યો હતો.

છેલ્લા ચાર વર્ષમાં ડોલર સામે રૂપિયામાં ઝડપી ધોવાણ

મુંબઈ : રૂપિયા સામે ડોલરના ભાવ ૧૯૯૦માં રૂ.૧૭ તથા ૨૦૦૦માં રૂ.૪૪.૩૦ રહ્યા હતા તથા ત્યારબાદ ૨૦૧૦ સુધીમાં ભાવુ વધી રૂ.૪૬ની ઉપર ગયા હતા અને ૨૦૨૦માં  ભાવ વધુ ઉંચકાઈ  રૂ.૭૪.૩૦ને આંબી ગયા હતા. આ પછી ચાર વર્ષમાં રૂપિયામાં ધોવાણ ઝડપી બનતાં આજે ભાવ રૂ.૮૬ની ઉપર જઈ રૂ.૮૬.૬૦ સુધી ઉછળતા જોવા મળ્યા હતા.


Google NewsGoogle News